*અમરેલી રિસામણે ગયેલી પત્નીનું પતિએ નાક કાપી, નાકનું પડીકુવાળી ભાગી ગયો*

અમરેલીના ખાંભામાં પતિની બર્બરતા – ધારદાર હથિયારથી પત્નીનું નાક કાપી નાખ્યું. ત્યારબાદ કાપેલા નાકનું પડીકુ વાળ્યું અને ખીસ્સામાં નાખી ભાગી ગયો

પતિ પત્નીના ઝગડા, છુટાછેડા, અફેર જેવા સમાચાર તો ઘણી વખત સામે આવતા હોય છે પરંતુ આજે પતિ પત્નીના કકળાટમાં એક વિચિત્ર બર્બરતા ભરી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ખાંભામાં રિસામણે ગયેલી પત્નીનું પતિએ નાક કાપી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા ગામમાં પતિએ પત્ની સાથે બર્બરતા ભર્યું પગલું ભર્યું છે. રિસામણે ગયેલી પત્ની સાથે ચર્ચા કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર મારી ધારદાર ચપ્પાથી પત્નીનું નાક કાપી નાખ્યું અને નાક લઈ ફરાર થઈ ગયો.

વિગતે ઘટના જોઈએ તો, પતિ સાથે રિસાઈ જતા પત્ની પોતાના પિયરે વીરપુર જતા રહ્યા હતા, ત્યારબાદ તેઓ પોતાની બહેનના ઘરે ખાંભા આવ્યા હતા. આ સમયે તેના પતિને જાણ થઈ કે, પત્ની સાળીના ઘરે છે, તો ઉશ્કેરાટમાં આવેલા પતિએ સાળીના ઘરે આવી બબાલ કરી અને પત્ની સાથે ત્યાં જ ઝગડો કર્યો. બંને વચ્ચે ચાલેલી ચર્ચામાં ઉશ્કેરાયેલા પતિએ ધારદાર હથિયારથી નાક કાપી નાખ્યું. પતિની બર્બરતા આટલે જ અટકતી નથી, પતિએ પત્નીના કાપેલા નાકનું પડીકુ વાળ્યું અને ખીસ્સામાં નાખી ભાગી ગયો.

આ ઘટના બાદ સાળીએ બુમો પાડતા લોકો ભેગા થઈ ગયા અને ગંભીર રીતે ગાયલ પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી, જોકે લોહી વધારે વહી જવાથી તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી હજુ પોલીસ ફરીયાદ થઈ નથી, પરંતુ ઘટનાની જાણ પોલીસને થતા ખાંભા પોલીસ હરકતમાં આવી ગઈ છે, અને પતિની ધરપકડ કરવા ચક્રોગતિમાન કરી દીધા છે.