વ્યાપારી જહાજ ‘હેલન’ પર મેડિકલ ઇમરજન્સીમાં દર્દીને બચાવતું ભારતીય તટરક્ષક દળ
જીએનએ અમદાવાદ: પોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી બચાવ પેટા કેન્દ્રને 25 એપ્રિલ 2023ના રોજ રાત્રે લગભગ 2200 કલાકે, વ્યાપારી જહાજ હેલનમાં કોઇ દર્દીને મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હોવાનો કૉલ મળ્યો હતો. પનામામાં ફ્લેગ થયેલું આ જહાજ પોરબંદરથી લગભગ 200 કિમી દૂર હતું, જે સિક્કાથી દક્ષિણ આફ્રિકાના ડર્બન જઇ રહ્યું હતું. તેમણે એક ભારતીય ક્રૂની જમણા હાથની પહેલી આંગળી કપાઇ ગઇ હોવાથી તેને તબીબી સારવાર માટે બહાર કાઢવાની વિનંતી કરી હતી. ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-161 બચાવ માટે ખૂબ જ ઝડપી ગતિએ તાત્કાલિક રવાના થઇ હતી જેથી 26 એપ્રિલ 2023ના રોજ પરોઢ સુધીમાં આ વેપારી જહાજ સુધી પહોંચી શકાય. દર્દીને આ જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટમાં પ્રાથમિક તબીબી સારવાર કરીને પોરબંદર લાવવામાં આવ્યો હતો. વહેલી સવારે પોરબંદર પહોંચ્યા પછી, દર્દીને વધુ સારવાર માટે સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.