વી.એસ.હોસ્પિટલનો ઇતિહાસ.

વી.એસ. હોસ્પિટલ કઈ રીતે બની…

શેઠ વાડીલાલ સારાભાઈનાં ૧૧ સંતાનો પૈકી એક પણ જીવ્યું નહી

0000000000000000

વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ એ અમદાવાદ શહેરની ગૌરવપૂર્ણ ઓળખ છે.આ હોસ્પિટલે અનેક લોકોને જીવન બક્ષ્યું છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે, પરંતુ શહેરની પ્રજા આ હોસ્પિટલ જેમના નામે છે એવા શેઠ વાડીલાલ સારાભાઈને અને હોસ્પિટલ ઊભી કરવા પાછળ જેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું તેવા એક અનજાન વ્યક્તિ મનસુખલાલને બહુ ઓછું ઓળખે છે.

વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની વાત પર આવવા માટે કથાની શરૂઆત મેઘરજ (જિ. સાબરકાંઠા)થી કરવી પડે તેમ છે. ઇ.સ. ૧૮૯૧માં મેઘરજમાં દશા ગુર્જર વણિક પરિવારમાં એક બાળકનો જન્મ થયો જેનું નામ મનસુખલાલ.તેમના પિતાનું નામ છગનલાલ દેસાઈ. ઈડરના દીવાન જમનાદાસ પરિવારનું તેઓ ફરજંદ હતા. જમનાદાસ દીવાનના મેઘરજના ડેલામાં દીવાનના દરવાજાને શોભે તેવી દીવાલો હતી. શસ્ત્ર સરંજામ હતો. કોઈક કારણસર જમનાદાસના પુત્ર છગનભાઈને દીવાનપદ મળ્યું નહીં. મેઘરજ છોડી પરિવાર જૂનાગઢ જતું રહ્યું. આર્થિક ગરીબી દૂર રાખવા મનસુખલાલને તેમનાં માસી મુંબઈ લઈ ગયાં. માત્ર ૧૮ વર્ષની વયે મનસુખલાલે શેરબજારમાં ઝંપલાવ્યું. માત્ર ૨૫ વર્ષની વય સુધીમાં તો એટલે કે ૧૯૧૬-૧૭ની સાલમાં તો તેઓ તે જમાનાના લક્ષાધિપતિ થઈ ગયા. માત્ર ૨૫ વર્ષનો યુવાન શેરબજારમાં લક્ષાધિપતિ થઈ ગયો હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. શેરદલાલોએ તેમને ‘બેતાજ બાદશાહ’ની પદવી આપી. તેમનું ઘર પણ હવે જાહોજલાલીવાળું હતું. પહેલાં પત્ની ટૂંકું જીવ્યાં. તે પછી ખાનદાન પરિવારનાં પુત્રી હીરાવંતી સાથે લગ્ન કર્યાં. ૧૯૨૨-૨૬ના ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. મનસુખલાલ પણ ગાંધી અને સરદારના રંગે રંગાયા હતા. મનસુખભાઈએ વિદેશી કાપડની હોળી કરી. ૧૯૨૬માં મુંબઈમાં રમખાણો ફાટી નીકળ્યાં. સારવાર અને હોસ્પિટલના અભાવે ગરીબ ઘાયલ દર્દીઓને મૃત્યુ પામતાં નિહાળ્યાં. ઇ.સ. ૧૯૧૯માં રમણિક નામનો પુત્રરત્ન પ્રાપ્ત થયો, પરંતુ માત્ર છ વર્ષની વયે તેમનો દીકરો ટાઇફોઇડની બીમારીમાં અનેક ઉપાય છતાં મૃત્યુ પામ્યો. પુત્રપ્રેમથી પ્રેરાઈને દીકરાની યાદમાં હજારો રૂપિયા ગુપ્ત દાનમાં આપ્યા. પત્નીને પણ દાનની વિગતો જણાવતા નહીં. સરદાર સાહેબ અને કુ. મણિબહેન પટેલ પણ તેમના જ ઘરે રહેતાં, જમતાં.

અમદાવાદ જતા

શેરબજારના કામે તેઓ અવારનવાર અમદાવાદ આવતા. અમદાવાદના શેરબજારના જૈન વેપારીઓ તેમના મિત્રો હતા. એ સમયે શેઠ વાડીલાલ સારાભાઈ અમદાવાદ શહેરના ધનશ્રેષ્ઠી હતા. તેઓ ચુસ્ત જૈન હતા. વાડીલાલ સારાભાઈ પણ શેરબજારના ધંધા સાથે સંકલાયેલા હતા. ૧૯૧૬-૧૭માં મનસુખલાલને વાડીલાલ સારાભાઈ સાથે પરિચય થયો હતો, પરંતુ ૧૯૨૬-૨૭ના ગાળામાં નાની વયના મનસુખલાલ લક્ષાધિપતિ થઈ ગયાનું વાડીલાલ સારાભાઈએ સાંભળ્યું હતું.

