એક મૂડમાંથી બીજા મૂડમાં લઈ જવાનું કામ પણ અગ્નિ કરી દે છે. ઓગણપચાસ અગ્નિ છે, પણ એક નવો અગ્નિ માનવજાત માટે મહત્વનો આવ્યો. આ પચાસમા અગ્નિની વાત કાલે. – દેવલ શાસ્ત્રી.

વિશ્વનું સૌથી જૂનું, વૈજ્ઞાનિક અને પવિત્ર સાહિત્ય એટલે વેદ. ઋગ્વેદમાં અગ્નિ, સૂર્ય, ઇન્દ્ર,પૃથ્વી, વાયુ,સોમ, વિષ્ણુ, રુદ્ર, અશ્વિનીકુમાર, વરુણ સહિત મુખ્ય તેત્રીસ દેવી દેવતાઓની સ્તુતિ લખવામાં આવી છે. મહામૃત્યુંજય તેમજ ગાયત્રી મંત્ર વેદની પ્રસાદી છે.
વેદનો પ્રારંભ અગ્નિથી થયો છે, અગ્નિમિત્રે…. સૌથી પહેલી પ્રાર્થના જ અગ્નિની કરવામાં આવી છે. અગ્નિને મનુષ્ય અને દેવો વચ્ચેની કડી માનવામાં આવ્યા છે. જે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે, એ જે તે દેવ સુધી અગ્નિ પહોંચાડે છે. આહુતિ માટે પણ નિશ્ચિત ઘટકો છે, જે મનમાં આવે તેના વડે આહુતિ આપવામાં આવતી નથી. ઘી, તલ, જવ,દૂધ જેવા તત્વો જ આહુતિ માટે હોય છે. યજ્ઞમાં અગ્નિની જ્વાળાઓને બદલે ખાલી ધૂમાળો હોય તો તે પવિત્ર ગણાતો નથી. અગ્નિનો રંગ સોનેરી ગણવામાં આવ્યો છે અને સાત પ્રકારની જ્યોતનો ઉલ્લેખ વેદોમાં કરવામાં આવ્યો છે.
ઘરમાં દીવો કરવામાં આવે છે, એ અગ્નિ આપણી પ્રાર્થના ઇષ્ટદેવને પહોંચાડે છે. યજ્ઞમાં સ્વાહા કહીને આહુતિ આપવામાં આવે છે, તેમના પત્નીને સાક્ષી બનાવવામાં આવ્યા છે. પુરાણો મુજબ જાતવેદ નામનો અગ્નિને ભાઇ હતો, જે યજ્ઞ સામગ્રી ભેગી કરતો. અગ્નિના ભાઇની દાનવોએ હત્યા કરતાં અગ્નિ ખૂબ નારાજ પણ થયા હતા.
અગ્નિને બે માથા હોવાનું માનવામાં આવે છે. એક માથું અમરત્વ સૂચવે છે, એટલે કે તે દેવ છે. બીજું માથું જીવનનું પ્રતીક છે, જે પૃથ્વી પર વસતા જીવોને પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. બે માથા સવાર અને સાંજનું પ્રતીક પણ માનવામાં આવે છે, જે માનવજીવનનો ભાગ છે. સવાર પડી તો સાંજ પણ આવવાની જ છે… કેટલાક સ્થળ પર ત્રણ માથા પણ દર્શાવ્યા છે.
અગ્નિ આમ તો સ્વર્ગના દેવ ગણાય, તેમની કૃપા એટલી જ કે તે માનવના ઘરમાં પણ વસે છે.
અગ્નિ છે તો આપણું અસ્તિત્વ છે. પાણી અને હવા તો કુદરત જ આપે છે. અગ્નિ સાચવવો પુરાતનકાળમાં મુશ્કેલ કળા હશે. પડોશી પાસે દહીં બનાવવા મેળવણ લેવા જતાં હોઇશું એ જ રીતે અગ્નિ પણ જરૂર પડે લેવા જતાં હોઇશું.
