શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*

*શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*આણંદના નીતિનભાઈ પ્રજાપતિ વંચિત પરિવારોના બાળકોને ખુલ્લી શાળામાં વિનામૂલ્યે અને અનોખી રીતે શિક્ષણ આપે છે …—જીએનએ : બ્લેક બોર્ડ, સફેદ ચોક, લંચ બોક્સ, સ્કુલ બસ, એન્યુઅલ ડે, સ્પોર્ટસ ડે તમને કદાચ અતિતરાગી બનાવી દેતા આ શબ્દો જીવનનો સામાન્ય હિસ્સો લાગતા હશે. પરંતુ સમાજના કેટલાક વર્ગ માટે તે દુર્લભ છે. સ્કુલનો ઉંબરો ઓળંગવાનું ચૂકી ગયેલા બાળકો ઘણું બધું ગુમાવતા હોય છે, પરંતુ કેટલાક એવા લોકો છે જે આ સપનાને અધૂરા રહેવા દેતા નથી.શિક્ષક દિવસે આવા જ એક શિક્ષણના ભેખધારી અને પોતાની જાતને છેલ્લા ૧૮ વર્ષથી ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના બાળકો માટે પોતાની જાત ઘસી નાંખનાર આણંદ નજીક ચિખોદરાના શિક્ષક શ્રી નીતિનભાઈ પ્રજાપતિની આ વાત છે. નીતિનભાઈ જેવા પરગજુ શિક્ષકને કારણે ગરીબ બાળકોનો શિક્ષણનો દીપક આજે પ્રજ્વલિત છે તેમ કહેવું જરા પણ ખોટું નથી.નીતિનભાઈ સીધી સાદી રીતે કોઈપણ બાળકને સહેલાઈથી મગજમાં ઉતરી જાય તેવી રીતે ભણાવે છે અને આ બધું તેઓ ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે કરે છે. અમીર અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો તો સારી શાળામાં ભણતા હોય છે, પરંતુ આ એવા બાળકો છે જેમને નથી કોઈ ભણાવનાર કે નથી ભણવાનું કહેનાર. આવા બાળકો માટે દેવદૂત બનીને આવ્યા છે નીતિનભાઈ પ્રજાપતિ.ચિખોદરાના નીતિનભાઈ પ્રજાપતિના બાપુજી શિક્ષક હતા. આદર્શવાદી અને આજીવન શિક્ષણને વરેલા. એમની મહેચ્છા હતી કે મારા સંતાનો મારો શિક્ષણ વારસો ચાલુ રાખે. નીતિનભાઈએ પોતે જાતે ઊભી કરેલી ખુલ્લી, ઉપર આભ અને નીચે ધરતી હોય એવી ફૂટપાથ શાળા શરૂ કરી પિતાજીની મહેચ્છા પૂરી કરી છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે જેમાં પિતૃઓને તર્પણ કરવાનું અનેરું મહત્વ છે. એટલું જ મહત્વ પોતાના માતાપિતાની કોઈ અપેક્ષા હોય તો તે પૂરી કરવાનું છે. નીતિનભાઈના હયાત પિતાની ઈચ્છા સંતાનો શિક્ષણ સેવા આપે એવી છે. જે તેઓ ખુલ્લી શાળાના માધ્યમથી પૂરી કરી રહ્યા છે.નીતિનભાઈ કોઈ સરકારી કે ખાનગી ટ્રસ્ટ સંચાલિત શાળાના શિક્ષક તો છે નહિ. એટલે એમને એક પણ પૈસાનું વેતન મળતું નથી. છતાં તેઓ બારેમાસ પોતાની ખુલ્લી શાળામાં ગરીબ અને વંચિત પરિવારોના બહેરાં, મૂંગા, અંધ અને અપંગ બાળકોને પોતાની મૂડીની રકમ ખર્ચીને જાતે ભણાવે છે. શિક્ષક બનવા માટેની ઠરાવેલી લાયકાત પ્રમાણેની કોઈ ડિગ્રી તેમની પાસે નથી. પરંતુ તેઓ જાતે સર્જેલી અદભૂત પદ્ધતિ દ્વારા સ્પર્શથી, અનુભૂતિથી અંધ કે બહેરાં-મૂંગા બાળકો સરળતાથી સમજી શકે, ગ્રહણ કરી શકે એ રીતે ભણાવે છે.પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને તેઓ સમાજના વંચિત બાળકોને, પગારદાર શિક્ષક કરતાં વધુ ધગશથી, સર્જનાત્મક અને રચનાત્મક અભિગમ રાખીને અસરકારક શિક્ષણ આપે છે અને જાણે કે બારે માસ પોતાના પિતાજીની મહેચ્છા પૂરી કરી પિતાજીનું ઋણ અદા કરે છે.નીતિનભાઈ કહે છે કે ગરીબ બાળકો ને ભણતરનો ભાર ન લાગે અને તેઓ સહજ અને સરળ રીતે શિક્ષણ મેળવે તે માટે મે વિવિધ ફળ-ફુલો, શાકભાજી તેમજ વિવિધ આકારના ફ્લેશ કાર્ડ, ચાર્ટ અને ચિત્રોના માધ્યમથી એક સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી શીખવવાનો નવતર અભિનવ પ્રયોગ કર્યો છે. જેના સકારાત્મક પરિણામ મળ્યા છે અને ગરીબ બાળકોને ખુલ્લી શાળામાં અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે. તેઓ અઠવાડિયામાં બે દિવસ તેઓ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને વિસરાયેલી રમતો પણ રમાડે છે. એટલું જ નહી બાળકોમાં સંસ્કારનું પણ સિંચન કરે છે.મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વાગોસણાના વતની અને આણંદ નજીક ચિખોદરામાં રહેતા નીતિનભાઈ પ્રજાપતિ હાડગુડ તાબેના પાતોડપૂરા, એકતાનગર સ્લમ વિસ્તાર અને ગામડી તાબેના ગામોટપુરાના ગરીબ પરિવારના અંદાજે ૪૦૦ થી વધુ બાળકોને અઠવાડિયામાં બે દિવસ શિક્ષણ આપે છે. તેમના આ સમાજ સેવાના ઉમદા કાર્યને અનેક સંસ્થોએ બિરદાવી તેમનું સન્માન પણ કર્યુ છે. નવાઈની વાત એ છે કે, આ કામગીરી માટે તેઓ કોઈ દાન લેતા નથી. પરંતુ જો કોઈ દાતા મળે તો બાળકો માટે શૈક્ષણિક સાધનો સીધા જ બાળકોને અપાવે છે. નીતિનભાઈ સરકારી શાળાઓ અને આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજીનું શિક્ષણ મફત આપે છે.આણંદમાં ગ્લોબલ લેન્ગવેજ સેન્ટર ચલાવતા નીતિનભાઈ કહે છે કે, ચિખોદરાથી આણંદ આવતા મે રસ્તામાં જમીન ખોતરીને અક્ષરો લખતા ગરીબ બાળકો જોયા અને મને આ બાળકોને ભણાવવાનો વિચાર આવ્યો અને આ શિક્ષણયજ્ઞ શરૂ થયો જે આજે પણ ચાલી રહ્યો છે. હાલમાં કોરોનાના મહામારીને કારણે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે નીતિનભાઇ પણ ગરીબ બાળકોને સોશિયલ ડિસ્ટન્સ અને સાવચેતી- સલામતીના નિયમોના પાલન સાથે બાળકોને શિક્ષણનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.નીતિનભાઈ બાળકોને સ્વખર્ચે અલ્પાહાર, ચોકલેટ, ફળો વર્ગ પૂર્ણ થયા બાદ નિયમિત આપે છે. ગરીબ અને શ્રમજીવી વર્ગના બાળકો પણ નીતિનભાઈની કાગડોળે રાહ જોવે છે.ચાણક્યે કહ્યું હતું કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા. નીતિનભાઈની આ સ્વૈચ્છિક શિક્ષણ સેવાને મુલવવી હોય તો કહી શકાય કે શિક્ષક અસાધારણ હોતા હૈ ઔર તપસ્વી હોતા હૈ.