લદ્દાખ ખાતે ચીને જે રીતે નીચતા આચરીને નિ:શસ્ત્ર ભારતીય જવાનો પર હુમલો કર્યો અને વીસ જવાનો શહીદ થયા, એ પછી દેશભરમાંથી ચીન ઉપર ફિટકાર વરસી રહ્યો છે. ચીની માલનો બહિષ્કાર કરવા બાબત દેશના લોકોમાં જાગૃતિ આવી રહી છે. આ બધા વચ્ચે સુરતના એક ઉદ્યોગપતિ પરેશભાઈ રાઠોડે ચીનની જાયન્ટ કંપની અલીબાબા.કોમ (alibaba.com) સાથેનો અગિયાર વર્ષ જૂનો કરાર રદ કર્યો છે. પરેશભાઈની કંપની કાલિકા ઇન્ટરનેશનલ સુરત પાસે આવેલા સચીન એસઈઝેડમાં બ્રેક ફલ્યુડનું પ્રોડક્શન કરે છે. પરેશભાઈનો ધંધો વીસ જેટલા દેશોમાં ફેલાયેલો છે.
સીધી ખબર સાથે વાતચીત દરમિયાન પરેશભાઈએ જણાવ્યું કે જ્યારે અલીબાબાની શરૂઆત હતી, એ સમયથી હું એની સાથે જોડાયેલો. પણ હાલમાં ચીને આપણા સૈનિકોની હત્યા કરીને જે પ્રકારની નીચતા આચરી છે, એના વિરોધમાં મેં ચીની કંપનીનો બહિષ્કાર કરવાનું નકી કર્યું છે. અલીબાબાના પોર્ટલ ઉપર બ્રેક ફલ્યુડના ઉત્પાદક તરીકે મારું નામ સૌથી ટોપ પર હતું અને અલીબાબા.કોમ પર મારો રેન્ક ‘ગોલ્ડ સપ્લાયર’ તરીકેનો હતો. ગોલ્ડ સપ્લાયરને અલીબાબા તરફથી વર્ષે કરોડો રૂપિયાનો બિઝનેસ મળતો હોય છે. પરંતુ મેં લદ્દાખની ઘટના પછી ગમે એટલું નુકસાન વેઠીને પણ ચીનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
આવા છૂટપુટીયા લોકોને કારણે મને નુકસાન જાય તો હું ભારતીય શાનો?!
જ્યારે સીધી ખબર દ્વારા પરેશભાઈને પૂછવામાં આવ્યું કે તમને નુકસાનની ચિંતા નથી? તો આ ભડના દીકરાએ જવાબ વાળતા કહ્યું કે આવા છૂટપુટીયા લોકોને કારણે જતા નુકસાનની જો ચિંતા કરું તો હું ભારતીય શાનો?! સાચો ભારતીય વેપારી આવા બધી ચિંતાથી કદી ડરે નહિ, એ તો બીજે ગમે ત્યાંથી કમાઈ લે! પણ મારા દેશના સૈનિકોના હત્યારા સાથે તો વેપાર નહિ જ!
ચીનની સ્ટ્રેટેજી બહુ જૂની છે. એ લોકો તિબેટ, નેપાળ. ભૂતાન, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ.. આ તમામ પ્રદેશો પર કબજો જમાવવા માંગે છે. કેમકે ચીનને પોતાનો વેપારીમાર્ગ તૈયાર કરીને મહાસત્તા બનવું છે. પણ ભારત ક્યારેય સિક્કિમ કે અરુણાચલમાં ચીનને પેસવા નહિ જ દે.
ઉલટાનું જો આપણે મક્કમ મનોબળ કેળવીને ચીની માલનો બહિષ્કાર કરીશું તો આવનારા માત્ર ચાર-પાંચ વર્ષોમાં ચીનની હાલત સોવિયેત રશિયા જેવી થશે! એ પોતાના ભારથી જ તૂટી પડશે. ચીની પ્રજા ધર્મમાં માનતી નથી. એનો એક જ ધર્મ છે, પૈસો! જો પૈસાનો પ્રવાહ રોકાઈ જશે તો એ લોકો આપોઆપ ગૂંગળાઈ મરશે.
પરેશભાઈએ વધુમાં જણાવ્યું કે હું ચીની પ્રજાનો કે બીજી કંપનીઓનો વિરોધી નથી. પણ એ લોકોની સરકાર મારા દેશના સૈનિકોને મારે એ મને કદાપિ મંજૂર નથી! ચીન આપણે ધારીએ છીએ એટલું મજબૂત નથી જ! જરા વિચારો, આપણા વીસ સૈનિકોની સામે એ લોકોના ચાલીસથી વધુ સૈનિકો મરાયા છે. આપણી સેના પણ ચીનને ટક્કર આપે એટલી મજબૂત છે. પણ આપણે ય આપણી ફરજ નિભાવવી પડશે.
પરેશભાઈને આખરે કેટલું નુકસાન જશે?
સીધી ખબર દ્વારા જ્યારે ફરીફરીને પૂછવામાં આવ્યું કે આવડો ધંધો જતો કર્યા પછી તમારે કેટલું નુકસાન વેઠવું પડશે? ત્યારે આ બિઝનેસમેને જે જવાબ આપ્યો એ વિચારતા કરી મુકે એવો છે. પરેશભાઈ કહે છે, “આપણે શું સાથે લાવ્યા અને શું લઇ જશું?! મર્યા પછી આંગળી પરણી વીંટી પણ લોકો કાઢી લેશે! તો પછી પૈસાના મોહમાં ક્યાં સુધી તણાવું?! જો નસીબમાં હશે તો બીજેથી કમાઈ લઈશું!
નોંધનીય છે કે પરેશભાઈએ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાની ના પાડી એ પછી અલીબાબાના ભારત ખાતેના ટોચના અધિકારીનો ફોન આવ્યો હતો. અધિકારીએ પરેશભાઈને સલાહ આપી હતી કે શું કામ લાગણીમાં આવીને કરોડોનો બિઝનેસ અને ગોલ્ડ સપ્લાયર તરીકેનું સ્ટેટ્સ જતું કરો છો! ત્યારે પરેશભાઈએ ચોખ્ખી વાત કરતા એ અધિકારીને સંભળાવ્યું કે “મારે માટે મારો દેશ પ્રથમ છે, બીજી વાતો ગૌણ છે! હું ઈચ્છું છું કે ચીનના તંત્રને અને લોકોને મારો આ સંદેશ પહોંચે!”
પરેશભાઈ જેવી જ મક્કમતા ભારતનો દરેક ગ્રાહક અને વ્યવસાયી કેળવે તો ચીન આપોઆપ ઘૂંટણિયે પડી જાય!