*આજનો મોર્નિંગ મંત્ર*
આપણા દેશમાં પ્રાચીનકાળથી ગુરુ પરંપરા ચાલી આવે છે. વર્તમાન સમયમાં અનેક ગુરુઓ ગુરુઘંટાલ સાબિત થઇને જેલમાં પુરાઇ ગયા છે ત્યારે આપણી પ્રાચીન પરંપરા ઉપરથી આપણો વિશ્વાસ ડગી જાય તે સ્વાભાવિક છે. માટે જ મેં ક્યારેય કોઇ જીવંત વ્યક્તિને ગુરુપદે સ્થાપી નથી. દેવોના દેવ મહાદેવ અને જગતજનની દેવી પાર્વતી એ જ મારા શ્રદ્ધેય ગુરુ.
જો ગુરુ સારા અને સાચા મળી જાય તો ભક્તોની ભીતર રહેલી શક્તિને પળવારમાં જાગ્રત કરી શકે. સંત રવિદાસ પગરખાં બનાવવા માટેનું ચામડું પાણી ભરેલાં વાસણમાં ડૂબાડી રાખતાં હતાં. એક રાજા એમની કૃપાદૃષ્ટિ માટે પધાર્યા. રવિદાસે એક ગ્લાસમાં એ ગંદું ગંધાતું પાણી ભરીને રાજાને પીવા માટે આપ્યું. રાજાએ પીઠ ફેરવીને એ પાણી એનાં વસ્ત્રો પર ઢોળી દીધું. જ્યારે એ વસ્ત્ર ધોવા માટે ધોબીની પાસે ગયું ત્યારે ધોબીની દીકરી આંતરિક શક્તિથી બધું સમજી ગઇ. તેણે એ પાણી ચૂસી લીધું અને તે આગળ જતાં મોટી સંત બની ગઇ. રવિદાસે આપેલાં ગંદાં પાણીથી પણ જ્ઞાનપ્રાપ્તિ થઇ ગઇ.
નિઝામુદ્દીનનાં પગરખાંનો સ્પર્શ થવાથી અમીર ખુસરોની ચેતના જાગ્રત થઇ ગઇ હતી.
ગણેશપુરીના સિદ્ધપુરુષ સ્વામી મુક્તાનંદબાબા આવા જ સિદ્ધપુરુષ હતા. એમણે ગુરુમંત્રને એ હદે પ્રાણ સાથે વણી લીધો હતો કે તેઓ જે કક્ષમાં બેસીને સાધના કરતાં હતા તે ઓરડાની દીવાલોમાંથી પણ મંત્રનાદ સંભળાતો હતો. એક વિદેશી એક વાર મુક્તાનંદબાબાના અંગત બાથરૂમમાં ગયો તો એને સમાધિ લાગી ગઇ હતી.
મેં વિધિવત્ કોઇ ગુરુની કંઠી ધારણ કરી નથી. સત્તરમાં વર્ષે ગિરનાર પર્વત પર ઉનાળાની બપોરે અંબાજી અને દત્તાત્રેય વચ્ચેના માર્ગ પર એક ગેબી સાધુનો ચમત્કારિક અનુભવ થયો હતો. એને દીવાદાંડી તરીકે સ્વીકારીને સિદ્ધયોગમાં આગળ વધી રહ્યો છું. બમ બમ ભોલે.
જય ગિરનારી!
–ઓમ નમઃ શિવાય–
તા. 30-6-2020
*ડો. શરદ ઠાકર*