અમે ચાર જણ હતા… ધણા વખતથી છુટા પડી ગયા હતા.. આજે અચાનક જ મળી ગયા.. બધા એના ફિલ્ડમાં માસ્ટર… એક પ્રોફેસર.. એક પત્રકાર.. એક સનદી અધિકારી.. અને એક ફેમસ આર. જે.
મે બધાને મારી ફોર્ચ્યુનરમા બેસાડ્યા અને
આદેશાત્મક અવાજે કહયુ..
‘માફ કરજો…. પણ તમારુ અપહરણ થઈ રહ્યુ છે..’
‘એ ય પ્રોફેસર તારા બાપાનુ રાજ ચાલે છે..સાલા.. આર. જે. ઈપ્સાએ પહેલી વાર કોઈ અપશબ્દોનો પ્રયોગ કર્યા વગર વાક્યપ્રયોગ કર્યો…
યાર.. મારે તો રાત્રીસભા છે. મિનિસ્ટર આવવાના છે.. આઈ કેન નોટ.. સનદી અધિકારી શૈલો બોલે તે પહેલા રાકલો પત્રકાર બોલ્યો…
“રાત્રીસભા નાંખ તારા મિનિસ્ટર ની …. ‘જોકે તે વાકય પુરુ કરે પહેલા મે ઈપ્સાના કાન બંધ કરી દીધા …
મે ગાડી મારી મુકી… હવે કોઈને કશુ બોલવાનો કોઈ હક્ક નહોતો… બધા ભુતકાળમાં પ્રવેશી ચુક્યા હતા…
વરસાદી સાંજ ઘેરી બની ચુકી હતી. ગાડી અને વિન્ડ સ્ક્રીનનુ વાયપર બંને તીવ્ર ગતિ પર હતા.. વરસાદે માઝા મુકી હતી.. બધા મૌન હતા.. બધા એકમેકના ભુતકાળમાં ડોકિયું કરી રહ્યા હતા…
“કોણે હજી સુધી વાંચન પકડી રાખ્યુ છે?.. ‘રાકલાએ પત્રકાર જેવો જ સવાલ કર્યો…
‘શૈલો તો સનદી અધિકારી છે.. એતો ખાલી એની પાસબુક જ વાંચતો હશે નહિ? ‘ઈપ્સા બોલી…
‘ અને તુ સાલી તારુ ફેસબુક.. ઓનએર હોય છે ત્યારે પણ તારુ ફેસબુક તો ઓન જ હોય છે.. ‘શયલો બોલ્યો.
” સાલા હરામી તુ મારુ બવ ધ્યાન રાખે છે..’ ઈપ્સાએ કહયુ. અને મે ડબકુ મુકયુ:’ ઈપ્સા એની આ ટેવ તો કોલેજકાળથી છે… ‘
‘ તે હે માસ્ટર.. તારૂ તો વાંચન ચાલુ હશે નહિ? ‘ઈપ્સા આ પ્રોફેસરને ચિડવવા તે હંમેશા મને માસ્ટર કહીને બોલાવતી..
‘ કોઈ આ રેડિયોને બંધ કરો ભ’ઈ…મે ઈપ્સાને ચીડવવા કહયુ અને બધા હસી પડ્યા… મે ફરી કહયુ’ ઈપ્સુ.. સાતમા પગાર પંચે મને મારી નાંખ્યો છે… મારી અંદરના અભ્યાસુને પણ અને પેલા વાચકને પણ…. મારો અવાજ ગંભીર હતો.
અચાનક આકાશમા વીજળીનો તેજ લીસોટો થયો. અને પછી કાન ફાડી નાંખે એવો કડાકો સંભળાયો.. ક્ષણાર્ધના અજવાળામાં ખબર પડી કે ગાડી કયારનીય આડા પાટે ઉતરી ગઈ છે.. હવે વળી શકાય એવુ નહોતુ.. અમે ખાસા આગળ નીકળી ગયા હતા….
‘યાર શયલા તૂ તો આપણા બધામા સૌથી વધારે વાંચતો.. અત્યારે પણ તારુ વાચવાનુ ચાલુ હશે નહિ?મે શૈલૈષને પુછયુ.
અને આઈ. એ. એસ. શૈલૈષકુમાર નીચુ જોઈ ગયા.. કશુય બોલી ન શક્યા. કદાચ ગળામા ડુમો બાજયો હતો..
