ચેમ્બરની ચૂંટણીનો જંગ બરોબર જામ્યો, પ્રગતિ પેનલની સામે આત્મનિર્ભર પેનલની રચના થઈ
ચૂંટણીના બે દિવસ પહેલાં જ નવી પેનલ બનાવવામાં આવી, જોરશોરથી પ્રચાર શરૂ કર્યો.
હાર નક્કી દેખાતા પેનલ બનાવવી પડી હોવાનો હરિફ પેનલનો દાવો.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીનું વાતાવરણ બરાબર જામ્યું છે. ત્યારે જ પ્રગતિ પેનલની સામે હરીફ ઉમેદવારોએ પણ એક જુથ બનીને આત્મનિર્ભર પેનલની રચના કરી છે. જેને કારણે પેનલના ઉમેદવારોનેએકબીજાના વોટ મળી શકે.ચૂંટણીના બે દિવસ પહેલાં જ આત્મનિર્ભર પેનલની રચના કરી તેનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે જ હરીફ પેનલ અને ચેમ્બરના કેટલાક સિનિયર સભ્યો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે તે ઉમેદવારોની હાર નિશ્ચિત થઇ ગઇ હોવાથી તેમણે આખરે પેનલની રચના કરવી પડી છે.
અમદાવાદ સહિત ગુજરાત ભરના વેપારીઓ અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદાર બનવું એ પ્રતિષ્ઠાની વાત છે. હવે આ પ્રતિષ્ઠા મેળવવા માટે ચેમ્બરના સભ્ય વચ્ચે પાંચમી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારથી ચૂંટણીની તારીખ અને કાર્યક્રમ જાહેર થયો ત્યારથી જ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કે. આઈ .પટેલ તથા ગૌરાંગ ભગત, પથિક પટવારી, અંકિત પટેલ ,ચેતન શાહ ,અંબર પટેલ તથા ભુપેન્દ્ર પટેલ સહિતના સભ્યોની પ્રગતિ પેનલની રચના કરી દેવામાં આવી હતી. પ્રગતિ પેનલ દ્વારા જો ચેમ્બર નું સુકાન તેમને સોંપવામાં આવે તો તેઓ શું કરવા માંગે છે તે એજન્ડા સાથે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
જ્યારે સામાપક્ષે અત્યાર સુધી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જયેન્દ્ર તન્ના, વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલ તથા ભાવેશ લાખાણી પોતપોતાની રીતે પ્રચાર કરતા હતા. આખરે અશોક પટેલે ભાવેશ લાખાણી ના સમર્થનમાં પોતાની ઉમેદવારી ગત રોજ પરત ખેંચી હતી. જ્યારે અન્ય ઉમેદવારો અમિત લાલચંદ શાહ તથા કૈલાશ ગઢવીએ ચેમ્બરની ચૂંટણી રદ કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.
હવે જ્યારે ચૂંટણીના બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ ઉમેદવારોએ એકજૂથ થઈને આત્મનિર્ભર પેનલની રચના કરી છે જેમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જયેન્દ્ર તન્ના, વાઈસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ભાવેશ લાખાણી તથા અન્ય સભ્યો કૈલાશ ગઢવી .અરવિંદ ગજેરા ,અમિત લાલચંદ શાહ, જગદીશ મોદી તથા મેઘરાજભાઈ ડોડવાની હોવાનું જાણી શકાયું છે.
આત્મનિર્ભર પેનલની રચના થતાં પેનલના સભ્યો જોર જોરથી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે જ હરીફ ચૅનલ તથા ચેમ્બરના કેટલાક સિનિયર સભ્યો જણાવી રહ્યા છે કે વ્યક્તિગત લડી રહેલા ઉમેદવારો પોતાની હાર નિશ્ચિત હોવાનું જાણી જતા આખરે એક જૂથ થઈ ગયા છે અને પેનલ બનાવી લીધી છે. હવે એ જોવાનું રહ્યું કે પાંચમી તારીખે મતદારો કઈ પેનલના સભ્યો ઉપર પોતાની પસંદગી ઉતારે છે.