“આટલા વર્ષો પછી પણ મને યાદ રાખવા બદલ – આભાર”

૧૧ ફેબ્રુઆરી ૨૦૦૯ : અમેરિકાના બોસ્ટનની કિંગડમ સ્ટ્રીટ. ૭૧ વર્ષીય વિલિયમ કેરોલ નેવી બ્લ્યુ કલરના ફાયર ફાઈટરના યુનિફોર્મમાં કારમાંથી ઉતર્યા. આજે અહીં તેઓ એક ખાસ વ્યક્તિને મળવાના હતા. આ મુલાકાત ‘ધ ગ્લોબ’ નામનાં વર્તમાનપત્રએ ગોઠવી હતી. વિલિયમ કેરોલ થોડા વર્ષો પહેલા જ ફાયર ફાઈટર તરીકે ૪૫ વર્ષ સેવા આપી પોતાની ફરજમાં થી નિવૃત્ત થયા હતા. તેઓ ૪૧ વર્ષીય એવેન્જેલીન નામની મહિલાને મળ્યા.
મળતાવેત બંનેએ એકબીજાનો હાથ પકડ્યો, વિલિયમ કેરોલ બોલ્યા, ‘છેલ્લે તને જોઈ હતી એના કરતા તું ખુબ મોટી થઈ ગઈ છું. આટલા વર્ષો પછી પણ મને યાદ રાખવા બદલ આભાર.’ એવેન્જેલીન એક વર્ષની હતી અને વિલિયમ કેરોલ ૩૧ વર્ષના હતા ત્યારે બન્ને આ જ જગ્યાએ ભેગા થયા હતા. ૪૦ વર્ષ બાદ બંને એ જગ્યાએ જ મળ્યા.
હાલ ૪૧ વર્ષીય એવેન્જેલીન જે વ્યવસાયે નર્સ અને શિક્ષક હતી તેણે કહ્યું, ‘હું ૧૦૦ વર્ષ જીવી શકું તો પણ તમને ના ભૂલી શકું. તમને ‘થેંક યુ’ કહ્યા વિના મારે આ દુનિયા છોડવી નથી. એવેન્જેલીનાએ શા માટે વિલિયમ કેરોલને થેન્ક્સ કહેવું હતું તે આગળ જાણીએ.
૭ નવેમ્બર ૧૯૬૮ : અમેરિકાના બોસ્ટન શહેરમાં બ્લેક અને વ્હાઈટ લોકો વચ્ચે રમખાણ ચાલી રહ્યા હતા. બોસ્ટનના રોક્સીબરી પબ્લિક હાઉસિંગમાં રહેતા એક બ્લેક પરિવારના ઘરમાં કોઈકે આગ ચાંપી દીધી. ફાયર ફાઈટરો આવી ગયા હતા. તેમણે પરિવારના બધા સભ્યોને બહાર કાઢ્યા. ફક્ત દોઢ વર્ષની એવેન્જેલીન અંદર રહી ગઈ હતી.
ઘટ્ટ ધુમાડા અને ભીષણ જવાળાઓ વચ્ચે વિલિયમ કેરોલ નામનો ૩૧ વર્ષીય બાહોશ ફાયર ફાઈટર પોતાના જીવના જોખમે ઘરમાં પ્રવેશ્યો. ખુબ જ ધુમાડા અને આંખોમાં બળતરા વચ્ચે વિલિયમ કેરોલને કશું દેખાતું ન હતું. નજીકની બારીમાં ધડાકો થયો. બારીનો કાચ તુટ્યો. અંદરની બાજુ બેભાન હાલતમાં કોઈ હલનચલન વિના જમીન પર પડેલી બેબી (એવેન્જેલીન) તેને દેખાઈ.
વિલિયમે ખુબ જ કાળજીથી એક વર્ષની એવેન્જેલીનને ઉઠાવી. તેનો ચહેરો ઢાંકી, આગની જ્વાળાઓ વચ્ચે પેટેથી ઘસડાઈને તે બહાર આવ્યો. તેણે જોયું કે એવેન્જેલીનના શ્વાસ બિલકુલ બંધ છે. બહાર આવતા તુરંત જ તેણે એવેન્જેલીનના મોમાં ફૂંકો મારી કુત્રિમ શ્વાસ (માઉથ ટુ માઉથ રેસ્પીરેશન) આપ્યા. દેવના દૂત જેવી એક વ્હાઈટ વ્યક્તિના સમર્પિત પ્રયત્નોએ એક બ્લેક બાળકને બચાવી લીધું.
એ વખતે આખા અમેરિકામાં આ વાત અને તસ્વીર પ્રકાશિત થઇ. વિલિયમના પ્રયત્નોને ખુબ વખાણાયા. એવેન્જેલીન મોટી થતી ગઈ. તે ૧૯૬૮ ની ઘટનાના છાપાના કટિંગ અને તસ્વીરો ઘણીવાર જોતી. તેના મનમાં પોતાને નવું જીવન આપનાર વ્યક્તિને મળવાની ઈચ્છા વધતી જતી હતી. તેના માતાપિતા પાસેથી તે જ્યારે જ્યારે આ વાત સાંભળતી ત્યારે વિલિયમ કેરોલ અત્યારે ક્યાં હશે? તેઓ શું કરતા હશે? તે જાણવાની તીવ્રતા વધતી જતી હતી.
૧૮ માં વર્ષે તેણે વિલિયમ કેરોલને મળવા ખુબ પ્રયત્નો કર્યા. તેના ૩૪ માં વર્ષે (૨૦૦૩માં) તો તે બોસ્ટનના ફાયર ડીપાર્ટમેન્ટમાં ગઈ પણ ત્યાંથી જવાબ મળ્યો કે અમે અમારા કર્મચારીઓના સરનામાં ગુપ્ત રાખીએ છીએ. તેણે પોતાનું એડ્રેસ અને નંબર આપી રાખ્યો કે કદાચ વિલિયમ કેરોલ સુધી પહોંચે.
૨૦૦૯ ના જાન્યુઆરીમાં એક હોનારતમાં કેવિન કેલી નામનાં ફાયર ફાઈટરનું નિધન થયું તે સમાચાર અમેરિકાના વર્તમાન પત્રોમાં મુખ્ય સમાચાર તરીકે આવ્યા. આ વખતે એવેન્જેલીનને થયું કે મને બચાવનાર વિલિયમ કેરોલ કે હું બંનેમાંથી કોઈનું પણ પહેલા મોત આવી શકે છે. મારે તેમને ‘થેંક્યું’ કહ્યા પહેલા આ દુનિયામાંથી વિદાય નથી લેવી.
છેવટે ‘ધ ગ્લોબ’ અખબાર તેની મદદે આવ્યું. ૪૦ વર્ષ પછી બન્નેની મુલાકાત એ ઘટના બની હતી તે જ સ્થળે ગોઠવી. હવે ઉપરના બે ફકરા ફરીથી વાંચો.
છેલ્લો બોલ : આપણા જ માટે કઈક કરનાર વડીલના આભારને અમે સ્વીકારતા નથી. વડીલના દરેક શબ્દને અમે આશિર્વાદ ગણીએ છીએ. તેમણે આપેલ આશિર્વાદ માટે આભાર ના હોય પણ વંદન હોય. (વોટ્સઅપના વાંચનમાંથી)
(ડો.આશિષ ચોક્સી)