આજે સાંજે ૫ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩.૮૧ મીટરે નોંધાઇ

નર્મદા ડેમમાં ૩.૫ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ ૧.૧૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો

હવે ડેમના માત્ર ૧૦ દરવાજાથી ૦.૮ મીટર ખૂલ્લા રાખી દરવાજા મારફત ૫૫ હજાર ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસમાંથી ૪૦ હજાર ક્યુસેક સહિત કુલ ૯૫ હજાર ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે

રાજપીપલા,તા 2

આજે તા. ૨ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને બુધવારના રોજ સવારે ૮:૦૦ કલાકથી ઇન્દીરા સાગર ડેમમાંથી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી સતત ૩.૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા બે-ત્રણ કલાકથી ૩ થી ૩.૫ લાખ ક્યુસેક જેટલું પાણી નોંધાઇ રહ્યું છે. આજે સાંજે ૫:૦૦ કલાકે ડેમની જળસપાટી ૧૩૩.૮૧ મીટરે નોંધાવા પામી હતી.

સવારે ૮:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમના જે ૨૩ દરવાજા ખૂલ્લા હતા, જે સાંજે ૪:૦૦ કલાકે ફ્કત ૧૦ દરવાજા ૦.૮ મીટર ખૂલ્લા રાખી ૫૫ હજાર ક્યુસેક જેટલું પાણી ડેમના દરવાજામાંથી ભરૂચ તરફ વહી રહ્યું છે. આ ઉપરાંત રિવર બેડ પાવર હાઉસના ૬ યુનિટ દ્વારા ૧૨૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કર્યા બાદ ૪૦ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આમ, ભરૂચ તરફ કુલ ૯૫ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાં ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કર્યાબાદ ૧૫ હજાર ક્યુસેક પાણી મુખ્ય કેનાલ તરફ વહી રહ્યું છે.આજે સાંજના ૪:૦૦ કલાકની સ્થિતિએ નર્મદા ડેમમાં ૩.૫ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ ૧.૧૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે.

આમ હવે મિટીઓરોલોજીકલ (IMD) વિભાગની આગાહી મુજબ આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી ન હોવાથી નર્મદા નદીમાં પુર આવવાની કોઇ શક્યતા જણાથી નથી તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જર તરફથી જાણકારી પ્રાપ્ત થઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા