(#Storry_Writing_SIDDHANT_MAHANT_31_october_2020) દેશને એક તાંતણે બાંધનાર લોખંડી વીર પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતિ કેવી રીતે ભુલાય. આમ તો તેમના નામથી સૌ કોઈ પરિચિત છે. 31 ઓક્ટોબર તેમની જન્મ જયંતીએ નાના મોટા કાર્યક્રમો થશે અને આ દિવસની ઉજવણી થશે.નડિયાદની ભૂમિ ઉપર જન્મેલા આ મહાન નેતાએ દેશ અને દુનિયામાં પોતાનું નામ ગુંજતું કરી દીધું છે. જે ગૌરવ લેવા જેવી બાબત છે. નડિયાદની ભૂમિએ કેટ કેટલાય સપૂતો ગુજરાત અને દેશના ચરણે ધર્યા છે. માટે જ નડિયાદ નવરત્નોની ખાણ કહેવાય છે. નડિયાદે માત્ર પોતાના પુત્ર જ નહિ પણ સારામાં સારા ભાણેજો પણ દેશને આપ્યા છે તે ન ભુલવું જોઈએ. જેમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ છે. અહીંયા જયારે વાત આવે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની તો ખરા અર્થમાં તે ક્યારે જનમ્યા તેની કોઈને ખબર નથી. તેમના માતાને કદાચ જન્મ તિથિ વિશે ખબર હશે પણ તારીખ કે સાલ જાણતા નહોતા. અત્યારે 31 ઓક્ટોબર 1875 એમની જન્મ તારીખ ગણાય છે. જે એમના મેટ્રિકના સર્ટિફિકેટમાંથી મળેલી છે. એ સાચી છે કે ખોટી તેની બહુ ખાતરી તો નથી. સરદાર તો હસતા હસતા કહે છે કે મનમાં આવ્યા પ્રમાણે પરીક્ષાના મંડપમાં મેં ભરી દીધી હશે. સરદારે નડિયાદમાં જ 22 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યુ. અંગ્રેજી વધુ સારી શીખવાની તેમની ઈચ્છા હોવાથી મેટ્રિકમાં તેઓ વડોદરા ગયા. પણ શિક્ષકો સાથે તેમના સ્વમાની અને લડાયક આત્માને મેળ ન પડતા તેઓ છેવટે પાછા ફર્યા. આ બાદ નડિયાદમાં રહીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આમ અભ્યાસકાળ દરમ્યાન નડિયાદે તેમનામાં પડેલા બહાદુર નેતાના લક્ષણો નિહાળ્યા હતા. નાનપણથી સરદાર સ્વતંત્ર મિજાજના હતા. મામાના ઘરે રહેવાના બદલે તેમણે વિદ્યાર્થીઓની એક જુદી ક્લબ ખોલી શહેરના મોગલકોટ વિસ્તારમાં આવેલ એક ઓરડી ભાડે રાખી, સૌ મિત્રો સાથે ત્યાં રહેતા હતા. તે સમયે રાત્રે અંધારામાં વાંચવા માટે ફાનસ કે દીવાની સગવડ નહોતી, તેથી ચાર રસ્તે લગાવેલ ચીમની ઓરડી ઉપર લઇ જતા અને આ ચીમનીના અજવાળે સરદાર અને સૌ મિત્રો રાત્રી અભ્યાસ કરતા હતા. વાંચી રહ્યા બાદ આ ચીમની ફરી પાછી ચાર રસ્તે સરદાર મૂકી આવતા.આ હરકતથી મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ પણ વાકેફ હતા. પણ સરદારની સામે બોલી શકતા નહોતા. અમૂક અમૂક દિવસોના અંતરે કરમસદ જવાનું થાય તો સરદારને ચાલતા જવુ પડતું. નાસ્તા માટે આપેલા પૈસા પોતે ગાડી ભાડામાં વાપરી ન નાખે તેથી સરદારના દાદીમા શહેરના મોટા કુંભનાથ મહાદેવના ફાટક સુધી સરદારને મૂકી આવતા હતા.