બંગાળના જલપાઈગુડીમાં ટ્રેન દુર્ઘટના, બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી; 4થી 5 ડબ્બા ખડી પડ્યા, અનેક લોકોના મોતની આશંકા પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ એક ટ્રેન પાટા પરથી ઉતરી પડી છે. ગુવાહાટી જઈ રહેલી બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે જલપાઈગુડીમાં તેના કેટલાંક ડબ્બા ખડી પડ્યા છે. ઉત્તરી બંગાળમાં કૂચવિહાર અને જલપાઈગુડી વચ્ચે ડોમોહાનીની પાસે માયાનાગોરીમાં તેના 4-5 ડબ્બા ખડી પડ્યા છે. દુર્ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી પરંતુ દુર્ઘટનાની ભયાનકતાને જોતા અનેક લોકો માર્યા ગયા હશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ઘટના સ્થળે બચાવ અભિયાન શરૂ થઈ ગયું છે. ખડી પડેલા ડબ્બામાં મોટી સંખ્યામાં યાત્રિકો ફસાયેલા છે, જેમાં કેટલાંક લોકો ઘાયલ થયા છે.ટ્રેન નંબર 15633 બીકાનેર એક્સપ્રેસ મંગળવારની રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે 5.44 વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી નીકળી હતી જે બપોરે 2 વાગ્યે કિશનગંજ પહોંચી હતી. અને ત્યાંથી ગુવાહાટી માટે રવાના થઈ હતી. ભારતીય રેલવેએ હેલ્પલાઈન નંબર 8134054999 જાહેર કર્યો છે.
#🚆 બંગાળમાં મોટી રેલ દુર્ઘટના