સુરત ઉધનામાં બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિક્મની હત્યા બાદ તેની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું

સુરત ઉધનામાં બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિક્મની હત્યા બાદ તેની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. પોલીસે અંતિમયાત્રામાં જોડાયેલાં 400 થી વધારે લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારે અંતિમ યાત્રામાં માત્ર 50 વ્યકતિઓને જોડાવા પરવાનગી આપી છે. આપના સ્ક્રીન પર આપ જે અંતિમ યાત્રા જોઇ રહયાં છો તે જોઇ આપને લાગતું હશે કે કોઇ નેતા અથવા પ્રતિષ્ઠિત વ્યકતિનું મોત થયું હશે. પણ તમારી ધારણા ખોટી છે. આ સ્મશાન યાત્રા ઉઘનાના કુખ્યાત બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિકમની છે. બુટલેગર કાલુની તાજેતરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.

કાલુની અંતિમયાત્રામાં માનવ મહેરામણ કેમ જોડાયું તે જાણવા તેના ભુતકાળ પર નજર નાંખવી પડશે. કાલુ ઉર્ફ શંકર નામદેવ નિકમ વર્ષો પહેલા ઉઘનાના ભીમનગર વસાહતમાં રહેતો હતો. દારૂના વેચાણમાંથી થતી કમાણીમાંથી તે ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને છુટ્ટા હાથે મદદ કરતો હતો. કાલુની હત્યા બાદ તેના મૃતદેહને મહાદેવ નગરમાં લાવવામાં આવ્યો હતો. તેની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડયો હતો.

કાલુની હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કિરણ ઉર્ફે માયા ઉર્ફે ગટલ્યા અશોક ઠાકરે, ગુરમુખસીંગ ક્રીપાલસીંગ સરદાર, તથા સન્ની ઉર્ફે કિશન ઉર્ફે સોન્યા બાપુરતન પાટીલ, અક્ષય રવિન્દ્ર પાટીલ, અને રાકેશ ઉર્ફે રાકીયા દાદાભાઇ ભામરેને ક્રાઇમ બ્રાંચે ફુટેજના આધારે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. અંગત અદાવતમાં કાલુને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. બીજી તરફ પોલીસે અંતિમ યાત્રામાં જોડાયેલાં 400થી વધારે લોકો સામે પણ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.
ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