આમ વિદ્યાર્થી અવસ્થામાં જ અનેક વાર કાચા ધૂળવાળા રસ્તે કરમસદ ચાલતા જઈને સરદારે પોતાના જીવનમાં ખડતલપણું કેળવી લીધું હતું. સન 1897માં 22 વર્ષની ઉંમરે પહોંચેલા સરદારે મેટ્રિક પાસ કર્યું. નડિયાદમાં રહીને જે સ્કૂલમાં ભણેલા તે મોગલકોટ વિસ્તારમાં આવેલ સ્કૂલ તે સમયે ગવર્મેન્ટ હાઈસ્કૂલ હતી અને હાલ તેમના “સરદાર પટેલ હાઈસ્કૂલ” ના નામે ચાલે છે. હાલમાં આ સ્કૂલમાં તેમના અભ્યાસ દરમિયાનનું જી.આર ધરાવતું રજીસ્ટર પણ અસલ રૂપે જળવાયેલું છે. ઉપરાંત તેમના જન્મ સ્થળ દેસાઈ વગામાં તેમનું મકાન પણ આજે હયાત છે. અને જે ઘોડિયે જુલ્યાતા તે પણ સચવાયેલુ છે. સરદાર પટેલને વકીલ બનવાનું સ્વપ્ન હતું. માટે તેઓ ડીસ્ટ્રીકટ પીલ્ડરની પરીક્ષાની તૈયારીઓ કરતા હતા. સન 1900માં તેમણે વકીલાતની પરીક્ષા પસાર કરી. આ બાદ તે સમયે નડિયાદમાં મોટાગજના વકીલોએ સરદારને પોતાની સાથે વકીલાત કરવા જણાવ્યું હતું. પણ સરદારને તેમ નહોતું કરવું તેમણે ગુજરાતનું નાનું ક્ષેત્ર એવું ગોધરા શહેર પસંદ કર્યું અને પછી ત્યાં સ્થાઈ થયા. તે સમયે તેમની સ્થિતિ સારી નહોતી માટે નડિયાદની ગુજરીમાં સર-સામાનનું દેવું કરીને તેમણે ખરીદ્યો અને પોતાનું ઘર માંડ્યું હતું. ગોધરામાં પ્લેગનો રોગ ફાટતા તેઓ એક વ્યક્તિની સારસંભાળ રાખતા હતા માટે સરદારને પણ પ્લેગનો રોગના ભોગ બનવું પડ્યું હતું. જોકે સમયસર નડિયાદ આવી પહોંચી સારવાર કરતા તેઓ નડિયાદમાંથી જલ્દી સાજા થઇ ગયા હતા. સરદાર પટેલ ગોધરાથી બોરસદ ગયા અને ત્યાં તેમણે વકીલાત શરુ કરી. એક કેસમાં સરદારને નડિયાદ આવવાનું થયું હતું. જ્યાં એક ગોરો ન્યાયાધીશ કોર્ટમાં જુબાની આપવા માટે સાક્ષીને આયના સામે ઉભા કરી દેતો. બસ આ સરદારને ગમ્યું નહિ અને તેમણે પોતાની છણાવટથી બહેંશ કરી કોર્ટ રૂમમાંથી આ આઇનો કઢાવી દીધો. આ સમયે નડિયાદે એક સ્પષ્ટ વક્તા અને વકીલના દર્શન સરદારમાં કર્યા. ગાંધીજીએ ખેડા સત્યાગ્રહનું રણશિંગુ ફુક્યું માટે સરદારે કોટ, ટાઈ, હેટને તિલાંજલિ આપી ધોતીયું, ખમીશ, હાફકોટ અને ટર્કીશ આકારની ટોપી પહેરી એકદમ સ્વદેશી થઇ નડિયાદ ખાતેની લડત “ખેડા સત્યાગ્રહ”માં ઉતરી પડ્યા. લડત દરમ્યાન મોટેભાગે ગાંધીજી સાથે સરદાર જ રહેતા હતા. અને ગાંધીજીની ગેરહાજરીમાં સરદાર સાહેબ જ આખી લડત ઉપર દેખ રેખ રાખતા હતા. લાંબી લડત બાદ દુઃખના વાદળો હટયા અને આ લડત પૂરી થતાં ગાંધીજી અને સરદારની સહીથી પૂર્ણાહુતિની પત્રિકાઓ બહાર પડી. આમ સરદાર