દવા – સેનીટાઇઝરની ગુણવત્તા સાથે બાંધછોડ કરનાર ઉત્પાદકો સામે રાજ્ય સરકારની સ્પેશીયલ ડ્રાઇવ.

• આજરોજ તા.૧૦/૦૬/૨૦૨૦ના મીડીયામાં સમાચાર ધ્યાને આવેલ છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોરોનાના કપરા કાળમાં ફક્ત ૧૨૩ જ સેમ્પલ લેવામાં આવ્યા તથા ૮૦ સેનીટાઇઝરના સેમ્પલ નાપાસ થયા આ બાબતે સ્પષ્ટત કરવાની કે xlnindia ના પોર્ટલ ઉપર GJ123 એ વડોદરા પ્રયોગશાળાનો કોડ નંબર છે નહી કે સેમ્પલની સંખ્યા અને જ્યારે GJ80 તે ગુજરાત રાજ્યના ઉત્પાદકોનો વેબસાઇટમાં કોડ દર્શાવેલ છે નહી કે સેનીટાઇઝરના નમુના. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વાર્ષિક ૧૨ હજાર થી ૧૫ હજાર જેટલા સેમ્પલ લેવામાં આવે છે તથા જાન્યુઆરી ૨૦૨૦ થી મે-૨૦૨૦ સુધીમાં ૬૦૦૦ જેટલા સેમ્પલ પૃથ્થક્કરણ માટે લેવામાં આવેલ છે.
• હાલની આ કોવિડ-૧૯ પરીસ્થીતી દરમ્યાન હેન્ડ સેનીટાઇઝરની માંગ તથા વપરાશમાં ખુબ મોટો વધારો થયેલ હોવાથી તેની ક્વોલીટીમાં કોઇ ચેડા ના કરે કે બનાવટી અથવા નકલી હેન્‍ડ સેનીટાઝર બઝારમાં ના પ્રવેશે તે અંગેની સતર્કતાના ભાગરૂપે માહે માર્ચ-એપ્રિલ-મે-૨૦૨૦ દરમ્યાન કુલ ૩૬૨ હેન્‍ડ સેનીટાઇઝરના નમુના લઈને પ્રયોગશાળામાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવેલ છે જેનું હાલમાં પૃથ્થક્કરણ ચાલુ છે તથા ૧૪ નમુના અપ્રમાણસર જાહેર થતાં તેની માહીતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે.
• આ ફેઇલ થયેલ ૧૪ નમુનાઓ પૈકી ૧૩ નમુના મે. નિરવ હેલ્થકેર દ્વારા ઉત્પાદીત છે અને ૧ નમુનો મે. રાજ કોસ્મેટીક દ્વારા ઉત્પાદીત છે.
• જે નમુનાઓ અપ્રમાણસર થયેલ છે તેમાં ઇથાઇલ આલ્કોહોલની ટકાવારી તેનાં લેબલ ક્લેઈમ કરતાં ઓછી જણાયેલ છે આથી સદર હેન્‍ડ સેનીટાઇઝરનો વપરાશ GMSCL દ્વારા તાત્કાલીક બંધ કરાવવામાં આવેલ છે તથા સપ્લાયર સામે GMSCL દ્વારા ટેન્ડરની જોગવાઇ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે તથા અપ્રમાણસર સેનીટાઇઝર અંગે ડ્રગ એક્ટ હેઠળ નિયમો મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
• આમ રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગ લોકોને ગુણવત્તા યુક્ત દવાઓ, સેનીટાઇઝર વગેરે મળી રહે તે માટે કટીબધ્ધ છે તથા લોકોના આરોગ્ય સાથે બાંધછોડ કરી અપ્રમાણસર દવા કે સેનીટાઇઝર સપ્લાય કરતાં સપ્લાયરો / ઉત્પાદકો સામે નિયમો મુજબ સખ્ત પગલા ભરવામાં આવે છે.
• ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વેબસાઇટ ઉપર જે xlnindia સોફ્ટવેર બાબતે સમાચારમાં ઉલ્લેખ છે તે સોફ્ટવેર વર્ષ ૨૦૧૧માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે. જેની ઉપયોગીતા ધ્યાને લઈ ભારત સરકારે વર્ષ ૨૦૧૨-૧૩નો નેશનલ ઇ-ગવર્નન્સ ગોલ્ડ એવોર્ડ એનાયત કરેલ છે તથા આ ગુજરાત મોડલને દેશના ૧૯ રાજ્યો ઉપયોગ કરી રહ્યા છે.