સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દી સાથે તેમના સગાની પણ દરકાર કરી કાયમી ડોમની વ્યવસ્થા કરાઈ.

હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીના સગાને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા
*****
દર્દી અને સગા વચ્ચે દરરોજ વીડિયો કોલ કરાવી સેતુરૂપ ભૂમિકા અદા કરતી સિવિલ હોસ્પિટલ
*****
આરામદાયક ગાદલા સાથેના ખાટલા, ૨૪ કલાક પીવાના પાણી માટે વોટર કુલર, જમ્બો કુલર, મનોરંજન માટે ટી.વી.ની પણ સુવિધા
*****

સરકારી હોસ્પિટલમાં હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ થાય ખરો! જવાબ છે હા…….. સિવિલ હોસ્પિટલ સંકુલમાં તમે સારવાર માટે આવ્યા હોય… સારવારમાં સમય લાગે તેમ હોય તો તેવા સંજોગોમાં રહેવાની વ્યવસ્થા અંગે ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. કોરોનોના દર્દીના સગા માટે હોસ્પિટલ દ્વારા વિશાળકાય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ડોમની કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે……

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દર્દી જ્યારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવે છે ત્યારે તેમની સાથે આવેલા સગા- સ્નેહીઓ હંમેશા દર્દીના સમીપે રહેવાની સતત ઝંખના સેવતા હોય છે તેવા સમયે તેમની દરકાર સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે.

રાજ્યભરમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટેની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર્દીઓ સાથે તેમના સગા- વ્હાલા અને સંબંધીઓ પણ અહીં આવતા હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલની ૧૨૦૦ બેડ ડેડિકેટેડ હોસ્પિટલની નજીક જ કાયમી ધોરણે એક વિશાળ ડોમમાં કોરોનાના દર્દીઓના સગાઓને રહેવાની સગવડ કરવામાં આવી છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે ચોમાસાની ૠતુ શરૂ થઈ છે ત્યારે વરસાદી માહોલમાં સગાઓના સ્વાસ્થ્યની કાળજી લઈ ડોમમાં તમામ સગવડ સિવિલ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં સારવાર માટે લવાતા કોરોનાના દર્દીઓની આ રોગના ગંભીર લક્ષણોને કારણે સારવારમાં વાર લાગે છે. એવામાં સિવિલ તંત્ર દ્વારા આ સગવડ ઉભી કરવામાં ન આવે તો દર્દીઓના સગા ક્યાં જાય? ગરીબ વર્ગને બહાર રહેવા તથા જમવાનું કેટલું મોંઘું પડી શકે ??? આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા તાબડતોબ કોવિડ હોસ્પિટલની બાજુમાં જ મોટો ડોમ બનાવીને દર્દીઓના સગા- વ્હાલા ૨૪ કલાક રહી શકે તેવી સગવડ કરવામાં આવી છે.

આ ડોમની અંદર જ રહેવા-જમવાની અને તેમને કંટાળો ન આવે તે માટે ચેનલ સાથેના એલ.ઇ.ડી. લગાવીને મનોરંજનની પણ સુવિધા ઉપલબ્ધ છે.

હોટલમાં જેમ જમવાનું મળે છે તે રીતે દર્દીઓના સગાઓને જમવાનું મળે છે તે રીતે આ હોટલ છે. મોટલમાં જે રીતે નાસ્તો મળે છે તે રીતે અહીંયા સવારે નાસ્તો મળે છે તેથી આ મોટલ છે અને ઘરે જે રીતે આરામથી રહીએ તે રીતે ૨૪ કલાક રહેવાની અને મનોરંજનની સગવડ છે તે રીતે આ ઘર પણ છે. આમ, આ ડોમમાં જ હોટેલ, મોટેલ અને ઘર એમ ત્રણેય પ્રકારની સગવડ મળે છે. આ ઉપરાંત દિવસ દરમિયાન બે વખત ચા પણ પીવડાવવામાં આવે છે, તેમ વિરમગામથી આવેલા અનિતાબેન જણાવે છે.

કોરોનાની બિમારીમાં જ્યારે મારા દાદા સાથે સંજોગોવસાત સામાજિક અંતર રાખવું પડી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા દરરોજ વિડીયો અને ઓડિયો કોલ કરાવીને દાદાની સારવાર અને પરિસ્થિતિથી રૂબરૂ કરાવવામાં આવે છે. જેથી અમે ચિંતામુક્ત રહી શકીએ છીએ તેમ ડોમમાં રોકાયેલા રોનકભાઈ પંચાલ કહે છે.

