ગિફ્ટ થી છલોછલ ભરેલી મારી કાર. -તેજસ પુરાણી.

ગિફ્ટ થી છલોછલ ભરેલી મારી કાર ને ઘરના બારણે પાર્ક કરી અને એક પછી એક બધીજ ગિફ્ટ ને ઘરમાં મુકતો ગયો. ગિફ્ટ એટલી બધી હતી કે મારી એક રૂમ અડધા ભાગ સુધી ભરાઈ ગઈ હતી. આટલી બધી ગિફ્ટ સાથે જોવાનો પણ એક લ્હાવો હતો.
મમ્મી ની આજે શાળામાં વિદાઈ હતી. એક આદર્શ શિક્ષક તરીકે તેઓ આજે નિવૃત થયાં હતા અને એમના વિદાઈ સમારંભ પ્રસંગે આ બધી ગિફ્ટ આવી હતી. ઘરે આવી ને હું અને મમ્મી બધીજ ગીફ્ટ જોતા હતા. એક પછી એક ગીફ્ટ ખોલતા અને બાજુ પર મુકતા. આટલી બધી ગીફ્ટમાં સોના ચાંદી ના ઘરેણાં થી લઇ શો પીસ અને પુસ્તકો પણ હતા.
બધીજ ગીફ્ટ ના પેકેટ ખોલ્યા બાદ અમે કુટુંબ સહ એ ગીફ્ટ જોતા હતા. અચાનક મારી નજર એક સાદી નાની પ્લાસ્ટિક કોટેડ ગ્લાસ પર પડી. અને મે મમ્મી ને કહયું જો આ શંભુ ની ગીફ્ટ.
મમ્મી ના ચહેરા પર સ્મિત આવી ગયું અને મને એ વિદાઈ સમારંભ વખતે એ વિદ્યાર્થી શંભુ યાદ આવી ગયો.
થોડો અલગ, ગરીબ, થોડા મેલા થયેલા કપડાં અને બીજા વિદ્યાર્થીઓ કરતા અલગ દેખાતો શંભુ. ઘણા બાળકો એને ચિડવતા. માનસિક રીતે પણ શંભુ થોડો કમજોર હતો. ભણવામાં કઈ ધ્યાન ના હોય પણ ઘરે થી મોકલે ઍટલે આવીને બેસતો.
મમ્મી ના ક્લાસ માથી ક્યારનોય ભણી ચુક્યો હતો. હવે આગળ ના વર્ગ માં આવી ગયો હતો. કેટલાય બાળકો એને પાગલ કંહી ચીડવતા પણ એ કઈ ધ્યાન પર લેતો નહિ. શાળા માં આવે ના આવે કઈ નક્કી નહિ એનું.
પણ જયારે એને ખબર પડી કે આજે આપણા શિક્ષક છુટા થઇ જશે અને હવે એ શાળા માં આવશે નહિ. ઍટલે વિદાય સમારંભ ના દિવસે એ આવી ને પહેલી લાઈન માં બેસી ગયો હતો.
સમારંભ નો અંત થતા બધા શિક્ષકગણ, મહેમાનો મમ્મી ને આ પ્રસંગે ભેટ આપતાં હતા. મોટા ભાગ ના મહેમાનો હવે ભેટ આપ્યા બાદ ભોજન માટે નીકળી ગયા હતા અને મારા ફોટોગ્રાફર ભાઈએ કહયું કે “સાહેબ હવે કોઈ બાકી નથી ને? “અને મે એમને કહયું કે “ના તમે જમી લો ” એટલામાં હું મમ્મીને સ્ટેજ લેવા ગયો આજે એ પણ ખૂબ ભાવુક હતા. એટલામાં શરમાતો શંભુ સ્ટેજ પાસે ઉભો હતો. બધા બાળકો જમવામાં મશગુલ હતા પણ શંભુ ને એના શિક્ષિકા બેન ને મળવું હતું. પણ એ સ્ટેજ પર આવવાની હિમ્મત ના કરી શકતો.
મમ્મી એ જેવો એને જોયો અને શંભુ ને સ્ટેજ ઉપર બોલાવ્યો. શરમાતા ગભરાઈ ગયેલા ચહેરા સાથે શંભુ સ્ટેજ પર આવ્યો. અને મમ્મીને એ ગ્લાસ નું બોક્સ આપ્યું. પગે લાગ્યો અને જતો હતો ત્યાં મમ્મી એ રોક્યો કે બેટા તારી ગીફ્ટ ના લેવાય મારાથી. મમ્મી ને ખબર હતી કે શંભુ ગરીબ કુટુંબ માંથી આવે છે પણ મમ્મીની ભેટ અસ્વીકાર ને લીધે થોડો દુઃખી લાગ્યો અને એનું દિલ રાખવા મમ્મી એ એ ભેટ પણ સહર્ષ સ્વીકારી. અને શંભુ ના ચહેરા પર એ ખુશી સાફ સાફ મે અનુભવી. મમ્મી એ કહયું કે હવે જા જમી લે. અને એ ખુશ થતો સ્ટેજ પરથી ઉતરી બાળકોની ભીડ વચ્ચે ગાયબ થઇ ગયો.
આ બધી ગીફ્ટ માં મને એ ગીફ્ટ ખુબજ સુંદર લાગી. એ ગીફ્ટ માં શિક્ષક અને વિદ્યાર્થી નો એક આત્મીય સંબંધ હતો. જે એક અસ્થિર મગજ ના બાળકને પણ પોતાના શિક્ષક પ્રત્યેનો પ્રેમ, લાગણી દર્શાવતો હતો.
મે મમ્મી ને કહયું આ ગ્લાસ હું લઇ લવ?
મમ્મી કહયું આનું શું કરીશ તું?
બસ હું આ લઉં છું એમ કહી એ ગ્લાસ મેં મારી રૂમ માં મૂકી દીધા. કારણ કે એ ગ્લાસ માત્ર ગ્લાસ નહિ પણ એક વિદ્યાર્થી ની લાગણી, શિક્ષક પ્રત્યેનું સન્માન, છે.
ઘણી વાર હું એ ગ્લાસ જોઈ ને ગર્વ અનુભવું છું કે મારી મમ્મી એક ખુબજ સારી શિક્ષક હતી. અને હું પણ આજે શિક્ષક છું અને હું એવો જ પ્રયત્ન કરું છું કે મારી પાસે પણ આવી ગ્લાસ હોય.

તેજસ પુરાણી….