નર્મદામા વરસાદે વિરામ લેતા લોકોમાં હાશકારો તડકો ઘાટ નીકળતા જનજીવન પુનઃ ધબકતું થયું.

સાગબારામાં 12 મીમી, દેડિયાપાડામાં 6 મીમી વરસાદ.
દેડીયાપાડા તાલુકો 1605 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને.
રાજપીપળા,તા.26
નર્મદાના જિલ્લામાં છેલ્લા 13 દિવસથી સતત એકધારા ભારે વરસાદથી લોકો કંટાળી ગયા હતા. વરસાદને કારણે લોકો બહાર નીકળી શકતા ન હતા.પણ આજે વરસાદે વિરામ લેતા અને તડકો ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જેને કારણે જનજીવન પુનઃ ધબકતું થયું હતું. આજે સાગબારામાં 12 મીમી, દેડિયાપાડામાં 6 મીમી, નાંદોદમાં 3 મીમી અને ગરુડેશ્વર તાલુકા માં માત્ર 1 મીમી વરસાદ નોંધાતા કુલ 22 મીમી વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-1605 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- 1109 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- 762 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-753 મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -647 મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લામાં આજદિન સુધીમાં કુલ મોસમનો વરસાદ 4876 મિમિ ( સરેરાશ 975 મીમી) વરસાદ નોંધાયો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- 129.56 મીટર, કરજણ ડેમ- 110.53 મીટર, અને ચોપડવાવ ડેમ- 187.47 મીટરની સપાટી રહેવા પામી છે,નાના કાકડીંઆંબા ડેમ- 187.77 મીટર નોંધાઈ છે.જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ 14.37 મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા