નર્મદા જિલ્લામાં રાજપીપલાની વડીયા પ્રાથમિક શાળા ખાતેથી ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ

પોષણ અભિયાન અંતર્ગત દત્તક લેનાર પ જેટલાં પાલકવાલીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણ સ્તરમાં જિલ્લાના તમામ બાળકો સુપોષિત બને અને માતા તંદુરસ્ત બને તે હેતુસર આજે રાજપીપલાની વડીયા પ્રાથમિક શાળા ખાતેથી ગુજરાત પોષણ અભિયાનનો ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્યામલ ટીકાધર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.જી.તાવીયાડ, જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી પુષ્પાબેન રોહિત, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી એ.કે.સુમન, જિલ્લા અગ્રણી નયનભાઇ રજવાડી, વડીયા ગામના સરપંચ મહેશભાઈ રજવાડી, શાળાના બાળકો, આંગણવાડીની બહેનો વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં દિપપ્રાગટય દ્વારા ખૂલ્લું મુકાયું હતું.
આ પ્રસંગે પાંચ જેટલા બાળકોને અન્નપ્રાશન પણ કરાવ્યું હતું અને માતૃશક્તિ, પુર્ણા શક્તિ અને બાલ શક્તિ અંતર્ગત પાંચ જેટલી માતાઓને પોષ્ટીક આહારની વાનગીની સામગ્રી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી. તદ્દઉપરાંત બાળ તંદુરસ્તી માટે પ્રથમ નંબરે આવનાર નિતેશભાઇ પરમારને સ્કુલબેગ અને દ્વિતીય નંબરે આવનાર માહીબેન વસાવાને સ્ટીલની પાણીની બોટલ આપવામાં આવી હતી તેની સાથોસાથ વાનગી હરીફાઇમાં પ્રથમ નંબરે આવનાર શ્રીમતી શંકુલાબેન માછીને લોંખડની કડી અને દ્વિતીય ક્રમે આવનાર શ્રીમતી નજમાબેન રાઠોડને શાલ અર્પણ કરવામાં આવી હતી.

પોષણ અભિયાન અંતર્ગત દત્તક લેનાર પ જેટલાં પાલકવાલીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ શાળાના બાળકો દ્વારા પોષણ અદાલતનું નાટક રજૂ કરીને પોષણ અભિયાનનો સંદેશો પણ પુરો પાડ્યો હતો.

આ પ્રસંગે શ્યામલ ટીકાધરે વડીયા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ વડીયા-૨ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત બાળકોને પ્રવૃત્તિમય જોતા તેમણે આંનદ પણ વ્યક્ત કર્યો હતો.