શોલે ફિલ્મ જોતાં હોઇએ ત્યારે ફિલ્મ મુખ્ય પાત્રો આસપાસ ફરે છે, પણ તેમાં આવતા અસંખ્ય નાના નાના કેરેક્ટર પર ખાસ વાત રજૂ કરવામાં આવી નથી. માની લો કે તમને કાલિયા કે શાંબા કેરેક્ટરમાં રસ પડ્યો. ફિલ્મમાં કાલિયા કે શાંબા એકાદ મિનીટ માટે આવે એટલું કામ છે. આ પાત્રોને તમને માઇક્રોસ્કોપમાં જોવાનું મન થાય, સાંબા કે કાલિયા શા માટે ડાકુ બન્યા, તેમના પરિવાર પર કોઈ અન્યાય થયો હતો અને જો અન્યાય હોય તો કેવો અન્યાય હતો….વગેરે લખવામાં આવે તો તે પણ નોવેલાઇઝેશનનો એક પ્રકાર છે. મૂળ વાર્તામાં જે પાત્ર ખાસ મહત્વ ન ધરાવતું હોય પણ તેના વિશે એક અલગ પુસ્તક લખવામાં આવે, આ પાત્રો પર અલગ જ માહિતી આપવામાં આવે. જેમ કે શોલેના કાલિયાના માતાપિતા બચપણમા અનાથ મૂકીને મરી ગયાં. કાલિયા પડોશમાં મોટો થયો. તેની મિલકતો પચાવીને પડોશમાં ખૂબ ત્રાસ આપવામાં આવ્યો. કાલિયા બદલો લેવા માટે ડાકુ બની ગયો અથવા શાંબા અંતરિયાળ ગામમાં શિક્ષક હતો. ગામના લોકોની જાગૃતિ માટે કામ કરતો હતો. કેટલાક તત્વોને આ પ્રવૃત્તિ પસંદ ન આવી. શાંબાને ખોટા કેસમાં ફસાવી દીધો. તેની પત્નીએ આત્મહત્યા કરી. શાંબા આ અન્યાય જોઈ ન શક્યો અને હથિયાર ઉપાડ્યા. એક બે હત્યા કરી અને ગબ્બરની ટોળીમાં જોડાઇ ગયો. અનેક કથાકનોમાં આવા હજારો પાત્રો છે. આવા પાત્રો પર અસંખ્ય રીતે વાર્તા લખી શકાય. નોવેલાઇઝેશનનો એક હેતુ કેટલાક પાત્રો પર વધુ પ્રકાશ પાડવાનો છે, તો બીજો હેતુ કલ્પનાશક્તિ વધારવાનો છે. રાહ કોની જુઓ છો, હજારો પાત્રો કોરોના સર્જીત નવરાશમાં આખી વાર્તા બનવા તમારી રાહ જુએ છે….
Deval Shastri🌹