સાહેબે અંગ્રેજો સામેની સૌપ્રથમ લડત નડિયાદમાં રહીને લડ્યા જે ભાણેજ તરીકે આજે આપણે સૌ ગૌરવ મેળવી રહ્યા છે. દેશની ખાતર વકીલાત છોડનાર સરદાર સાહેબની છેલ્લી વકીલાત પણ નડીઆદમાં હતી. રોલેટ એક્ટ સમયે અમદાવાદને બચાવવા નડિયાદે એક પાટો ઉખેડીને લશ્કર ટ્રેનને અટકાવી હતી જે કેસમાં આરોપીઓને પકડી બ્રિટિશ સરકારે કેસ ચલાવ્યો હતો. આ સમયે આરોપીઓના બચાવ માટે સરદાર સાહેબે પુનઃ વકીલાતનો કાળો કોટ ધારણ કર્યો હતો. અને સરદાર સાહેબ આ કેસ જીતી ગયા હતા. આ પછી તો ધીરે ધીરે સરદાર સાહેબની લોકપ્રિયતા વધી અને તે ગુજરાતના નહિ પણ પુરા દેશના નેતા બન્યા.આ બાદ નડિયાદ સાથેનો તેમનો નાતો ઓછો થયો પણ પ્રેમ વધતો ગયો. સરદાર સાહેબે ઉપાડેલ અનેક લડતો જેવી કે નાગપુર સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ જેવી લડતો સમયે નડિયાદીઓએ સારી સેવા આપી છે. નડિયાદે એક એવો ભાણેજ દેશને આપ્યો હતો કે વર્ષો બાદ આજે પણ સમગ્ર દેશની જનતા આ વીર પુરુષને યાદ કરે છે. કોઈપણ દેશના નેતા કરતા સરદાર સાહેબને આજે વધુમાં વધુ લોકો યાદ કરે છે. એ એમના જીવનની મોટામાં મોટી સફળતા છે. ___________________________________________________________ સરદાર વિદ્યાર્થી કાળમાં નેતા તરીકે…….. જયારે સરદાર શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની છાપ એક વિદ્યાર્થી તરીકે તો હતી. પણ સાથે સાથે એક નેતા તરીકેની પણ હતી. અહીંયા ત્રણ પ્રસંગ રજુ કરું છુ જે તેમના વિદ્યાર્થી કાળમાં બન્યા હતા. પહેલા પ્રસંગની વાત કરીએ તો એક વખત પારસી માસ્ટરે સ્કૂલમાં એક વિદ્યાર્થી ને દંડ કર્યો અને આ વિદ્યાર્થી દંડ ન લાવ્યો તો તેને વર્ગની બહાર કાઢી મુકાયો આ બધુ સરદારથી જોવાયું નહિ અને એટલે જ પછી બીજા દિવસે સરદારે સ્કૂલમાં હડતાળ પડાવી. ત્રણ દિવસ ચાલેલી આ હડતાળનું અંતે સમાધાન થયું અને હેડમાસ્તરે હૈયા ધારણા આપી કે કોઈ વિદ્યાર્થીને ખોટી રીતે હદ ઉપરાંતની સજા નહિ થાય. બીજા પ્રસંગની વાત કરીએ તો સ્કૂલમાં એક શિક્ષકે સ્ટેશનરીની દુકાન કરેલી અને આ શિક્ષક વિદ્યાર્થીઓને ફરજ પાડતો હતો કે સ્ટેશનરીનો કોઈપણ સામાન તેની દુકાનેથી જ લેવો પણ સરદારે આનો પણ વિરોધ દર્શાવતા અંતે શિક્ષકે નમવું પડ્યું હતું. ત્રીજા પ્રસંગની વાત કરવામાં આવે તો મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં શાળાના એક શિક્ષક ઉભા હતા અને આ શિક્ષકની સામે શ્રીમંત કુટુંબનો એક દીકરો.