મે ગાડીને ધીમી કરી. શયલાની આંખમા આંસુ હતા.. ઈપ્સાએ પાણી પાયુ.. અને મે ગાડીને અધવચ્ચે જ ઉભી રાખી દીધી…
‘ યાર… પુસ્તકોને મે તો દગો જ કર્યો છે.. ભેટમા મળેલી.. એમેઝોન ઉપરથી ઓર્ડર કરેલી.. તમારી પાસેથી જબરજસ્તીથી માંગીને વાંચવા લીધેલી.. એ તમામ પુસ્તકો એના બે પુંઠામા કેદ છે.. નથી વંચાતુ.. ટાઇમ જ ક્યા છે.. તો હવે પાછા વળીશુ..? આ વરસાદ પણ અટકાવાનુ નામ નથી લેતો….” શયલો બોલ્યો..
‘હા માસ્ટર ગાડી પાછી વાળ….ભુખ પણ લાગી છે. રાકલાએ કહયુ..
‘ ઈચ્છા તો નથી.. પણ લો… એમ કહીને મે ગાડી સ્ટાર્ટ કરવાનો પણ કર્યો પણ ગાડી સ્ટાર્ટ થઈ નહી.. ત્રણેના મ્હો માથી એકજ સરખી ગાળ નીકળી ગઈ.. જે અમારી સમાન વિચારધારાના પ્રતિક સમાન હતી….
ઘણી મથામણ કરી પણ ગાડી ચાલુ ન થઈ.. વીજળીના અજવાળા ખબર પડી કે સામે દુરએક ખખડધજ ઈમારત છે. ગાડીમાં ગુંગળાઈ મરવુ એના કરતા એ ઈમારતમા જઇને મદદ માગવી.. ધોધમાર વરસાદથી બચવુ એ વધારે જરુરી હતુ.. ભુખ પણ લાગી હતી એકેય કંપનીના સીમકાર્ડ કામ મા આવે તેમ નહોતા.. એટલે મોબાઇલ ગાડીમાં જ મુક્યા.ત્રણેય મિત્રો મન મા ને મનમા મને ધોધમાર ગાળો વરસાવતા મારી પાછળ ચાલી રહ્યા હતા..
‘માસ્ટર. જરા સાવધાની થી…’ઈપ્સાએ એના પેન્સિલ હીલના જુતા હાથમા લેતા કહયુ…
ઈમારતના જુના અને કાટ ખાઈ ગયેલા લોખંડના ઝાપાને મે ખોલ્યો… કીચૂડ… એવો કર્કશ અવાજ કરતો ઝાંપો ખુલ્યો… નજીકના ઝાડ ઉપર બેઠેલી ચિબરીએ કાળજુ કંપાવી નાંખે એ રીતે ચીસ નાંખી…
‘તારા ત્રણ ઇન્ક્રીમેન્ટ ખાડે જાય.. હાળા માસ્ટર… તે કયા ફસાવી માર્યા….’ રાકલો ગુસ્સામાં હતો. ગભરાટમાં હતો.. પોતાની પેનનુ ઢાંકણુ ખોલીને પેનને ચાકુની જેમ પકડી રાખી હતી.. શયલો મોન હતો. મારી જેમ જ… કાદવવાળા રસ્તા ઉપર ચાલતા ચાલતા અમે આગળ પહોચ્યા.. ઈપ્સા એક એક ડગલુ ગણી ગણીને મુકતી હતી
ઇમારતનો દરવાજો બંધ હતો… જાણે વરસોથી કોઈએ એમા પગ નહોતો મુક્યો… એકતો સૂસવાટા મારતો પવન.. ધોધમાર વરસાદ.. ચોતરફ ઉંચા તાડ જેવા વૃક્ષો.. ઉપરથી ચીબરી અને તમરાના અવાજો અમારી હાર્ટ બીટ વધારી રહ્યા હતા..
