શરદ-પૂનમની ઉજવણીનું વૈજ્ઞાનિક મહત્વ ખરું ? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ

પૂનમ ચંદ્રની સ્થિતિ દર્શાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગ્રહો અને નક્ષત્રોની ખૂબ ઊંડી અસર પૃથ્વી અને પૃથ્વીવાસીઓ પર એટલે કે જીવસૃષ્ટિ પર પડે છે. ઘણા લોકો જ્યોતિષશાસ્ત્રને એટલે કે ગ્રહોની મનુષ્યજીવન પર થતી અસરને સ્વીકારી શકતા નથી. પરંતુ હવે તો વિજ્ઞાને અનેક સંશોધનો દ્વારા સાબિત કર્યું છે કે પ્રકૃતિમાં આવતા પરિવર્તન તેમ જ ગ્રહોની ચાલ સાથે મનુષ્યજીવનને સીધો સંબંધ છે. ચંદ્રની કળા એટલે કે ચંદ્રની અમાસથી પૂનમ સુધીની વધઘટની દેખિતી અસર સમુદ્ર પર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્રમાં આવતા ભરતી અને ઓટ ચંદ્રની કળાને આભારી છે. સમુદ્ર અને માનવશરીરની રચનામાં ખૂબ સામ્યતા છે. જેમ કે સમુદ્રમાં મુખ્યત્વે મીઠું અને પાણી છે જયારે માનવશરીરમાં પણ ૬૦ થી ૭૦ ટકા પાણી રહેલું છે તેમ જ ક્ષાર છે. એનો અર્થ એ થયો કે જો ચંદ્ર સમુદ્રને અસર કરી શકે તો મનુષ્યને પણ અસર કરી જ શકે. એક અભ્યાસ પ્રમાણે મોટાભાગની માછલી ઓટના દિવસોમાં ઈંડા મૂકે છે અને પંદર દિવસ પછી ભરતીના દિવસોમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે અને સાગરની લહેર તેમને અંદર પાણીમાં લઇ જાય છે. આજ સુધી એ ખબર નથી પડી કે માછલીને ભરતી અને ઓટની ખબર કેવી રીતે પડે છે? આ તમામ પાછળ ચંદ્રની સંવેદના જવાબદાર છે. માછલી ચંદ્રની સંવેદનાને ઓળખે છે. એ જ કારણ પક્ષીઓના સીઝન પ્રમાણે પ્રદેશ બદલવા પાછળ જવાબદાર છે. આમ ગ્રહો જીવોને અસર કરે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ પરથી જાપાનમાં એક ચકલી ધરતીકંપના ૨૪ કલાક પહેલા પ્રદેશ છોડી દે છે. અંતરિક્ષની સમગ્ર હીલચાલની અસર જીવસૃષ્ટિ પર પડવા પાછળનું રહસ્યમય તત્વ પાણી છે. એટલે કે પાણીના માધ્યમથી એ અસર અનુભવાય છે. ગર્ભમાં મા અને બાળકનું જોડાણ પણ પાણીને જ આભારી છે.
શરદપૂનમ એટલે અમૃતવર્ષાનું પર્વ. ચંદ્રના કિરણોમાંથી અમૃતા, માનદા, પૂષા, પુષ્ટિ, તૃષ્ટિ, રતિ, રાશિની, ધૃતિ, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા,પૂર્ણમૃતા એવા સોળ પ્રકારની કળા વરસે છે અને ચંદ્રની આ સોળ કળા એ બીજું કંઈ નહીં પરંતુ અલૌકિક શક્તિઓ છે. વર્ષની બાર પૂનમમાંથી શરદપૂનમ મહાપૂનમ તરીકે ઓળખાય છે. કારણ કે દરેક પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલે છે અવશ્ય પરંતુ માત્ર શરદપૂનમના ખીલેલા ચંદ્રની સોળ કળામાંથી જ અમૃતની વર્ષા પૃથ્વી પર થાય છે. આ અમૃત એટલે બીજું કાંઇ નહીં પરંતુ શીતળતાનું અમૃત. ચંદ્રની શીતળતા એક ઔષધિનું કામ કરે છે અને આયુર્વેદ અનુસાર શરદપૂનમની રાત્રે ચંદ્રના અમૃતમય શીતળ કિરણોમાં સ્નાન કરવાથી શરીરના રોગો