*જગત. કિનખાબવાલા*
*નોનફિકશન*
*ફરી કુદરતના ખોળે*
*જાંબલી શક્કરખોરો – Purple Sunbird – फुलचुही*
*કાળું પણ કામણગારું*, આ કૃષ્ણ ભગવાન માટે વપરાતું વિશેષણ *જાંબલી શક્કરખોરો* પક્ષી માટે ઉપનામ તરીકે વાપરી શકાય. જાંબલી શક્કરખોરો એક પ્રકૃત્તિનું નજરાણું છે. આશરે *૧૦ સેન્ટિમીટર* જેટલું અને ચકલીથી પણ નાનું કદ ધરાવતું એક દેખાવડું અને વ્યાપક પક્ષી છે. ભારત વર્ષના *૧૭ કોમન પક્ષીઓમાનું* આ પક્ષી જ્યાં જ્યાં પણ માનવ વસાહત હોય તેની આસપાસમાં વસતા પક્ષીઓમાંનું એક પક્ષી છે. શક્કરખોરો એક જીવતું જાગતું અને ચેતનથી ઝબકતું પ્રકૃતિનું અમૂલ્ય રતન છે.
નર શક્કરખોરો અને માદા શક્કરખોરો દેખાવમાં ખાસ્સાં સરખા હોય છે. પણ માદા શક્કરખોરોને દાઢીનો ભાગ થોડોક રાખોડી હોય છે અને શરીર નો નીચેનો ભાગ આછો પીળાશ ઉપર હોય છે. દૂરથી કાળું દેખાતું આ પક્ષી નર શક્કરખોરો સૂર્યપ્રકાશમાં તેના કાળા રંગ સાથે વિવિધ જાતના રંગો ઝબકારા મારે છે, જેમાં વાદળી, જાંબલી, અને લીલા રંગના, એટલેકે નીલમ, માણેક અને પોખરાજના રંગો સાથે ઝબકારામાં એક સોનેરી અવર્ણનિય છાંટ દેખાય છે.
જયારે પ્રજનનની ઋતુ બેસે ત્યારે સૂર્યપ્રકાશમાં નર શક્કરખોરોના શરીર ઉપર સુંદર પીળાશ પડતા અને લાલાશવાળા ધાબા દેખાય છે જે મૂળભૂત રીતે માદા શક્કરખોરોને આકર્ષવા માટે હોય છે. સૂર્ય પ્રકાશમાં તેની હલન ચલન થાય ત્યારે તેનું રૂપ ખીલે છે માટે કેટલાક લોકો તેને *સૂર્ય પુત્ર* પણ કહે છે. સૂર્ય પ્રકાશની ધૂપછાવથી તેની સુંદર મોહ જાળ રચાય છે. પ્રજનનની ઋતુમાં નર શક્કરખોરોના પીંછા ઘેરા વાદળી થઇ જાય છે. આ ભપકો નર શક્કરખોરો માદા શક્કરખોરોને આકર્ષવા માટે વાપરે છે. ક્ષણે ક્ષણે તેની વર્ણશોભા બદલાય છે.
*રંગ બેરંગી*
*અજોડ સૂર્ય પુત્ર*
*ફૂલ પ્રફુલ્લ*
*હાઈકુ- જગત કીનખાબવાલા*
*રંગ અદભુત*
*સુંદર સૂર્ય પુત્ર*
*કામણગારું* *હાઈકુ – જગત કીનખાબવાલા*
વસંત પંચમીથી, એટલે કે મધ્ય ફેબ્રુઆરી મહિનાથી તેમની પ્રજનન ઋતુ શરુ થઇ અને ચોમાશુ બેસે ત્યાં સુધી ગરમીના સમયમાં ઈંડા મૂકતા હોય છે. માદા શક્કરખોરોને આકર્ષવા માટે નર શક્કરખોરો એક બાજુથી બીજી બાજુ ઉત્સાહપૂર્વક ઉંડાઉડ કરે છે જે સમયે તેની પાંખો ખોલે અને બંધ કરે છે અને પૂંછડી ઊંચી નીચી કરી ધ્યાન આકર્ષિત મુદ્રાઓથી માદા શક્કરખોરોને આકર્ષે છે. (video:1)
જંગલ સિવાય ભારતના દરેક પ્રદેશમાં જોવા મળતું અને કદમાં નાનું હોય છે. ખુબજ ચંચળ અને સ્ફુરથીથી ઉભરાતું આ પક્ષી છે. જ્યાં જ્યાં પણ પતંગિયા અને મધમાખી જોવા મળે તેવી જાતના છોડ ઉપર શક્કરખોરો ઉંડાઉડ કરતુ હોય છે.
