સાબરકાંઠાના ૫૨૯૬૧ ભૂલકાઓને સુખડીનું વિતરણ કરાયું.

જિલ્લાની ૧૯૨૨ આંગણવાડી બાળકોનો ઘરે-ઘરે પુરક આહાર અપાય છે
કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત સરકારનું પોષણ અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે.
સમગ્ર રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને લઇ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એ સમયગાળા દરમિયાન નાના ભૂલકાઓની ચિંતા કરી આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બચત થયેલા અનાજ-તેલના જથ્થાનો ઉપયોગ કરી આંગણવાડી કેન્દ્રના ૩ થી ૬ વર્ષના બાળકોને સાપ્તાહિક સુખડી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાની ૧૯૨૨ આંગણવાડીના ૫૨,૯૬૧ બાળકોને સુખડીનું વિતરણ કરવામા આવી રહ્યું છે. આંગણવાડીની બહેનો દ્રારા આંગણવાડીમાં જ સુખડી બનાવવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના પ્રભાવને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ૧૯૨૨ આંગણવાડી કેન્દ્રોને નાના ભૂલકાઓના આરોગ્યની તકેદારી માટે બંધ કરવામાં આવ્યા, આ સમયે બાળકોને ગરમ નાસ્તોના અવેજીમાં ઘરે રાંધવા માટે બાલશક્તિ પેકૅટ આપવામાં આવ્યા હતા. આ સાથે બાળકોને પુરક પોષણ જળવાઇ રહે તે માટે પૌષ્ટીક આહાર તરીકે આંગણવાડીની બહેનો દ્રારા બનાવાયેલી સુખડી બાળક દિઠ સપ્તાહમાં એક વાર એક કિલોગ્રામ ઘરે-ઘરે વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
જેમાં હિંમતનગરના ૯,૬૦૭, પ્રાંતિજના ૫,૫૦૮, તલોદના ૫,૬૬૮, ઇડરના ૭,૯૦૪, વડાલીના ૨૯૬૬, ખેડબ્રહ્માના ૮૮૦૯, પોશીના ૭૩૭૧ અને વિજયનગરના ૫,૧૨૮ મળી જિલ્લાના કુલ ૫૨,૯૬૧ ભૂલકાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાના કપરા સમયમાં પણ ગુજરાત સરકારનું પોષણ અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે.