રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના દર ઘટાડ્યા, આજથી જ અમલ.

રાજ્યમાં કોરોનાનો દિન પ્રતિદિન પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ટેસ્ટિંગ બાબતે મહત્વની જાણકારી આપી. તેમણે ટેસ્ટિંગ અંગે કહ્યું કે ડોક્ટર સલાહ આપે તે રીતે ટેસ્ટ કરાવવાની જરૂરી છે જેવા વ્યક્તિઓના ટેસ્ટ સરકારની (રાજ્ય સરકારની માલિકીની હોસ્પિટલમાં ચાલતી અને મેડિકલ કોલેજમાં ચાલતી લેબોરેટરીઓ) બધી જ લેબોરેટરીમાં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે પણ આમ છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું હોય તો કરાવી શકાય છે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરી ટેસ્ટ માટે લગભગ ચાર હજાર રૂપિયા ચાર્જ લેતી હતી. જે ઓછો હોવો જોઈએ. જે નિર્ણય લેવાયો છે તે મુજબ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ 2500 રૂપિયા કરવામાં આવ્યો છે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જો ઘરે બોલાવીને સેમ્પલ લેવામાં આવશે તો 3000 રૂપિયા ચાર્જ થશે.