*કોરોનાગ્રસ્ત મૃતદેહના નિકાલની પ્રક્રિયામાં આરોગ્ય વિભાગની સાવચેતી સાથે સંવેદનશીલતા. મૃતદેહની અંતિમક્રિયા માટે SOPને અનુસરવામાં આવે છે*

કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામે ત્યારે તેના શરીર પર અથવા શરીરની અંદર રહેલો વાયરસ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે. તેથી કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમક્રિયા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટીગ પ્રોસેસ (SOP) નિર્ધારીત કરવામાં આવી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં મૃત્યુ પામતા કોરોનાગ્રસ્ત દર્દીઓની છેલ્લા 8 મહિનાથી અંતિમક્રિયા માટેની નિર્ધારિત પ્રક્રિયા અનુસરવામાં આવે છે. હવે સમજીએ આ પ્રક્રિયાને..
કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે મૃત્યુ પામે ત્યારબાદ વોર્ડના તબીબી સ્ટાફ ડેથ સ્લીપ(મૃત્યુ નોંધ) તૈયાર કરે છે, જેમાં દર્દીની પ્રાથમિક માહિતી,મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય અને તારીખ નોંધવામાં આવે છે. ત્યારબાદ મૃતદેહને સંપૂર્ણપણે જંતુરહીત કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોરના એ-0 બ્લોકમાં ડેડ બોડી ડિસ્પોસલ વિસ્તારમાં તૈનાત ચીફ મેડિકલ ઓફિસરને ફોનથી જાણ કરવામાં આવે છે.
ગ્રાઉન્ડ ફ્લોરના એ-૦ વોર્ડમાં એક મેડિકલ ઓફિસર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન માંથી એક ઓફિસર 24 કલાક ડ્યૂટી પર હોય છે.જેમના માર્ગર્દશન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
કોરોનાગ્રસ્ત દર્દીને તબીબ જ્યારે મૃત જાહેર કરે ત્યારે સંબંધિત બે સ્ટાફ મિત્ર જે-તે વોર્ડમાં સ્ટ્રેચર કે ટ્રોલી લઇને પહોંચે છે. આ સ્ટાફ મિત્રની સાથે સેનિટાઇઝેશનના ૨ સ્ટાફ મિત્ર પણ મૃતદેહ અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવા સાથે જાય છે.
આ સ્ટાફ મિત્ર વોર્ડમાં પહોંચે ત્યાર સુધીમાં ડેડ બોડી ડિસ્પોઝલ વિસ્તારમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને મૃતક દર્દીના કેસની વિગત , રજીસ્ટ્રેશન નંબર અને સંપર્કની વિગતો વોટ્સએપથી જાણ કરાય છે. ફરજ પર હાજર મેડિકલ ઓફિસર દ્વારા દર્દીના સગાને આ અંગે તરત જાણ કરે છે.
મૃત્યુ પામેલા દર્દીને જો વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હોય તો શરીર સાથે જોડાયેલ તમામ પ્રકારની ટ્યુબ(નળીઓ)- જેવી કે આર.ટી.(નાક વાટે જમવાનું પહોંચાડવા માટે), કેથેટર (જો દર્દીના ફેફસાને ટ્રેકીયાથી જોડવામાં આવ્યા હોય તો) અને પેશાબની નળી દૂર કરવામાં આવે છે, જેથી શરીરના કોઇપણ ભાગમાંથી પ્રવાહીનું લીકેજ થતું અટકાવી શકાય. કેટલીકવાર આ લીકેજ અટકાવવા માટે આ પ્રવાહીને બહાર પણ ખેંચી લેવામાં આવે છે.
શરીરમાં મુખ્ય ત્રણ છિદ્રો હોય છે – મોઢું, નાક અને ગુદા. આ ત્રણ ભાગોમાંથી કોઇપણ પ્રકારનું પ્રવાહી લીકેજ ન થાય તે માટે ત્યાં રૂ મૂકવામાં આવે છે. સોયના પંક્ચરથી છિદ્ર થયા હોય તો તેને પણ જંતુમુક્ત કરવામાં આવે છે. મૃતદેહને સ્ટ્રેચર પર ટ્રાન્સફર કર્યા બાદ દર્દીના બેડને સેનિટાઇઝીંગ ટીમ દ્વારા સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવે છે. વોર્ડ બોય અથવા અન્ય સ્ટાફ દ્વારા દર્દીને પથારીમાંથી સ્ટ્રેચરમાં ખસેડવામાં આવે છે અને તેને બ્લોક-એ-0 માં ગ્રાઉન્ડ ફ્લોર પર નિર્ધારિત લિફ્ટ નંબર 7 અને રૂટ મારફતે લઇ જવામાં આવે છે.
આ પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિ મૃત શરીરની અવરજવરના સમગ્ર માર્ગને સેનિટાઇઝ કરતો જાય છે. આ સેનિટાઈઝેશન હાઇપોક્લોરાઇટના દ્રાવણથી કરવામાં આવે છે.
મૃત શરીરને તરત જ બોડી બેગ(ઝિપ બોડી બેગ)માં મૂકવામાં આવે છે, જેમાં દર્દીની વિગતો અને ‘COVID-19’ ચિહ્નિત ઓળખ ટેગ લગાડવામાં આવે છે અને આ મૃતદેહને સ્મશાનગૃહ મોકલતા પહેલા શરીરના કોઇપણ ભાગમાંથી પ્રવાહીનું લીકેજ અટકાવવા માટે પૂરતી કાળજી લેવામાં આવે છે.
મૃત દર્દીના સગા-સંબંધીઓને સરકારી દિશાનિર્દેશ પ્રમાણે સંપૂર્ણ સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરતા પહેલાં છેલ્લી વાર મૃતદેહને જોવાની મંજૂરી આપવામાં આવે છે, જેમાં પારદર્શક બેગમાં રહેલા મૃતદેહનો ચહેરો બતાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દર્દીના સગાને કોરોના સંક્રમણથી બચાવવા રક્ષણાત્મક સામગ્રી આપવામાં આવે છે.
ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડેડ બોડી વાનમાં અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવામાં આવે છે. જેમાં દર્દીના સગા સંબંધી અને વોર્ડ બોય સાથે હોય છે. આમ, કોરોનાગ્રસ્ત મૃતદેહના નિકાલની પ્રક્રિયા અંદાજે એક થી દોઢ કલાકમાં પૂરી થાય છે.
આ પ્રક્રિયા અંગે સમજાવતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં મૃતદેહના નિકાલ માટે અલગ રૂમ કાર્યરત કરાયા છે. જેમાં જરુરી સુવિધાઓ ઉપ્લબ્ધ છે. તેમ જ ડેડ બોડી ડિસ્પોઝલ રૂમમાં ફરજરત ચીફ મેડિકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા સુચારૂ સંચાલન કરવામાં આવી રહ્યુ છે.
તેઓ ઉમેરે છે કે, ડેડ બોડી ડિસ્પોઝલના સમગ્ર એરિયાને નિયમિતપણે સેનિટાઇઝ કરવામાં આવે છે. વળી, જો મૃતકના સગાને સિવિલ પહોંચવામાં વધુ સમય લાગે એમ હોય તો મૃતદેહને વાતાનુકુલિત રુમમાં સાચવવામાં આવે છે.
*