મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી-ફાયનલ મંજૂરી આપી છે.
અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે.
રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાયનલ) જાહેરનામું જારી કર્યુ છે, હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.
ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.
આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે.
મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ વિભાગમાં જમીન મહેસૂલને સ્પર્શતી બાબતોમાં વિવિધ કાયદાઓ હેઠળ વખતોવખત તેમાં સુધારા, નિયમો, ઠરાવો-પરિપત્રો બહાર પાડીને મહેસૂલી વહીવટી પ્રક્રિયાઓને સરળ, પારદર્શી અને ઝડપી બનાવી છે.
હવે, આ પ્રજાલક્ષી નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.