☘ફાધર્સ ડે નિમિત્તે એષા દાદાવાલા દ્ગારા વખાયેલો સુંદર લેખ
આ માણસ ઘરમાં સૌથી વધારે ઇગ્નોર થતો હોય છે. એ સવારે ઘરની બહાર નીકળે છે અને રાત્રે ઘરે પાછો ફરે છે. ઠંડુ પડી ગયેલું ટિફિન જમે છે. રોજ ઠંડુ ખાતા માણસનો સ્વભાવ ગરમ થઇ જાય એમ એ પણ ગરમ મિજાજનો છે.શેવિંગ કર્યા પછી હેન્ડસમ લાગતો આ માણસ રાત્રે ઘરે પાછો ફરે ત્યારે ચહેરા પર થાક લઇને આવે છે-છતાં આઇસ્ક્રીમ ખાવા બહાર લઇ જવાની ના નથી પાડતો. એ ગુસ્સે ભરાય ત્યારે સામે કશું નહીં બોલવાની આદત પડી હોય છે-મોટા થતાં જઇએ એમ-એમ આ આદત ભૂલાતી જાય-એ જુદી વાત છે. થોડાં થોડાં એનાં જેવા દેખાતાં આપણને એ કોઇપણ વાતની ઘસીને ના પાડી શકે છે. મોટાભાગે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે-કારણ કે ‘ના’ પાડવાનું એનાં પક્ષે જ આવે છે. પોતાનાં શર્ટની સાઇઝ એને યાદ નથી રહેતી પણ તમારા શર્ટની સાઇઝ એ ક્યારેય ભૂલતો નથી. ઘરમાં કશું પણ કરાવતા પહેલાં એની પરવાનગી લેવી પડે છે કારણ કે પૈસા એનાં ગજવામાંથી આવે છે. એની ‘ના’ એટલે પથ્થરની લકીર એવું હકીકતે હોતું નથી, કારણ કે-દલીલોથી કન્વીન્સ ન થતો આ માણસ આંસુ અને ચઢેલું મોઢું જોઇને પીગળી જતો હોય છે. ઘરમાં પાંચ લાડુ હોય અને ખાનારા પાંચ હોય તો મને નથી ભાવતું એમ કહીને લાડુ જતો કરનાર મા જ હોય…આવું કહીને આપણે માનાં ગુણગાન તો વારંવાર ગાઇ લઇએ છીએ પણ એ પાંચ લાડુની વ્યવસ્થા કરી આપનાર એને બહુ જ સગવડતાથી ભૂલી જઇએ છીએ. એની સાથે આજીવન ‘ઇગો’નો સંબંધ રહે છે. એને ખોટાં પાડવાની આપણને મજા પડે છે અને આપણે સાચાં પડીએ એ માટે એ આખી જીંદગી ઘસી નાંખે છે. ‘તમે ખોટાં છો..’ આવું કહેતી વખતે આપણાં ચહેરા પર એને હરાવ્યાનો આનંદ હોય છે ત્યારે આપણે સાચાં પડ્યાં એ વાતે એની છાતી ફૂલી જતી હોય છે. ચશ્મા પહેરતો આ માણસ બહારગામ ગયો હોય ત્યારે ‘હાશ..આજે જલસા..!’ આવું કહીને પોરસાતા આપણે એ કાયમ માટે જતો રહે ત્યારે ખુલીને રડી પણ નથી શકતાં હોતાં.
તમને બધાંને એક અપીલ છે -ફાધર્સ ડે ની ઉજવણીમાં માનતા હોવ કે ન માનતા હોવ પણ તમારા પપ્પાનો હાથ તમારા હાથમાં લઇને એમને કહેજો, ‘થેંક યુ, મેન…!’
કારણ કે, પિતા એક એવો પુરુષ છે-જે બોલી શકતો નથી અને ક્યારેય બોલવાનો પણ નથી. ગુસ્સે થતો, અકળાતો, નાની-નાની દરેક વાતમાં ના પાડી દેતો, હું કહું એ જ સાચું એવું માનતો આ માણસ-તમને જુવાન કરતાં-કરતાં ખુદ ઘરડો થઇ જાય છે અને આ વાત તમારા સુધી ન પહોંચે એટલે વાળને ડાઇ કરાવી લે છે.
આજે આ માણસને માત્ર એટલું જ કહેજો-‘આઇ નીડ યુ પાપા, એઝ ઓલવેઝ…!!’ તમારી આટલી વાત એની છાતીમાં પહેલાં જેવી તાકાત ભરી દેશે…!!
પિતા હોય ત્યારે વર્તાતા નથી પણ ન હોય ત્યારે છાતીમાં કાચ પેપર ઘસાયા કરે અને ચીસ પણ ન પાડી શકાય…આવી પરિસ્થિતિમાં મૂકાવાનું આવે-એ પહેલાં જ પિતાને કહી દો -લવ યુ પપ્પા…!!!
કારણ કે ફાધર નાં ડે નથી હોતા એમના તો યુગ હોય છે.