મસ્કતી કાપડ મહાજનની અનોખી પહેલ: તમામ લારીવાળાને ત્રણ હજારની સહાય, કર્મચારીઓના વિદ્યાર્થીઓની ફી ભરી દેવાશે.

મહાજનની મેનેજીંગ કમિટીની બેઠકમાં લારીવાળા અને કર્મચારીઓ ની સહાય પેટે 50 લાખ રૂપિયાની જોગવાઈ કરવાનું નક્કી થયું

રાહતની સમિતિની પણ રચના કરી દેવાઈ ૭૦૦ થી વધુ નોંધાયેલા લારીવાળાઓના ખાતામાં 3000 જમા થશે

અમદાવાદના વેપારી મહાજન વ્યાપાર ધંધા ની સાથે સાથે સખાવત અને જરૂર પડે જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ જાણીતા છે. લોક ડાઉનને કારણે લાંબા સમય સુધી વ્યાપાર ,ધંધા ,ઉદ્યોગો બંધ રહેતા મસ્કતી કાપડ મહાજન માં કામ કરતા લારીવાળા તથા અન્ય કર્મચારીઓને સહાય માટેનો નિર્ણય લેવાયો છે. 700 થી વધુ લારીવાળા ભાઈઓના ખાતામાં રૂપિયા 3000 ની સહાય જમા કરાવવામાં આવશે તથા માર્કેટમાં કામ કરતા કર્મચારીઓના સંતાનોની શિક્ષણનો ખર્ચ પણ મહાજન દ્વારા ઉઠાવવામાં આવશે જ્યારે કર્મચારી કે તેના પરિવારજનોમાં કોઈ બીમારી કે અન્ય કોઈ તકલીફ હોય તેમને પણ સહાય કરવામાં આવશે.

૧૧૪ વર્ષ જુના મસ્કતી કાપડ મહાજન દ્વારા કરવામાં આવેલી સહાયની અનોખી પહેલ અંગે માહિતી આપતા પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે મહાજનની મેનેજીંગ કમિટીની બેઠકમાં લારી વાળા ભાઈઓ ગુમાસ્તા તથા માર્કેટમાં કોઈપણ પેઢીમાં કામ કરતા કર્મચારીઓને આ કપરી પરિસ્થિતિમાં મદદરૂપ થવા રાહત કામગીરી માટે મહાજન દ્વારા રૂપિયા ૫૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મસ્તી મહાજનને લગભગ 700લારીવાળા ભાઈઓ કામગીરી કરે છે એટલે મસ્કતી કાપડ મહાજનના લારી મંડળમાં નોંધાયેલા તમામ લારીવાળા ભાઈઓને રૂપિયા 3000 ની સહાય સીધી તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સાથે સાથે તમામ કર્મચારીઓના સંતાનોની શિક્ષણના ખર્ચની જવાબદારી પણ મહાજન દ્વારા ઉપાડીલેવાનું નક્કી કર્યું છે. આ તમામ કામગીરી માટે રાહત નિધિ સમિતિની રચના કરી દેવામાં આવી છે તેના સભ્યો આ કામગીરી સંભાળશે. આટલું જ નહીં જે કર્મચારીઓનો પગાર ઓછો છે તેમના માટે પણ કોઈ સહાયક યોજના લાવવા માટે મહાજનની કમિટી વિચારણા કરી રહી છે.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મેનેજીંગ કમિટી અને મસ્કતી મહાજન ન્યુક્લોથ માર્કેટના તમામ વેપારીઓ એ આ રાહતની કામગીરી આર્થિક રીતે અટકે નહીં તેના માટેની જવાબદારી સ્વીકારી લીધી છે. લારી વાળા ભાઈઓ અને કર્મચારીઓને યોગ્ય સહાય મળી રહે તેના માટે મહાજનના ગૌરાંગ ભગત, નરેશ શર્મા ,બાબુલાલ સોનીગરા, સુરેશભાઈ મહેતા,. ગોકુલ ચંદ, કાંતિલાલ કોઠારી તથા હીરાભાઈ જૂગરાજ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.