તેની ચાંચ લાંબી અને આગળથી વિશિષ્ટ આકારની હોય છે પણ તેનો તે આકાર કુદરતે તેના મનપસંદ ખોરાકને લઈને આપેલો છે. તેની જીભ વિશિષ્ટ પ્રકારની છે. તે લગભગ પાતળી લાંબી ભૂંગળી જેવી છે.
ખાસ પ્રકારના પીળી કરણ અને ટિકોમાં કેપેન્સકી – કેસરી જેવા પુષ્પમાં કે જે પુષ્પ લાંબા અને ભૂંગળી જેવા હોય તેમાં છેક અંદર સુધી શક્કરખોરો તેની ચાંચ નાખી શકે. ફૂલની છેક અંદરથી *પુષ્પમધુ રસ પીવે* અને તે રસ પીવા સાથે અંદરના ખુબજ બારીક જીવડાં પણ ખાઈ જાય. આ ઉપરાંત તે કોઈવાર ફળો પણ આરોગે છે. તેમજ બચ્ચાંને ખવડાવતી વખતે જીવડાં પણ આળોગે છે.
તે એટલી નાજુકતાથી ફૂલનો રસ પીવે છે કે ફૂલને નુકશાન ન થાય અને તે ઉપરાંત ખાતા ખાતા ફૂલના ફલીનીકરણ/ pollination માં પોતાનો ફાળો/ વળતર આપે છે. આ કારણસર ફૂલોની વાડીમાં તે વધારે ઉપયોગી હોઈ કુદરતી રીતે ત્યાં વધારે જોવા મળે છે. ફૂલ અને શક્કરખોરો એક બીજા સાથે સહ અસ્તિત્વ ની ભાવનાથી જીવવા માટે બનેલાં છે. (વિડિઓ:2).
ક્યારેક તે હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહીને (હમિંગ બર્ડની જેમ) , પાંખો ફફડાવતાં રહીને, ફૂલોમાંથી રસ પી શકે છે.
તેના નાજુક માળામાં ૨-૩ આછાં રાખોડી કે લીલાશ પડતાં સફેદ ઈંડાં મૂકે છે. ઈંડા ઉપર કથ્થાઈ કે રાખોડી ડાઘા-ડૂઘી હોય છે.
માળો બનાવવામાં હલકું ઘાસ ફુસ, દોરા, ફાઇબર ના તાર વગેરે વાપરે છે અને વૃક્ષમાં કે જ્યાં પણ માળો ધાર ઉપર છેવાડાના ભાગમાં માળો બાંધે છે જ્યાં પહોંચવું બીજા શિકારી પક્ષી કે જીવને અઘરું પાડે છે. માળાને પકડ માં રાખવા માટે તે કરોળિયાના જાળા ના ચીકણા તાર વાપરે છે તેમજ ઈયળ ની અઘાર વાપરે છે સાથે નાના પાંદડા ઉપયોગમાં લે છે. માળો બનાવવાનું કામ ખાસ કરીને માદા શક્કરખોરો કરે છે અને ઈંડાને ને સેવવાનું નું કામ તેમજ બચ્ચાને ખોરાક પૂરું પાડવા અને બચ્ચાનું રક્ષણ કરવાનું કામ નર શક્કરખોરો અને માદા શક્કરખોરો સાથે કરે છે.
(વિડિઓ લેખકે પોતાના ઘરે ઉતારેલા છે ).
*જગત. કીનખાબવાલા.*
*Author of the book:*
*Save The Sparrows*
*Ahmedabad*
Email:jagat.kinkhabwaka@gmail.com