કેચ મી ઈફ યુ કેન’ આ અંગ્રેજી ફિલ્મ જોઈને ચીટર પિતા-પુત્ર બેલડીએ 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બનીને ચેક ચોરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પણ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જય રમેશભાઈ સોની નામના ચીટરબેલડીના પુત્રને ઝડપી લઈ ભંડાફોડ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચ હવે પિતા રમેશ સોનીને શોધી રહી છે.
નારોલમાં આવેલી કોઠારી પેપર્સ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં શખ્સે કંપનીની ચેકબૂકમાંથી ચેક ચોરી કરી માલિકની સહી કરી કંપનીનો સિક્કો મારીને પોતાના વડોદરા ખાતેના બેન્ક એકાઉન્ટમાં 14.78 લાખનો ચેક ક્લિયર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી. આ પ્રકારે જ ચીટિંગની પાંચ ફરિયાદ કાગડાપીઠ, કાલુપુર, નવરંગપુરા પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ હતી. એક જ મોડસ ઓપરેન્ડીથી પાંચ-પાંચ ફરિયાદ નોંધાતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી.
એક જ પદ્ધતિએ આચરવામાં આવેલા ગુનાનાં આરોપી એટલા શાતિર હતાં કે તેમણે આપેલા બાયોડેટા, આઈડી પ્રૂફ અને બેન્ક એકાઉન્ટના સરનામા, મોબાઈલ નંબરોથી તપાસમાંથી કોઈ લિન્ક મળી નહોતી. ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. સંજય દેસાઈએ આરોપીએ રૂપિયા જે જગ્યાએ ટ્રાન્સફર કર્યાં હતાં તેની માહિતી મગાવીને ઊંડી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ કરતાં ઠગ ટોળકીનું પગેરૂં રાજસ્થાનના ઉદેપુરમાં મળ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉદેપુરમાં શકમંદ આરોપીને રહેણાંકની તપાસ કરી વોચ ગોઠવી હતી. પોલીસે સતત નજર રાખતાં જાણકારી મળી હતી કે, ભૂતકાળમાં આરોપીની હાજરી અમદાવાદમાં હતી અને હાલમાં નોકરીની શોધમાં અમદાવાદ જઈ રહ્યો છે. પોલીસે ઉદેપુરથી અમદાવાદ સુધી આરોપીનો પીછો ચાલુ રાખ્યો હતો. આરોપી ચાંગોદર જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ઈન્ટરવ્યૂ આપવા જતો હતો ત્યારે સનાથલ ચોકડી પાસે ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો.
મુળ ઉદેપુરનો અને હાલ અમદાવાદમાં નરોડાના હરિદર્શન ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ પાર્કમાં રહેતો જય ઉર્ફે જયેશ રમેશકુમાર સોની (ઉ.વ. 23) ઝડપાઈ ગયો હતો. ખેડબ્રહ્માના મંડાલી ગામનો મુળ વતની જય ઉર્ફે જયેશ અને તેના પિતા રમેશ સોની અંગ્રેજી મીડિયમમાં ભણેલા હોવાથી અંગ્રેજી સારી રીતે જાણતાં હતાં. વર્ષ 2015માં પિતા સાથે મળી ચેકથી છેતરપિંડી કરી દુનિયામાં ચર્ચાસ્પદ બનેલાં ફ્રેન્ક એબીગ્નેલના જીવનચરિત્રની ફિલ્મ ‘કેચ મી ઈફ યુ કેન’ જોઈ હતી. આ ફિલ્મની સ્ટોરીને આધાર બનાવીને પિતા-પુત્રએ ચેકથી છેતરપિંડી કરી રૂપિયા મેળવવાનું નક્કી કર્યું હતું. પિતા સાથે મળીને એકાઉન્ટ, ઓડિટિંગનું કામ શીખ્યા પછી જયએ યુ ટ્યૂબ એપ્લિકેશનમાં ટેલી સોફ્ટવેર, એક્સેલ સોફ્ટવેર અને કમ્પ્યૂટરનું અન્ય કામ શીખી લીધું હતું. જયએ પોતાના અને પિતાના ડુપ્લિકેટ આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યા હતાં.
આ નકલી ડોક્યુમેન્ટસને આધારે પિતા-પુત્રએ અમદાવાદ, વડોદરા, જયપુર ખાતે જુદી જુદી બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. જુદા જુદા સિમકાર્ડ, મોબાઈલ ફોન ખરીદ્યાં હતાં. વર્ષ 2016થી અત્યાર સુધીમાં જયપુર, વડોદરા અને અમદાવાદમાં જુદી જુદી કંપની, શો રૂમ અને વેપારી સાથે 20થી વધુ છેતરપિંડી કરી હતી. જ્યાં નોકરી કરતાં ત્યાં પિતા-પુત્ર પેઢીના ડુપ્લિકેટ સિક્કા બનાવતાં હતાં અને તેનાથી બેન્કમાં ચેક અથવા આરટીજીએસ ફોર્મ ભરતો હતો. પેઢીના માલિકની સહી જાતેજ કરીને કોઈ બહાનું કાઢીને નોકરી છોડી દેતો હતો. ચેકથી છેતરપિંડી કરી નોકરી છોડ્યા પછી પેઢીમાં આપેલા નંબરનું સિમકાર્ડ અને મોબાઈલ ફોન પણ તોડી નાખતો હતો. પિતા સાથે મળી અન્ય શહેરમાં ખોલાવેલા એકાઉન્ટમાં ચેક ક્લિયર કરાવી બેન્ક એપ્લિકેશનથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતાં હતાં. બાદમાં એટીએમ, પેટીએમ, ફ્રી ચાર્જ, અલા મની જેવી વોલેટ એપ્લિકેશનથી રૂપિયા તાત્કાલિક વિથ્ડ્રો કરી લેતાં હતાં.