સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ માર્ગે જોડતા કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટની પ્રગતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી.

32 ગામોની જે જમીન સંપાદન કરવાની થાય છે તેની કાર્યવાહી રાજ્ય સરકારે પૂર્ણ કરી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેકટ અને ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પરિસરમાં નિર્માણાધિન હોટેલ પ્રોજેકટના કાર્યોની તલસ્પર્શી સમીક્ષા કરી છે .
વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલ્વે માર્ગે પહોચવા વડોદરાથી કેવડીયા રેલ્વે લાઇન અને કેવડીયા ખાતે મોડેલ રેલ્વે સ્ટેશનની કામગીરીની પ્રગતિ અંગે મુખ્યમંત્રીએ વિસ્તૃત જાણકારી મેળવી હતી
.
આ રેલ્વે લાઇન પ્રોજેકટ માટે વડોદરા જિલ્લાના 14 અને નર્મદાના 18 મળી 32 ગામોની જે જમીન સંપાદન કરવાની થાય છે તેની કાર્યવાહી રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. મુખ્યમંત્રીએ હવે, રેલ્વે લાઇન રૂપાંતરણ તેમજ કેવડીયા રેલ્વે સ્ટેશનની બાંધકામ પ્રવૃત્તિ, પ્લેટફોર્મ સહિતની અન્ય સુવિધાઓ નિર્માણમાં રેલ્વે તંત્રને વધુ વેગ લાવી આ સમગ્ર પ્રોજેકટ નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ વડોદરા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને વડોદરા રેલ્વે ડીવીઝનલ મેનેજર તથા મેટ્રોરેલ પ્રોજેકટના એસ. એસ. રાઠૌર ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા