*દયા મેં દેવની માંગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી*
*ધરા વાળા ધરા માટે, ગગન વાળા ગગન માટે*
*શયદા*
શયદા સાહેબનો આ શેર મને ખૂબ જ ગમતો શેર છે..અને હાલની પરિસ્થિતિમાં મને એટલા માટે ફરી ફરી યાદ આવે છે કે…ઈશ્વર મદદ નહીં જ કરે એવું નથી માનતો..પણ એ પહેલાં માણસે માણસની મદદ કરવી અને લેવી જ પડશે..
અહીં મદદનો અર્થ માત્ર આર્થિક રીતે કોઈને મદદ કરવી એટલું જ નથી..એ તો જે, જેટલી કરી શકે છે એટલી કરે છે અને કરશે જ..
પરંતુ બધા માટે એ શક્ય નથી પણ..
અત્યારે બધી બાજુથી આવતી મુશ્કેલીઓથી મોટા ભાગનાં માણસો માનસિક રીતે પડી ભાંગ્યા છે..એ હકીકત છે..એમાં હું અને તમે પણ આવી જઈએ કદાચ…
ઘટનાઓ પણ એવી જ બની રહી છે અને સાથે સાથે નકારાત્મકતા બધે જ ફેલાઈ રહી છે..ઘણે અંશે મિડીયા પણ આ કામ કરી રહ્યું છે..અને નિયમિત આપડેટ માટે એ માધ્યમને અવગણીને જીવવું પણ શક્ય નથી જ..
તો આવી પરિસ્થિતિમાં આપણે એકબીજાને હુફ આપવાની છે.. નકારાત્મકતાથી દૂર રહેવાની સમજ કેળવવી જ પડશે..સમાચાર જરૂર પૂરતા જ જોવા..અને એમાથી હકારાત્મક બાબતોને ગ્રહણ કરવી..સાવધાની અંગેની બાબતો જાણવી બસ..
અને આપણી આસપાસ કે મિત્રો સંબંધીઓમાં કોઈ પણ સંપર્કમાં હોય અને નકારાત્મક બાબતોથી ઘેરાયેલા હોય તો એમાંથી બહાર લાવીએ.. એમનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરીએ..આટલું તો આપણે કરી જ શકીએ.. આપણે એકબીજાને માનસિક રીતે સાથ સહકાર અને હુફ આપીને આ બધી મુશ્કેલી સામે લડી શકીશું અને લડવું જ પડશે..અને એમાંથી ઝડપથી બહાર આવી જઈશું..કેમ કે આપણું કે બીજા કોઈનું પણ હોય જીવનથી અગત્યનું બીજું કંઈ જ નથી..
અંતમાં.. બે શેર
*તમે માનો છો જેવું સાવ એવું પણ નથી હોતું*
*ન આવે અંત જેનો, ક્યાંય એવું રણ નથી હોતું*
*સંદીપ પૂજારા*
*સુખ ગયું’તું એજ રીતે દુ:ખ રવાના થઈ જશે*
*આપણા દિવસો ફરી પાછા મજાના થઈ જશે*
*કિરણસિંહ ચૌહાણ*