પધારો મારે આંગણે: ગુજરાતી.

આવો પધારો ગુર્જર વસુંધરા ના આંગણે,
સૌરાષ્ટ્ર ની આન બાન શાન જોવા પધારો મારે આંગણે.

કાઠિયાવાડ ની કંકુ વરણી ભોમકા માં દેવ બિરાજે
સોમનાથ ને દ્વારકાધીશ ના દર્શન કરવા પધારો મારે આંગણે.

ડણકું દેતો ડાલામથ્થો સિંહ ગીર જંગલમાં બિરાજે,
હિરણ કાંઠે હલકારી કરતા હરણા જોવા પધારો મારે આંગણે.

સોરઠની કેશરી ધરામાં આકાશે આંબતો ગિરનાર બિરાજે,
વાદળે વાતું કરતા અંબા, દત્તાત્રેય, ટૂંકે ચઢવા પધારો મારે આંગણે.

શેત્રુજી ડુંગરે મહાવીરના અગણિત દેરાસરો છે,
પાલીતાણા ના પધારે થી પદયાત્રા કરવા પધારો મારે આંગણે.

ચોટીલે ચામુંડા, કચ્છમાં આશાપુરા માત બિરાજે,
ગળધરે, માટેલીયાધરે ખોડિયાર ના દર્શન કરવા પધારો મારે આંગણે.

ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ ને પાવાગઢ ડુંગરે માત બિરાજે,
બહુચરબાળા ને ગબ્બર ગોખે શીશ ઝુકાવા પધારો મારે આંગણે.

મોઢેરા નું સૂર્ય મંદિર ને રાણકી વાવ વિશ્વ વિખ્યાત છે,
પાટણ ના પટોળા પહેરવા બલામ પધારો મારે આંગણે.

અમદાવાદની સિદી સૈયદની ઝાળી નો જોટો ના જડે,
હઠીસિંહના જૈન દેરાસર નગરી જોવા પધારો મારે આંગણે.

વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ સરતાજ છે,
સંસ્કારનગરી નું સુરસાગર તળાવ જોવા પધારો મારે આંગણે.

સૂરત ની મુરત કોહિનૂર હીરા નગરી વાત નિરાળી,
ડાંગનું હિલ સ્ટેશન સાપુતારાની હવા ખાવા પધારો મારે આંગણે.

પોરબંદર બાપુની જન્મ ભૂમિ સુદામાધામ છે,
સુરખાબ ની ફૂલ ગુલાબી તસવીર લેવા પધારો મારે આંગણે.

ઘુડખર ઝાલાવાડ, કાળીયાર વેળાવદર માં છે,
નીલગાય પક્ષીઓની વન્ય સૃષ્ટિ જોવા પધારો મારે આંગણે.

ગોહિલવાડ નું ભાવ ભર્યું ભાવેણું અલબેલું છે,
અલંગ કાંઠે સ્ટીમ્બર ની નાત નીરખવા પધારો મારે આંગણે.

હાલાર ની છોડી કાશી જામનગર માં લખોટા લેક છે,
રાજકોટ ના ગરમા ગરમ ગાંઠિયા ખાવા પધારો મારે આંગણે.

ઊંઝા સિદસર માં ઉમિયા માત બિરાજે,
ખોડલધામ ખમકારીની જ્યોત જોવા પધારો મારે આંગણે.

જલારામ, બજરંગદાસ, નરસિંહ મહેતા ભક્ત છે,
હરીહર ની હાકલ સાંભળવા પધારો મારે આંગણે.

નાગેશ્વર, જડેશ્વર, ઘેલા સોમનાથ તીર્થધામ છે,
છત્રી વાળો તરણેતરીયો મેળો જોવા પધારો મારે આંગણે.

નર્મદા ડેમ ને સરદાર પ્રતિમા આઠમી અજાયબી છે,
મોદીનું વડનગરી તોરણ જોવા પધારો મારે આંગણે.

વિરમગામનું મુનસર તળાવે 365 શિવ મંદિર છે,
તળાવ ફરતે બેનમૂન કલા નીરખવા પધારો મારે આંગણે.

કચ્છી માંડું કી ગાલ કરું મીઠી મધુર ભાષા છે,
કલરફુલ વસ્ત્રો ને ઘરેણાં જોવા પધારો મારે આંગણે.

ગુજરાત કરતે દરિયો ઘૂઘવે અનરાધાર,
સાગર ખેડુ સાથે સહેલગાહ કરવા પધારો મારે આંગણે.

મોહન, મોરારિ, મોદી, મેઘાણી, અમારી શાન છે,
ચન્દ્રકાન્ત, ગુણવંત, તારક ના ઉલ્ટા ચશ્મા પહેરવા પધારો મારે આંગણે.

શાહબુદીન, હેમુ, ભીખુદાન, દિવાળીબેન પર નાઝ છે,
કલાકારો ના કોકિલ કંઠ સાંભળવા પધારો મારે આંગણે.

ઉપેન્દ્ર, અરવિંદ, નરેશ, સ્નેહલતા કલાકાર છે,
રમેશ મહેતા ની રમૂજ જોવા પધારો મારે આંગણે.

રવિશંકર રાવળ ની ચિત્રકળા અદભુત છે,
રમેશ પારેખની અફલાતૂન ગઝલ સાંભળવા પધારો મારે આંગણે.

ગાંધી નામે પાટનગર મારું સાબરમતી નીર છે,
પચરંગી પ્રજા નો પરિચય કરવા પધારો મારે આંગણે.

ગુજરાતી ભાષા ને ગુજરાતી શબ્દો ની સરિતા,
અઝીઝ ની અદભુત કવિતા સાંભળવા પધારો મારે આંગણે.

ભાટી એન અઝીઝ
28/05/2020