વાડીલાલ સારાભાઈ એક જૈન શ્રેષ્ઠી હતા. ખૂબ વૈભવ હતો, પરંતુ કુદરત કોઈ અજ્ઞાત કારણસર તેમના પર રૂઠેલી હતી. તેમનાં પત્ની ચંપાબહેને (લક્ષ્મીબહેન) એક પછી એક એમ ૧૧ બાળકોને જન્મ આપ્યો હતો અને બધાં જ બાળકો માંડ એક વર્ષ જીવી દેવલોક પામ્યાં હતાં. વાડીલાલ સારાભાઈના જીવનનું આ અસહ્ય દુઃખ હતું. ધર્મપ્રેમી એવા આ માયાળુ દંપતીને સંતાની ખોટ હતી. એ જ સમય દરમિયાન અત્યંત યુવાન એવા મનસુખલાલ મુંબઈથી અમદાવાદ આવ્યા. વાડીલાલ સારાભાઈને લાગ્યું કે, વર્ષોથી ખોવાઈ ગયેલો પુત્ર પાછો મળ્યો છે. વાડીલાલની ઉંમર વધુ હતી. મનસુખલાલને પણ વાડીલાલ પિતાતુલ્ય લાગ્યા. આ લાગણી સ્વયંસ્ફુરિત હતી.

ધનની વાપરવાની બાબતમાં વાડીલાલ કરકસરિયા અને ગણતરીબાજ હતા. લક્ષ્મીને તેમણે પટારામાં પૂરી રાખ્યાં હતાં. મનસુખલાલ લક્ષ્મીજીને સદ્કાર્યમાં વાપરવામાં માનતા હતા. તેમણે ધીમેધીમે વાડીલાલને દાનધર્મ તરફ પ્રેર્યા.

મનસુખભાઈને પહેલેથી જ ગરીબ હિંદુઓ પ્રત્યે હમદર્દી હતી. પિતાના અવસાન પછી જૂનાગઢમાં ગરીબીના દિવસો તેઓ ભૂલ્યા નહોતા. તેમણે વાડીલાલ સારાભાઈને મધ્યમ વર્ગના હિંદુઓ માટે પંચગિનીમાં સેનેટોરિયમ બાંધવા સમજાવ્યા. પૈસાદારોના તો મહાબળેશ્વરમાં બંગલા હતા, પરંતુ મધ્યમ વર્ગના ટી.બી.થી પીડાતા દર્દીઓ ક્યાં જાય? આવી સમજાવટ બાદ વાડીલાલ સારાભાઈએ પંચગિનીમાં સેનેટોરિયમ બાંધવા માટે એ ૧૯૨૬ના ગાળામાં રૂ. ૮૦ હજારનું દાન કર્યું. પંચગિનીનું વા. સા. સેનેટોરિયમ ૧૯૨૬ના મે મહિનામાં તૈયાર થયું અને એ જ વર્ષમાં વાડીલાલ સારાભાઈનું પણ અવસાન થયું. આ સેનેટોરિયમ મનસુખલાલે પોતાની દેખરેખ હેઠળ બંધાવ્યું હતું.

વાડીલાલનું વીલ

ઇ.સ. ૧૯૨૭-૨૮નો ગાળો હતો. મૃત્યુ પહેલાં વાડીલાલ સારાભાઈએ પોતાનું વસિયતનામું બનાવી રાખ્યું હતું. તેમાં તેમણે મનસુખલાલને વિલના મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યા હતા. તે વખતે મનસુખલાલની ઉંમર માત્ર ૩૨ વર્ષની હતી. વાડીલાલ સારાભાઈને મનસુખલાલની વ્યવહારુ બુદ્ધિ અને ગ્ષ્ટિમાં અપાર શ્રદ્ધા હતી. વીલના બીજા ટ્રસ્ટીઓમાં ચંપાબહેન (લક્ષ્મીબહેન), વાડીલાલના નાના ભાઈ જેસિંગભાઈ તથા એમની બહેનના દીકરા મણિલાલ ઝવેરી હતા. વીલની શરત પ્રમાણે એક ભાગ ચંપાબહેન (લક્ષ્મીબહેન)ના નિર્વાહ માટે રાખવો. એક ભાગ એમના નિકટના સ્વજનમાં વહેંચવો અને બાકીની તમામ મિલકત ધર્માદામાં વાપરવી તેમ લખ્યું હતું અને તે ધર્માદાની રકમ પણ આરોગ્ય અને શિક્ષણાર્થે વાપરવાની હતી.આ વસિયતનામાના અમલની મોટી જવાબદારી મનસુખલાલના માથે આવી. રકમનો ક્યાં ઉપયોગ કરવો તે માટે તેમણે વિચારવા માંડયું. અચાનક તેમને ઉત્તમ વિચાર આવ્યા. અમદાવાદ શહેરમાં સારી સુવિધા ધરાવતી કોઈ હોસ્પિટલ હતી જ નહીં. મોટી બીમારી આવે તો અમદાવાદના લોકોએ ઇલાજ માટે મુંબઈ જવું પડતું હતું. શહેરના શ્રીમંતો તો મુંબઈ જતા, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો નાઇલાજ બની જતા.