એકબીજાના ઘરોમાં અગ્નિ આપવા લેવાના સંબંધો હશે. અગ્નિ માત્ર ભોજન સિવાય પણ સલામતીથી માંડીને દુશ્મનને મારવા સુધી કામ આવતું હશે.
પાણી તેમજ અનાજનો સંગ્રહ કરવા સાથે અગ્નિને સાચવવા અનેક પ્રકારના પ્રયોગો કરતાં હશે. અગ્નિને ફરીથી પ્રગટાવવા બે પથ્થર ઘસવાથી માંડીને અસંખ્ય પ્રયોગ કરતાં હશે. ચોમાસામાં અગ્નિ હોલવાઇ જાય ત્યારે માણસજાત અગ્નિને બચાવવા જિંદગી દાવ પર લગાવી દેતી હશે.
આ જ કારણે જ્યારે વેદ લખવાનો પ્રારંભ થયો હશે, માણસે વિચારવાનો પ્રારંભ કર્યો હશે ત્યારે તેને તમામ ઇશ્વરો કરતાં પહેલાં અગ્નિ જ યાદ આવ્યા હશે. વેદનો પહેલો જ શ્લોક અગ્નિથી કરતાં અસ્તિત્વનો ખ્યાલ પહેલો કર્યો હશે.
અગ્નિના પણ રાજા ઇન્દ્ર પણ પછીના ક્રમમાં છે. ઇન્દ્ર પાસે પ્રકૃતિના તમામ વિભાગોનો હવાલો છે. આમ છતાં ઇન્દ્ર કરતાં પહેલા અગ્નિની વાત લખવામાં રુગ્વેદ કોઇની સાડા બારી રાખી નથી. અગ્નિના પત્ની એટલે સ્વાહા…સ્વાહા શીવના પહેલાં પત્ની શક્તિના બહેન…..
દક્ષપુત્રીઓ…. એક સમયે અગ્નિ અને શીવ સાળુભાઇ થાય. આપણે વાત કરતાં હતાં અગ્નિની. આ અગ્નિને ત્રણ પુત્રો પાવક, પવમાન અને શુચિ. આ ત્રણે પુત્રોને પંદર પંદર પુત્રો…. આમ કુલ ઓગણપચાસ પ્રકારના અગ્નિનો પરિવાર.
ઓગણપચાસ અગ્નિમાં એ સમયે અલગ અલગ અગ્નિને ઓળખવામાં આવ્યા, જેમાં યજ્ઞનો અગ્નિ અલગ, રસોડામાં અગ્નિ અલગ…લગ્ન પ્રસંગનો અગ્નિ અલગ, તો મંદિરનો અગ્નિ અલગ… અગ્નિસંસ્કાર માટે અગ્નિ અલગ… જંગલમાં લાગતો અગ્નિ અલગ…. કદાચ અગ્નિ સાથે પહેલી વાર માણસજાતને સમજાવવામાં આવ્યું હશે કે માત્ર અગ્નિ જ અલગ નથી પણ દરેક ઘટનાઓ સમયે એક જ માણસમાં અસંખ્ય શેડ્સ હોય છે.
નજીકના વડીલ નિધન પામે અને સવારથી બપોર સુધી દોડાદોડી કરવી પડે. સંબંધીઓને જાણ કરવા, ભેગા કરવાથી માડીને અગ્નિસંસ્કાર કરવા સુધી. સ્મશાનમાં અગ્નિદાહ આપીને આવેલા ઘરના સદસ્યો સ્નાનાદિ વિધિ પતાવે ત્યારે જઠરાગ્નિ જાગતો હોય છે….. એક મૂડમાંથી બીજા મૂડમાં લઈ જવાનું કામ પણ અગ્નિ કરી દે છે……
ઓગણપચાસ અગ્નિ છે, પણ એક નવો અગ્નિ માનવજાત માટે મહત્વનો આવ્યો. આ પચાસમા અગ્નિની વાત કાલે….

Deval Shastri🌹