સરકારી નીતિઓને લઈને વેપારીઓ પરેશાન, કોંગ્રેસ દ્વારા વેપારીઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક શરુ કરાશે

વેપારીઓ ના પ્રશ્નો સ્થાનિક સંગઠનો તેમજ વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં પણ ઉઠાવવામાં આવશે

આત્મનિર્ભર લોનની માત્ર વાતો જ થઈ
જરૂરીયાતમંદોને લોન મળી જ નથી: કૈલાશ ગઢવી

કોરોના બાદ વ્યાપાર ઉદ્યોગ ધંધા હજુ સુધી બેઠા થઈ શક્યા નથી. સરકારની વ્યાપાર વિમુખ નીતિઓ તેમજ અધિકારીરાજ અને ખૂબ જ ફૂલ્યા ફાલ્યા ભ્રષ્ટાચારને કારણે નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તથા રિટેલર્સ પરેશાન થઈ ગયા છે આ વેપારીઓને પડતી તકલીફની યોગ્ય રજૂઆત થાય તેના માટે કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે વ્યાપારીઓ ના પ્રશ્ન સ્થાનિક વેપારી સંગઠનો સમક્ષ તેમજ વિધાનસભા લોકસભા અને રાજ્યસભામાં પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે તથા વ્યાપારીઓને તમામ પ્રકારની મદદ પણ કરવામાં આવશે.

વર્તમાન સમયમાં વેપારીઓની પરિસ્થિતિ ખૂબ જ કથળી રહી છે વેપારીઓના કરોડો રૂપિયાના રિફંડ તેમને પરત મળતાં નથી બીજી તરફ કોરોના ને લઈને બજારો ની સ્થિતિ પણ દયનીય બની ગઇ છે આ પરિસ્થિતિમાં સરકાર વેપારીઓની પડખે રહેવાને બદલે તેમને નીચોવી રહી હોવાનો આક્ષેપ કૈલાસ ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ગાર્મેન્ટ્સ ,ટ્રાન્સપોર્ટેશન , હોટેલ રેસ્ટોરન્ટ,એન્ટરટેનમેન્ટ ,ટેક્સટાઇલ સિરામિક જેમ એન્ડ જ્વેલરી જેવા ધંધા ની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ છે. બીજી તરફ બેન્કો દ્વારા વ્યાપારી અને ઉદ્યોગપતિઓને પૂરતા પ્રમાણમાં લોન પણ આપવામાં આવતી નથી કોરોના ની પરિસ્થિતિ માંથી વ્યાપાર ઉદ્યોગ ધંધાને બેઠા કરવા માટે સરકાર દ્વારા જે વીસ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તે પણ આભાસી છે. આટલું જ નહીં ગુજરાત સરકાર દ્વારા ખાસ ઓછા વ્યાજે આત્મનિર્ભર લોન આપવાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ તે જે તે બેન્કો દ્વારા માત્ર પોતાના મળતિયાઓને જ આપવામાં આવી છે ખરેખર જરૂરિયાતમંદ વ્યાપારીઓને આત્મનિર્ભર લોન મળી નથી જે અયોગ્ય છે.

વ્યાપારીઓ માટે સરકારમાં યોગ્ય રજૂઆત થાય અને વેપારીઓના પ્રશ્ન અને યોગ્ય વાંચવા મળે તેના માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે વ્યાપારીઓ માટેનું ખાસ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવશે જે સોમથી શુક્ર કાર્યરત રહેશે તથા હેલ્પ ડેસ્ક પર વ્યાપાર ઉદ્યોગ ધંધા ના જાણકાર માણસોની ખાસ ટીમ રાખી વ્યાપારીઓ ના પ્રશ્નો સાંભળવામાં આવશે સાથે સાથે બેન્કિંગ ઇન્કમટેક્સ સહિતના વિવિધ ક્ષેત્રોના નિવૃત્ત અધિકારીઓનુ પણ માર્ગદર્શન વેપારીઓને મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કૈલાસ ગઢવીએ જણાવ્યું હતું કે જે તે સેકટરના વ્યાપારીઓ ના પ્રશ્નો અંગે વ્યાપારી સંગઠન સમક્ષ પહેલાં રજૂઆત કરી તેમણે સહયોગ આપવામાં આવશે સાથે સાથે જરૂર પડ્યે વિધાનસભા લોકસભા અને રાજ્યસભામાં પણ કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા વેપારીઓ ના પ્રશ્નો ઉઠાવવામાં આવશે અને વેપારીઓને પૂરતો ન્યાય મળે તેવો પ્રયાસ કરવામાં આવશે.