‘ માસ્ટર જો આજે આમાંથી બચીશુ તો કાલે અમે ત્રણેય તારુ ખૂન કરીશુ..’ વાતાવરણને હળવું રાખવા સનદી અધિકારી બોલ્યો… પત્રકારે પોતાની પેન ઉપરની પક્કડ સજ્જડ બનાવી… ઈપ્સા ડધાઈને ઇમારતના બંધ પ્રવેશ દ્રાર ને જોઈ રહી હતી…. એનુ ગળુ બીકથી ભરાઇ ગયુ હતુ…
મે બારણુંં ખટખટાવ્યુ…..પાસે રહેલા ઉંચા ઝાડ ઉપરના ચામાચીડિયાઓનો સળવળાટ શરુ થઈ ગયો હતો..અને વાતાવરણ વધારે ખોફનાક બન્યુ
… ત્યાં એક ચામાચીડિયું ઈપ્સા અને મારી વચ્ચે થઈ પસાર થઈ ગયુ.. એની બે પાંખો અઠડાવાનો વિચિત્ર અવાજે ઈપ્સાના મ્હો માથી ચીસ નિકાળી દીધી…. ઈપ્સાની ચીસે વાતાવરણમાં કોલાહલ પેદા કરી દીધુ હતુ તમરાના અવાજ તેજ થયા.. માંડ શાંત થયેલા દેડકાં પાછો દેકારો કરવા લાગ્યા..
છરીથી કાપી શકાય એવા કાળમીંઢ અંધકારને અમે એકમેકની આંગળીઓથી ફંફોસવા લાગ્યા…
અચાનક બારણાની તિરાડમાથી આછુ અજવાળુ ડોકાયુ.. એક વિચિત્ર અનૈ કર્કશ અવાજથી બારણુ ખુલ્યું.
અને માંદલા ફાનસનો માંદલો પ્રકાશ અમારા ચહેરા ઉપર લીંપાયો…
‘ કોણ છો….’એક જર્જરિત બૂઢઢો હાથમા ફાનસ પકડીને ઉભો હતો… અંગુઠા પાસેની આંગળીને બુકમાર્ક બનાવીને બીજા હાથમાં એક કિતાબ પકડી રાખી હતી….. અમે કોઇ ઓળખાણ આપીએ એ પહેલા તો આવો.. આવો કહીને પૂંઠ ફેરવી ચાલવા લાગ્યો.. અજવાળુ આગળ આગળ જતુ હતુ અને એનો મોટો થઈ રહેલો પડછાયો અમારા મનમા ગજબનો ખોફ ભરી રહ્યો હતો…
મજાની વાત એ હતી કે આ ડરના ગજબનાક માહોલ વચ્ચે પણ એ કંઈ કિતાબ વાંચતો હતો એ જાણવાનું કુતૂહલ અમાર ચારેયના દિમાગમા હતુ.. અમારાથી વાંચન છુટયુ હતુ.. કિતાબો પ્રત્યેનું કુતૂહલ હેમખેમ અને અડીખમ હતુ….
‘તમે પલળી ગયા હશો… હુ તમારા માટે ચા બનાવી લાવુ છુ….. મારી શ્રધ્ધા ક્યારેય ખોટી નથી પડી… કમસેકમ આજના દિવસે તો કોઈ આવી જ ચડે છે.. આજૈ મોડી રાત સૂધી કોઈન આવ્યુ. પાછી લાઇટ પણ ગઈ..એટલે થોડી નિરાશા પણ થઈ…..
ત્યાંતો લાઈટ આવી. ૪૦ વોટના પીળા પ્રકાશમાં આખોય ઓરડો અજવાસી ગયો… અમે પુસ્તકોથી ખિચોખિચ ગોઠવાયેલા રેકની વચ્ચે હતા…. પુસ્તકો ડોકાં કાઢી અને આંખો ફાડી અમે અજનબીઓને જોઈ રહ્યા હતા… લાઈટની સાથે અમારા જીવમા પણ જીવ આવ્યો હતો…
‘આજના દિવસે કોઇની રાહ જોવાનુ કારણ?’ બીકણ રાકલા માનો પત્રકાર આળસ મરડીને બેઠો થયો…
“આજે લાયબ્રેરિયન ડે છે ને…” એવુ કહીને, સ્હેજ ફિકકુ હસીને ડોસો ચા બનાવવા ગયો.. અમે ચારેયે પહેલાની જેમ રેક ફેદવાની શરુઆત કરી… અમારી ભૂખ ઊઘડી રહી હતી…
” હૈપી લાયબ્રેરિયન ડે…..”
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
.