નાશ પામે છે. વળી ચંદ્ર મનનો કારક હોવાથી સૌથી મહત્ત્વનું કામ તે મનને શાંત અને પ્રસન્ન કરવાનું કરે છે અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રસન્નચિત્ત જીવનની સર્વોપરી સફળતા છે. આમ મન અને ચિત્તને પ્રસન્ન કરવાનું પર્વ એટલે શરદપૂનમ. એવું માનવામાં આવે છે કે શરદપૂનમના શીતળ કિરણો સમુદ્રકાંઠે પડેલ છીપમાં રહેલા પાણીને મોતી બનાવે છે. આમ જો ચંદ્રકિરણો પાણીને મોતી બનાવવાની તાકાત ધરાવતા હોય તો વિચારો આપણા મનને પ્રસન્ન કરી શકવાની કેટલી તાકાત ધરાવતા હશે?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર મનનો કારક છે જેથી ચંદ્રકળાની માનવ મન પર પ્રબળ અસર પડે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ નોંધ્યું છે કે સૌથી અધિક પાગલપનના કિસ્સા પૂનમના દિવસે જોવા મળ્યા છે. શરદપૂનમની રાત્રે ચંદ્રની સ્થિતિ ઉત્તમ હોય છે. જેનો લાભ લેવા શરદપૂનમની ઉજવણી ખૂબ વૈજ્ઞાનિક છે. ચંદ્ર મનનો કારક હોવાને લીધે મનની શક્તિ વધારવામા તેનું અનેરું પ્રદાન છે. ઉપરાંત ચંદ્ર પવિત્રતા અને શાંતિ પ્રદાન કરે છે. એનો સફેદ રંગ શાંતિનો કારક છે. એટલા માટે આપણે ત્યાં મરણ બાદ સફેદ રંગના વસ્ત્રોનો રીવાજ છે એ જ રીતે ચાંદીના વાસણો અને ઘરેણાં વ્યક્તિને માનસિક બળ પૂરું પાડવામાં ઉપયોગી છે. એક અભ્યાસ પ્રમાણે સફેદ રંગની ગાડી અકસ્માતની શક્યતા ઘટાડે છે. ચંદ્ર વાસ્તવમાં કિરણોને ગાળવાની ગરણી છે એટલે કે સૂર્યના હાનિકારક કિરણો તે ઝીલી પૃથ્વી પર સૌમ્ય કિરણો મોકલવાનું મહાન કાર્ય કરે છે. એટલા માટે તો તેને ચંદામામા તરીકે ઓળખવામાં આવે છે કેમકે તે પૃથ્વીનો ભાઈ બની ધરતીના સંતાનોને મદદ કરી માનસિક સ્વાસ્થ્ય બક્ષે છે. વળી આજના ગ્લોબલ વોર્મિંગના જમાનામાં તો ચંદ્રપ્રેમ અતિ લાભકારક છે. આવા અનેક વૈજ્ઞાનિક કારણોને લીધે ચંદ્રકિરણોમાં મૂકેલા દૂધ-પૌવા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યવર્ધક છે. વળી શરદપૂનમના દિવસે બીજું કંઈ જ નહીં માત્ર દૂધ-પૌવા ખાવા પાછળ પણ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. ચોખાના પૌંઆમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વધુ હોવાની સાથે તે પચવામાં ખૂબ હલકા છે. ઉપરાંત ચોમાસાની ઋતુમાં ઉત્પન્ન થયેલ પિત્તનો નાશ દૂધ-પૌઆ અને ચંદ્રકિરણોથી વધુ સારી રીતે બીજું કોણ કરી શકે? આમ દૂધપૌવા અને ચંદ્રકિરણોનો સંગ ઉત્તમ પરિણામ આપી શકે એ દૃષ્ટિએ શરદપૂનમની ઉજવણી દૂધપૌવા સાથે થાય એ સર્વના હિતમાં છે. જેના દ્વારા શારીરિક સ્વાસ્થ્ય તો પ્રાપ્ત થાય જ છે પરંતુ મનની શક્તિ પણ વધે છે. તેમજ મન પવિત્રતા સાથે શાંત બને છે. વાચકમિત્રોને શરદપૂનમની ખુબ ખુબ શુભકામના અને મિત્રો પૂનમની ઉજવણી દૂધપૌવા અને ચંદ્રકિરણોના સાનિધ્યમાં કરે તેવી અપેક્ષા