આ ધનવાન કુટુંબનો દીકરો ગર્વથી કહેતો હતો કે જો પોતે શિક્ષક સામે હારશે તો પોતાની દાઢી, મૂછ મુંડાવી દઈશ. પછી શું સરદારે શાળાના શિક્ષકને જીતાડવા કેડ બાંધી. ચૂંટણીમાં શિક્ષક જીતી ગયો અને ધનવાન કુટુંબનો દીકરો હારી ગયો. પછી તો આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ અને હજામ પેલા ધનવાન કુટુંબના દીકરા પાસે ગયા. આવા હતા વિદ્યાર્થી કાળમાં સરદાર. ___________________________________________________________ જેમ જેમ હું સરદારના નિકટ આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે સરદાર તો જોઈએ : ગાંધીજી જેમ જેમ હું સરદારના પ્રસંગોમાં નિકટ આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે સરદાર તો જોઈએ આ શબ્દો છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના કારણ કે તેમને સરાદરને પારખી લીધા હતા. અને ખંતીલા સરદારની જરૂર હતી. ખેડા સત્યાગ્રહ સમયે જ ગાંધીજીએ ઉપ સેનાપતિ તરીકે સરદારને નીમ્યા હતા. અને આ સમયે બાપુએ કહેલું કે જો સરદાર મને ના મળ્યા હોત તો આજે જે કામ થયું છે તે નજ થાત. ___________________________________________________________ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2011માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ નડિયાદમાં યોજાયો હતો. ત્યારે નરેન્દ્ર મોદીએ શહેરના દેસાઈ વગા સ્થિત આવેલ સરદાર સાહેબના જન્મ સ્થળની મૂલાકાત લીધી હતી. આ સમયે તેઓએ સરદાર પટેલની તસ્વીરને નમન કરી સુતરની આટી પહેરાવી હતી. આજે આ વાતને દશ વર્ષનો સમય વીત્યો છે. આ પછી સાક્ષરભૂમિ ઉપર નરેન્દ્ર મોદી આવ્યા નથી. ત્યારે વધુ એક વખત વડાપ્રધાન ફરીથી નડિયાદની મુલાકાતે આવે તેવું નગરજનો ઇચ્છિ રહ્યા છે. આલેખન :- સિધ્ધાંત મહંત, જર્નાલિસ્ટ નડિયાદ-ખેડા 9998527193 Siddhantmahant@gmail.com.
Related Posts
ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટ્સની વેલિડીટી સરકારે વધારી
ગુજરાતડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટ્સની વેલિડીટી સરકારે વધારી, હવે 30 સપ્ટેમ્બર સુધી રહેશે વેલિડ.
દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનના પાલન કરવાનુ રહેશે અને 50થી વધુ દર્શનાર્થીઓ ભેગા નહી થઈ શકે.
કાલથી સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, અમદાવાદનું જગન્નાથ મંદિર, પાવાગઢ મંદિર, ચોટીલાનું ચામુંડા મંદિર દર્શાનાર્થીઓ માટે ખુલશે. જ્યારે અંબાજી મંદિર 12…
શેરડી કાપતા નર્મદા સુગરના મજૂરોને ગરમીમાં 5000 થી વધુ ઠંડી છાસની તથા નાસ્તાનું વિતરણ કરાયું સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ ટીમ…