ઉમેદવાર અમિત લાલચંદ શાહ તથાકૈલાસ ગઢવીએ કોરોનાની મહામારી વચ્ચે ચેમ્બરની ચૂંટણી યોજવાના મુદ્દે રિટ કરી છે
.
વિવાદનો પર્યાય બની રહેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ની ચૂંટણીના મુદ્દે હાઇકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. જેનો ઓર્ડર ગુરુવારે કરવામાં આવશે. ઉમેદવારોએ જે રીટ પિટિશન કરી હતી તે અંગે હાઇકોર્ટ શું આદેશ કરે છે તેના ઉપર ચેમ્બરના તમામ સભ્યો અને ઉમેદવારોની નજર છે.
11મી જુલાઈના રોજ ચેમ્બરની ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોરોનાની મહામારી ને કારણે તત્કાલીન ચૂંટણી અધિકારી પી.કે. લહેરીએ ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો.ત્યારબાદ તેમની એક્ઝિક્યુટીવ કમિટીની બેઠક મળી હતી જેમાં ચૂંટણી ની નવી તારીખ ૫મી સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી હતી. સાથે સાથે નવા ચૂંટણી અધિકારી તરીકે એચએસ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી.જે મુદ્દે પણ કેટલાક ઉમેદવારો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો.
આ તારીખ જાહેર થયા બાદ હજુ રાજ્યમાં કોરોના નો કહેર યથાવત્ હોય કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી યોજવી જોખમી છે. આ મુદ્દે ચેમ્બરની ચૂંટણી ના ઉમેદવાર અમિત લાલચંદ શાહ તથા કૈલાસ ગઢવીએ હાઇકોર્ટમાં જુદી-જુદી રીટ પીટીશન દાખલ કરી હતી. જે પિટિશન અંતર્ગત સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે હવે તેનો ઓર્ડર ગુરુવારે કરવામાં આવશે.
જોકે હાઇકોર્ટ જે આદેશ કરે તે ચેમ્બર માનવા બંધાયેલી છે પરંતુ બીજી તરફ ચેમ્બરના તમામ ઉમેદવારોએ ચૂંટણી યોજાશે જ એમ માનીને ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે બંને પક્ષે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે જ્યારે ચૂંટણી યોગ્ય રીતે થાય તેના માટે ચેમ્બરના હોદ્દેદારો દ્વારા પણ પુરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.