વરસાદની પરિસ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગા માટે જે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તદઉપરાંત મને જે જોઇએ તે તમામ વસ્તુઓ અહીં જ મળી જાય છે. સરકારે મારા જેવા લોકો માટે જે વ્યવસ્થા ઉભી કરી છે તે માટે સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે, તેમ વિમલાબેન યાદવ ગળગળા સ્વરે જણાવે છે.

સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલ કાયમી ડોમ વિશે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદી કહે છે કે, દર્દીના સગાને કોઈપણ જાતની તકલીફ ન પડે, પોતાના સગાથી શારીરિક નહીં તો માનસિક રીતે નજીક રહી શકે તેની દરકાર કરીને આ ડોમને કાયમી સ્વરૂપ આપવામાં આવ્યુ છે. ડોમ તમામ ૠતુઓમાં અનુકુળ આવે તે રીતે તૈયાર કરવામાં આવ્યુ છે. ડોમમાં હેલ્પ ડેસ્ક સેન્ટર પણ કાર્યરત રહેશે જેના થકી દર્દીના સગાને દર્દી સાથે વિડિયો કોલ કરાવી શકાશે સાથે-સાથે આવશ્યક ચીજવસ્તુઓ દર્દી સુધી પહોંચાડવાથી લઈ અન્ય પૂછપરછમાં પણ મદદરૂપ બનશે.

સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ. એમ. પ્રભાકર ડોમમાં ઉપલ્બધ સુવિધાઓ વિશે કહે છે કે, દર્દીના સગા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે રીતે આરામદાયક ગાદલાં સાથેના ખાટલા ઓશિકા મૂકવામાં આવ્યા છે. સગાને કંટાળો ન અનુભવાય તે હેતુથી મનોરંજન માટે ટી. વી.ની વ્યવસ્થા કરવામાં આવી છે. સિલિંગ ફેન , જમ્બો કુલર, ૨૪ કલાક પાણીની સુવિધા વોટર કુલર દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય પણ જો કોઇ સુવિધા માટે જણાવવામાં આવે તો તે અંગેની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવે છે. દર્દીના સગાને બે ટંક નાસ્તા સાથે જમવાની વ્યવસ્થા પણ અહીં ઉભી કરવામાં આવી છે.

આ ડોમમાં તમે જો મુલાકાત લો તો તમને લાગે નહીં કે તમે કોરોનાના દર્દીના સગાઓને મળી રહ્યા છો. બધા અહીં નિશ્ચિંત બનીને આરામ કરતાં જોવા મળે છે. હોસ્પિટલ તંત્રની સગવડ અને આરોગ્ય સેવા પ્રત્યેનો ભરોસો તમને તેમના ચહેરા પર અચૂક વાંચવા મળે. આ ઉપરાંત અહીં ખુરશીઓની પણ સગવડ કરવામાં આવી છે કે જેથી દિવસે થોડો સમય બેસવું હોય તો બેસી શકાય.

આમ, આ ડોમમાં આશ્રય મેળવી રહેલા દર્દીઓના સગાઓ તેમના ઘર જેવી બલકે તેનાથી પણ સારી સગવડ વચ્ચે રહી રહ્યા છે. કોરોનાના કારણે જ આ લોકો અહીં ભેગા થયા હોઇ નાત, જાત, કોમના ભેદભાવ ભૂલી પોતે કોરોનાના સંક્રમણને કારણે અહીં છે તેમ માનીને એકબીજાને સધિયારો આપી એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની રહ્યા છે.

સારા થઇને જઇ રહેલા દર્દી તથા તેમના સગા વચ્ચે અનાયાસે પણ ઘર જેવા સંબંધો બની ગયા હોય દર્દીની વિદાય વેળાએ ડોમમાં રહેલા લોકોની પણ આંખો ભીની થયા વગર રહેતી નથી.

એ રીતે આ ડોમ એ ફક્ત રહેવાનું સ્થળ ન રહેતા સાચા અર્થમાં માનવતાનું મંદિર, લાગણીશીલતાનું પરિચાયક અને સામાજિક એકતા અને સૌહાર્દ માટેનું માધ્યમ બની રહ્યું છે.