હે ભગવાન જગન્નાથજી,
આપ જ જગતનિયંતા છો હું કોણ છું ? આપની મરજી વગર તો પાંદડું પણ હલતું નથી ત્યારે હું કેવી રીતે ઝાડ હલાવી મુકીશ એવાં ઘમંડમાં ચુર થઈ શકું ?
હે જગન્નાથજી આપે શ્રીમદ્ ભગવદ્ગીતાના અગિયારમા અધ્યાયના 33 શ્લોકમાં સ્પષ્ટ જ કહ્યું છે કે “निमित्त मात्र भव सव्यसाचिन અર્થાત્ પરિણામ તો આપ નક્કી કરી જ ચુક્યા છો અને ભક્તે તો માત્ર તારાં નક્કી કરેલા પરિણામ ને આકાર આપવામાં નિમિત્ત માત્ર જ બનવાનું છે ત્યારે નિમિત્ત બનવાની જગ્યાએ “હું પરિણામ નક્કી કરીશ” એવાં વિચારને તથા તારાં નક્કી કરેલા પરિણામને ન સ્વીકારવાની વૃત્તિને જગન્નાથજી ને બદલે નારાયણી સેનાને મેળવીને ખુશ ખુશ થઈ ઉઠવાની સાથે તમે નહીં જ સરખાવો એવી આપને પ્રાર્થના.
હે ભગવાન જગન્નાથજી, મારે તો માત્ર કર્મ જ કરવાનું છે અને ફળ આપવાની જવાબદારી આપની છે એવું આપે શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના 47મા શ્લોકમાં સ્પષ્ટ જ કહ્યું છે,
“कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥”
અર્થાત્ મારે તો માત્ર કર્મ જ કરવાનું છે આપ જ એ કર્મને સાચવી, સંભાળીને ઉચિત તથા યોગ્ય સમયે ફળ આપો છો તેથી મારો અધિકાર માત્ર “કર્મ” કરવાનો જ છે “ફળ” ની અપેક્ષા રાખવાનો નથી જ તથા જે કશું પણ મને મળી રહ્યું છે તે પણ આખરે મારાં જ કર્મોનું ફળ જ છે આટલું સ્પષ્ટ કહ્યું હોવા છતાં મારાં કર્મનું ફળ હું જ નક્કી કરવાનું શરૂ કરૂં, મારાં કર્મોનું ફળ કેવું, કેટલું અને ક્યારે મળે કે મળવું જોઈએ એ પણ હું જ નક્કી કરું એવું માનતા લોકોને હે ભગવાન જગન્નાથજી આપ ચોક્કસ ક્ષમા કરશો જ એવી આપનાં નાનકડા ભક્તની પ્રાર્થનાનો આપ સ્વીકાર કરશો એવી આશા રાખું છું એ વિચાર કરીને કે મારી પ્રાર્થના નો સ્વીકાર કે અસ્વીકાર કરવો એ આપ જ નક્કી કરશો કારણ કે હું તો માત્ર “પ્રાર્થના કરવાના” કર્મનો જ અધિકારી છું.
હે ભગવાન જગન્નાથજી, જ્યારે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રના ધર્મયુદ્ધ માં આપ હથિયાર નથી જ ઉપાડવાના એવી જાણ હોવા છતાં આપ આ ધર્મયુદ્ધ માં મારાં સારથી છો તેથી હું જ જીતીશ એવા આત્યંતિક આત્મવિશ્વાસ નું દર્શન કરાવતા અર્જુન પણ અઢાર અક્ષૌહિણી સેનાની વચ્ચે જઈને એવું કહે છે કે આ “મારા સગાઓને મારે મારવાનાં ? એવી કલ્પનાથી મારા ગાત્રો શિથિલ થઈ જાય છે, ગાડિવ હાથથી સરકી જાય છે ત્યારે બંને સેનાઓની વચ્ચોવચ ઉભા રહીને આપ શ્રીમદ્ ભગવદ્ગીતા માં બીજા અધ્યાયના 37મા શ્લોકમાં અર્જુનને કહો છો,
“हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ।।2.37।। ”
અર્થાત્ “હણાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો સમગ્ર ધરતીનું રાજ્ય ભોગવીશ માટે ઉઠ ઊભો થા અને યુદ્ધ માટે કૃતનિશ્ચયી બન” આવા આવનારા અનંત વર્ષો સુધી માર્ગદર્શન આપતા શબ્દો કહેનારા આપનાં નામે આપનાં ભક્તો અમને ડરાવે કે આજે આ થયું કાલે આ થશે, પરમ દિવસે પેલું થશે, અઠવાડિયા પછી તારું આ છિનવાઈ જશે, પંદર દિવસ પછી ઓલું છિનવાઈ જશે, મહિના પછી પેલું છિનવાઈ જશે હું આપનો નાનકડો ભક્ત આપનાં શબ્દો ઉપર સ્વયં કરતા વધુ વિશ્વાસ રાખીને એટલું જ માનીશ કે તમે મને લડવાની ક્ષમતા આપી જ છે ત્યારે હું હારીશ, મારી પાસેથી છીનવાઇ જશે એવા નિર્માલ્ય વિચાર મારે શા માટે કરવાના ? હું શા માટે ડરું ? હું નિશ્ચિંત થઈને માત્ર યુદ્ધ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશ કારણ કે મારી જીત નિશ્ચિત જ છે કેમકે હે જગન્નાથજી તમે જ આ ધર્મયુદ્ધ માં મારા સારથી છો.
આ ઉપરાંત,હે ભગવાન જગન્નાથજી, આપે આપનાં ધરતી ઉપરનાં સમગ્ર માર્ગદર્શન કાળ દરમિયાન આપે હંમેશા દુશ્મન પહોંચે એ પહેલાં દુશ્મનની દુખતી નસ ઓળખીને એને કેવી રીતે દબાવવી એના અનેકાનેક રસ્તાઓ દર્શાવ્યા છે એનું અધ્યયન કરીને દુશ્મન મને વિવશ કરે તે પહેલાં એને વિવશ કરવાનું શીખીશ. દુશ્મનના સૌથી મજબૂત યોદ્ધાને કેવી રીતે નિર્બળ કરવો એવાં નાનામાં નાના ઉપાયો કેવી રીતે શોધવા તથા એ ઉપાયોને કેવી રીતે સફળ બનાવવા એનું ઉત્તમ નિદર્શન કરી બતાવ્યું છે હું એ ઉપાયોને સમજવાનો પ્રયત્ન કરીશ અને દુશ્મનને નબળો બનાવવાની પ્રક્રિયામાં નિપૂણ બનવા આગળ વધીશ.
હે ભગવાન જગન્નાથજી, જે કંઈ પણ બન્યું છે એ આપે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવ્યા મુજબ સારા માટે જ બન્યું છે તેથી આવેલા પરિણામમાં સારું શું છે એ તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરીશ તથા આજે મારી અપેક્ષા મુજબ ફળ નથી પ્રાપ્ત થયું ત્યારે આપનાં સંદેશ મુજબ એની સંપૂર્ણ જવાબદારી મારી જ છે એવું નમ્રતાથી સ્વીકારીને ભવિષ્યમાં મને ગમતું પરિણામ મેળવવા માટે આજે આવેલા પરિણામ પરથી શીખીને નવેસરથી તૈયાર થઈશ.
હે ભગવાન જગન્નાથજી, હું આપનો ભક્ત છું તેથી ડરવાનું કોઈ કારણ નથી, શ્રીમદ્ ભગવદ્ગીતા માં આપે છઠ્ઠા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહ્યા મુજબ
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा।।
મારાં આહાર, વિહાર તથા વર્તનમાં આપની ઈચ્છા મુજબ પરિવર્તન લાવીને વિજયી બનવાનો પ્રયત્ન શરૂ કરીશ.
આ ઉપરાંત હે ભગવાન જગન્નાથજી, આપનાં મુખારવિંદથી વહેલી પવિત્ર માર્ગદર્શન ગંગાજી એવી શ્રીમદ્ ભગવદ્ગીતા નું આચમન દૂર બેઠા બેઠા કરતાં સંજયને પણ જે સમજાઈ ગયું હતું અને શ્રીમદ્ ભગવદ્ગીતા ના અઢારમા અધ્યાયનાં 78 મા શ્લોકમાં કહ્યું તે જો મારે ધર્મયુદ્ધ અર્જુન થઈને લડવું હોય તો હંમેશા મનમાં રટણ કરતા રહેવું જોઈએ કે,
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।।
જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ શ્રી, વિજય, વિભૂતિ તથા નીતિ છે.
તેથી હે ભગવાન જગન્નાથજી, મારાં નગરમાં આપની રથયાત્રા આ વર્ષે નથી નીકળી શકી એ આપની જ ઈચ્છા છે એવું સમજીને આવનારા વર્ષોમાં આપની રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નગરમાં નીકળે એવા પ્રયત્નો કરવા લાગી જઈશ. ફરીથી વર્ષોથી ચાલી આવતી મારાં વૈશ્વિક સનાતન પરંપરા ના સ્યમંતક મણિ રૂપ રથયાત્રાને રોકવા ફરીથી કોઈ પ્રયત્ન ન થાય એ માટે આપે બારમા અધ્યાયમાં ભક્તનાં લક્ષણો જણાવતાં 16 મા શ્લોકમાં કહ્યું છે તેમ,
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः।।
અપેક્ષારહિત, દક્ષ, સચેત, જેની વ્યથા ગઈ છે, બધા જ આરંભનો ત્યાગ કરી ને આપને ગમતો ભક્ત બનીને આગળ આવીશ.
#ન_જાત_ન_પાત_જય_જગન્નાથ
#રથયાત્રા2020