*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ચાર અંગદાન*
…………..
*ચાર અંગદાન – અંદાજે ૪૨ કલાકની મહેનત – ૧૨ જરૂરિયાતમંદોને નવજીવન*
……………
*અંગદાનના સેવાકાર્યમાં અમદાવાદીઓ અગ્રેસર : ચારમાંથી ત્રણ અંગદાતાઓ અમદાવાદના*
……………..
*૧૧ જુલાઈએ એક જ દિવસમાં બે અંગદાન થયાં : ચાર કિડની, બે લીવર અને બે આંખનું દાન મળ્યું*
………..
*સિવિલ હોસ્પિટલના મેડિકલ રેકર્ડ વિભાગમાં સેવારત ભાવનાબહેનના સ્વજન લીલાબહેન સોલંકી બ્રેઇનડેડ થતાં તરત જ અંગદાન માટે સંમતિ દર્શાવી*
……………………
*ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી*
*******************
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ ફરી એક વખત વેગવંતો બન્યો છે. સિવિલમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ ચાર અંગદાન થયાં છે. આ ત્રણ દિવસમા ચાર બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનના પરિણામે ૧૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. વધુમાં બે આંખોનું પણ દાન મળ્યું છે.
એક બ્રેઇનડેડ અંગદાતાનાં અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયામાં અંદાજિત ૬થી ૮ કલાકનો સમય લાગતો હોય છે. વધુમાં તબીબો દ્વારા જ્યારે વ્યક્તિને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે ત્યારે તેમના સ્વજનના કાઉન્સેલિંગથી લઇ રીટ્રાઇવલને લગતા જરૂરી મેડિકલ ટેસ્ટ અને સંલગ્ન પ્રક્રિયા સમય માંગી લે તેવી છે.
આમ આ ચાર અંગદાનમાં જોઇએ તો અંદાજે ૪૨ કલાકની સતત મહેનત અને ભારે જહેમતના અંતે અને સમગ્ર ટીમની નિષ્ઠાના પરિણામે આ ૧૨ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ ૧૧મી જુલાઇએ થયેલ અંગદાનની વિગતો જોઇએ તો ૧૨૦માં અંગદાનમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા લીલાબહેન સોલંકી ઢળી પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.
લીલાબહેનના ભત્રીજી ભાવનાબહેન સિવિલ હોસ્પિટલના જ મેડિકલ રેકર્ડ વિભાગમાં નોકરી કરે છે. તેઓને જ્યારે તેમના ફોઇ લીલાબહેનના બ્રેઇનડેડ થયાની જાણ થઈ. અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેના મહત્ત્વથી સજાગ ભાવનાબહેનને પરિવારજનોને અંગદાનની સમજ આપી અને તેના માટે પ્રેર્યા. જેનું પરિણામ એ મળ્યું કે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર પરિવારે એકજૂટ થઇને બ્રેઇનડેડ લીલાબહેન સોલંકીના અંગદાન માટેની સંમતિ આપી.
જેના પરિણામે રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.
૧૨૧મા અંગદાનની વિગતોમાં અમદાવાદના કૃષ્ણનગરના બદ્રીકાબેન કાપડિયાને માર્ગ અકસ્માત નડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. જેમના બે કિડની એક લીવર અને આંખોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ છેલ્લા ત્રણ દિવસમાં થયેલ સફળ ચાર અંગદાનની આ સિદ્ધિ સિવિલ હોસ્પિટલની અંગદાનના સેવાકાર્ય સાથે સંકળાયેલી સમગ્ર ટીમને સમર્પિત કરી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ છે.
સિવિલ હોસ્પિટલના તમામ તબીબો બ્રેઇનડેડ અંગદાતાઓના દાનથી જરૂરિયાતમંદને નવજીવન બક્ષવા સંકલ્પબદ્ધ બન્યા છે. જેમાં સિક્યુરિટીકર્મીથી લઇ સિનિયર તબીબો એકજૂટ કાર્યરત બન્યા છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં ૧૦૫ લીવર,૨૧૦ કિડની,૯ સ્વાદુપિંડ,૩૩ હૃદય,૬ હાથ,૨૪ ફેફસા,૨ નાના આંતરડા આમ કુલ ૩૮૯ અંગો અને ૧૦૨ આંખનું દાન મળ્યું.