છેલ્લા એક વર્ષથી એ ગાડીઓમાં ડીઝલ નથી અપાતું જેને કારણે આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ નિદાન માટે જઈ શકતા નથી,. -નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ ખાડે ગયેલી શાખા છે, અધિકારીઓ અંતરિયાળ વિસ્તારમાં વિઝીટ પણ કરતા નથી
અમુક વિસ્તારોમાં ડોક્ટરો પોતાની ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવે છે .
ઊંડાણના વિસ્તારમાં જો સરકાર રહેવાની વ્યવસ્થા કરે તો ડોકટરોએ ત્યાં 24 કલાક હાજર રહેવું જોઈએ.-ધારાસભ્ય પી ડી વસાવા
નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનો રેસિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ આવ્યો હોવાનું ખુદ નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ લેખિત પરિપત્ર કરી કબુલ્યું છે.નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે એક પરિપત્ર પણ જાહેર કર્યો હતો.એમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા કરાર આધારિત આરોગ્ય કર્મીઓ સુરત, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાથી અપ ડાઉન કરતા હોવાથી તેઓ સમયસર ફરજ પર હાજર થતા નથી તથા પૂરતો સમય ફરજ બજાવતા નથી.જેથી નર્મદા જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરી પર ગંભીર અસર પડી છે.26/1/2020 સુધી નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ હેડ ક્વાર્ટર પર રહેવાની સગવડ કરવી પડશે.
તો નર્મદા જિલ્લાના માતા-બાળ મરણ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા છે.નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના હોદ્દેદાર શંકરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર પર ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વાહનો આપ્યા છે.પણ છેલ્લા એક વર્ષથી એ ગાડીઓમાં ડીઝલ નથી અપાતું જેને કારણે આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ નિદાન માટે જઈ શકતા નથી, તેઓ ફક્ત રસીકરણના દિવસે જ અંતરિયાળ વિસ્તારના પોતાની ગાડીઓ લઈને આરોગ્ય કેન્દ્રો પર આવે છે અને જતા રહે છે.અમુક વિસ્તારોમાં તો ડોક્ટરો નથી અને જ્યાં છે ત્યાં વાહનોની સગવડ નથી.ગુજરાત સરકારે તો સુવિધા કરી છે પણ એનો યોગ્ય ઉપયોગ નહિ થાય તો નર્મદા જિલ્લામાં આનાથી પણ ખરાબ પરિણામ આવશે.નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ ખાડે ગયેલી શાખા છે, અધિકારીઓ અંતરિયાળ વિસ્તારમાં વિઝીટ પણ કરતા નથી ખૂબ જ નિષ્કાળજી રખાય છે.નર્મદા જિલ્લા પંચાયત આ બાબતે કોઈ જ ધ્યાન નથી આપતું.અંતરિયાળ વિસ્તારના આરોગ્ય કેન્દ્રો ફક્ત અને ફક્ત નર્સ અને આયા વર્કરોના ભરોષે છે.અમુક ડોક્ટરો તો અન્ય શહેરો માંથી આવે છે અને એક દિવસ આવીને જતા રહે છે.નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ ડોકટરોની અનિયમિતતા બાબતે કોઈ ધ્યાન નથી આપતું, કોઈક દિવસ જો સરપ્રાઈઝ ચેકીંગ થાય તો ઘણું બધું બહાર આવે એમ છે.
જ્યારે નાંદોદ વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં માતા-બાળ મરણ બાબતે ખરેખર તો જિલ્લાના વડાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, ડોક્ટરો નિયમિત આવે છે કે નહીં એ બાબતે ચેકીંગ કરવું જોઈએ.જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં PHC કેન્દ્રો પર ડોક્ટરો અને સ્ટાફને રહેવા માટે અને વાહનોની પણ સગવડો નથી તો સરકારે એ સગવડ પેહલા કરવી જોઈએ. જો વાહન જ નહીં હોય તો ડોક્ટરો કેવી રીતે જઈ શકે.પી.ડી.વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે અમુક વિસ્તારોમાં ડોક્ટરોએ પોતાની ફરજ પ્રત્યે નિષ્કાળજી પણ છે જ.ઊંડાણના વિસ્તારમાં જો સરકાર રહેવાની વ્યવસ્થા કરે તો ડોકટરોએ ત્યાં 24 કલાક હાજર રહેવું જોઈએ.
………………………………….
શુ નર્મદા જિલ્લા વિકાસ અધિકારી સરપ્રાઈઝ ચેકીંગ કરશે?
નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ આગામી 26મી જાન્યુઆરી સુધીમાં આરોગ્ય અધિકારીઓને પોતાના હેડ ક્વાર્ટર પર રહેવાની સગવડ કરવા કડક સૂચના આપી હતી.એ બાદ જો કોઈ ગેરહાજર જણાશે તો એમની વિરુદ્ધ કડક પગલાં ભરવાની ચીમકી પણ આપી હતી.હવે 26મી જાન્યુઅરીની ડેડ લાઈન સમાપ્ત થઈ ગઈ છે.તો શું નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અથવા આરોગ્ય અધિકારી આ મામલે કડક વલણ અપનાવી સરપ્રાઈઝ ચેકીંગ કરશે કે કેમ એ જોવું રહ્યું.બાકી જો આમનું આમ ચાલ્યું તો સ્થિતિ વધુ બગડશે એમા કોઈ બે મત નથી.
…………………………………….