મેડિકલ સ્ટોરોમાં દવાના નામે ગ્રાહકો સાથે થતી ઉઘાડી લુંટ!!

કોરોના કાળમાં રાજપીપળાના મેડિકલ સ્ટોરોમાં દવાના નામે ગ્રાહકો સાથે થતી ઉઘાડી લુંટ!!

“અમે વેચેલી દવાઓ પરત લેતા નથી” મેડિકલ સ્ટોર વાળાના આવા જવાબોથી ગ્રાહકો પરેશાન

માનવતા નેવે મૂકી વેપલો કરતા મેડિકલ સ્ટોરો વાળાઓ પર ડ્રગ ઈન્સ્પેકટર લગામ લગાવે એવી માંગ

મેડિકલ સ્ટોર વાળાઓ જ જાતે ડોકટર બની ગ્રાહકોને કહે છે, આ દવા લઈ લો કોરોના મટી જશે!!!!!

રાજપીપળા:તા 5

કોરોના કાળમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના અમુક મેડિકલ સ્ટોર વાળા કોરોનાની દવાના નામે ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ કરતા હોવાની ખૂબ બુમો ઊઠી છે.

નર્મદા જિલ્લામાં કોરોનાની સારવાર લેવા માટે લોકો ગભરાઈ રહ્યાં છે તો બીજી બાજુ નર્મદા જિલ્લાના અને ખાસ કરીને રાજપીપળાના અમુક મેડિકલ સ્ટોરો વાળા જાતે જ ડોકટર બની કોરોના દર્દીઓને દવા આપી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.જ્યારે સરકાર જ એમ કહી રહી હોય કે કોરોનાના સામાન્ય લક્ષણો પણ દેખાય તો પ્રથમ નજીકના સરકારી દવાખાને જઈ ટેસ્ટ કરાવો તો બીજી બાજુ મેડિકલ સ્ટોર વાળા દર્દીઓને ટેસ્ટ કરાવવાની સલાહ આપવાનું બાજુએ મૂકી પોતાના સ્વાર્થ ખાતર સીધી જ કોરોનાના નામે ઊંચા ભાવે દવાઓ આપી ચલાવાતી ઉઘાડી લુંટ કેટલે અંશે વ્યાજબી કહેવાય.

ગ્રાહકોમાં તો એવી પણ ફરિયાદો ઊઠી છે કે કોરોનાના નામે દવા લઈ ગયા બાદ જો પરત કરવા આવે તો એવો જવાબ મળે છે કે અમે લીધેલી દવાઓ પરત લેતા નથી.હાલની કપરી સ્થિતીમાં લોકો સેવા કરી રહ્યાં છે ત્યારે મેડિકલ સ્ટોર વાળાઓ હોલ સેલર પાસેથી દવાઓની સાથે સાથે ઓક્સિમીટર, થર્મોમીટર સહિતના ઉપકરણો નીચા ભાવે ખરીદી ગ્રાહકોને ખૂબ ઊંચા ભાવે વેચી રહ્યાં છે.માનવતા નેવે મૂકી વેપલો કરતા આવા મેડિકલ સ્ટોરો વાળાઓ પર ડ્રગ ઈન્સ્પેકટર લગામ લગાવે એવી માંગ ઊઠી છે.

નર્મદા જિલ્લાના મોટે ભાગના મેડીકલ સ્ટોરો વાળા ખુલ્લે આમ સરકારી ધારા ધોરણ નેવે મૂકી પોતાનો સ્ટોર ચલાવી રહ્યા છે.નિયમ મુજબ જેટલો સમય મેડિકલ સ્ટોર ખુલ્લો રહે એટલો સમય ફાર્મસીસ્ટ ત્યાં હાજર રહેવો જોઈએ, એની જગ્યાએ કોઈ ભલતો જ વ્યક્તિ મેડિકલ સ્ટોર પર હાજર રહી ગ્રાહકોને દવાનું વેચાણ કરતો હોય છે.હવે જેને દવાઓનું કોઈ જ્ઞાન જ ન હોય એવો વ્યક્તિ ડોક્ટરે લખેલી દવાની જગ્યાએ કોઈ ભલતી દવા આપી દે અને એ દવાની જો ગ્રાહકને આડ અસર થાય તો એનો જવાબદાર કોણ.આ તમામ બાબતે ડ્રગ ઇન્સ્પેકટર કેમ આંખ આડા કાન કરી રહ્યાં છે, શુ ડ્રગ ઇન્સ્પેકટરને સમયે સમયે કવરમાં વ્યવહાર પહોંચી જતો હશે કે પછી કોઈ ઉચ્ચ અધિકારીનું દબાણ હશે સહિત અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