મનસુખલાલે અમદાવાદ શહેરમાં એક સારી હોસ્પિટલ બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ચર્ચા કરી. સરદાર સાહેબ એ અગાઉ વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટી સાથે સંકળાયેલા હતા. સરદાર સાહેબને અમદાવાદમાં હોસ્પિટલ બનાવવાનો વિચાર પસંદ પડયો. સરદાર સાહેબે સરકારી વર્ગ પર પોતાની વગ વાપરી. હોસ્પિટલ બાંધવા માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસેથી પ્રિતમનગર પાસે વિશાળ જમીન ૯૯૯ વર્ષના પટ્ટા પર અપાવી. મનસુખભાઈએ વાડીલાલ સારાભાઈ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમદાવાદ મ્યુનિસિપાલિટી સાથે તા. ૨૭-૭-૧૯૨૯ના રોજ કરાર ખત પર દસ્તખત કર્યા અને એ રીતે વા. સા. હોસ્પિટલ માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ.

સરદાર સાહેબના જ આગ્રહથી એ જ સંકુલમાં અમદાવાદના ચિનાઈ શેઠે ચિનાઈ મેટરનિટી હોમ બાંધવા સખાવત કરી. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ ગયું. જ્ઞાતિ કે ધર્મના કોઈ પણ ભેદભાવ વિના એક વિશાળ હોસ્પિટલ બાંધવાનું સ્વપ્ન સાકાર બન્યું. દાન વાડીલાલ સારાભાઈના પરિવારનું હતું, પરંતુ મનસુખલાલે વીલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી સરસ રીતે નિભાવી. હોસ્પિટલની ઇમારત ઊભી થઈ ત્યારે તેમને આત્મસંતોષ હતો,

મેઘરજથી જૂનાગઢ અને જૂનાગઢથી મુંબઈ સુધીની સફર કરનાર મનસુખલાલ છગનલાલ દેસાઈએ વાડીલાલ સારાભાઈના સગાં પુત્ર નહોતા છતાં એક દીકરાની જેમ જ જવાબદારી નિભાવી. વા. સા. હોસ્પિટલ ઊભી કરી દીધી. ઇ.સ. ૧૯૩૦ના રોજ વા. સા. હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ મનસુખલાલે પોતાના હસ્તે કર્યું હતું. એ એમના જીવનનું અંતિમ કાર્ય હતું. અલબત્ત, હોસ્પિટલ સંપૂર્ણપણે તૈયાર થાય. તે પહેલાં જ મનસુખલાલનું પણ અચાનક અવસાન થયું. આજે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ એક વટવૃક્ષ બની છે. રોજ સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ અહીં સારવાર લે છે. આ હોસ્પિટલ અમદાવાદ શહેરનું ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે, પરંતુ તેની પાછળ વાડીલાલ સારાભાઈ પરિવાર, સરદાર સાહેબ અને વા. સા. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. મનસુખલાલ દેસાઈ જેવા મહાનુભાવોનો ફાળો છે. અમદાવાદની આવડી મોટી હોસ્પિટલ કે જે એક વટવૃક્ષ છે તેનાં બીજ કોણે વાવ્યાં તેમને અમદાવાદ પહેચાનતું જ નથી, કારણ કે ખુદ મનસુખલાલ દેસાઈને ગુમનામ રહેવામાં જ આત્મસંતોષ હતો.

મનસુખલાલનાં પુત્રી સ્નેહલતા એન્જિનિયરે ‘ધ્રુવતારક’ પુસ્તક દ્વારા પિતાને સુંદર અંજલિ અર્પણ કરી છે.

સોર્સ. વાઇરલ.