કોરોના સંક્રમણનું મહત્વનું લક્ષણ છે, સુંઘવાની ક્ષમતા ગાયબ થવા લાગે. દેવલ શાસ્ત્રી.

કોરોના સંક્રમણનું મહત્વનું લક્ષણ છે, સુંઘવાની ક્ષમતા ગાયબ થવા લાગે. આ વાત ખાલી કોરોનાને જ લાગુ પડતી નથી, પણ અલ્ઝાઇમર જેવા રોગ માટે પણ લાગુ પડે છે. એક માન્યતા અનુસાર કેટલીક ગંભીર બિમારીઓમાં માણસ સુંઘવાની ક્ષમતા ખોવા લાગે તેમ તે મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે, એવું માનવામાં આવતું. જો કે ગુલાબ કે સંતરા સારી રીતે સુંઘી શક્તો હોય તો તંત્ર હજી કડેધડે છે એવું પણ માનવામાં આવે છે.
આમપણ ગરમીની સિઝનમાં હમેશા સુવાસ ગમતી હોય છે. તમારો શેમ્પૂ હોય કે સોપ, ટેલકમ પાવડર હોય કે કારમાં રાખેલા એર ફ્રેશનર…. દરેકની પોતાની ચોઇસ છે. એક સમયે નવલકથાઓ વાંચવાનો શોખ હતો, નવલકથાઓમાં તો હીરો કે હીરોઇનના પરફ્યુમ પર અશ્વિની ભટ્ટ શૈલીના પ્રકરણો લખાતા.
સુવાસ વાતાવરણ શુદ્ધ કરવા કે માદક કરવા સાથે માનસિક સ્ટ્રેસ દૂર કરવામાં ઉપયોગી રહ્યું છે. વિજ્ઞાન માને છે કે માણસનું મગજ દશ હજારથી દશ લાખ પ્રકારની વાસ કે સુવાસ ઓળખી શકે છે, પણ તેના વિભાગ પાડવા હોય તો પાંચથી દશ વિભાગમાં વહેંચી શકે છે.
વિજ્ઞાનની બીજી તરફ આપણે સુવાસ કે ગંધને કેવી રીતે ઓળખીએ છે? એક કરોડની ખરીદી હોય કે પાંચ લાખની પણ નવી ગાડીની મજા શું છે? ડ્રાઇવ… ના ભાઇ ના… ગાડીમાં બેસતા નવા પણાની આવતી સુવાસ… ગાડીને બે પાંચ વર્ષે પૉલીસ કરવા આપે તો પણ મન પેલી સુવાસ શોધતુ હોય. નવા ફ્રિઝમાં હોય કે નવા ફર્નિચરમાં પણ ડિઝાઇન કરતાં તેની સુવાસ વધુ ગમતી હોય છે.
કોફીની જાહેરાત હોય કે ચા… સ્વરૂપવાન યુવતી પતિને ચા કોફી લઇને જગાડતી બતાવે છે, જાહેરાતમાં હવામાં ઉડતી વરાળ શું દર્શાવે છે? મસ્ત માદક સુવાસ.
ફિલ્મો પણ પ્રેમ દર્શાવવા શું કરે છે? સુહાગરાતના સેટમાં ફૂલોનો ઉપયોગ, લગ્નના મોયરા કે રિશેપ્શનનું સ્ટેજ પણ ફૂલોથી ભરપૂર હોય છે. ફૂલો માત્ર સૌંદર્યનું પ્રતિક નથી, સુવાસ સાથે માદકતા પણ દર્શાવે છે.
તો પછી આપણા વાત્સાયનબાપુ સુવાસના વિજ્ઞાનને છોડે? એમણે તો સુગન્ધની યોજના બનાવીને ગ્રંથોમાં ઉલ્લેખી દીધી. મહાભારત દશ પ્રકારની સુવાસની વાતો કરે છે : ઇષ્ટ, અનિષ્ટ, મધુર, અમ્લ, કટુ, નિર્હારી, સંહત, સ્નિગ્ધ,રુક્ષ અને વિષદ….
આંખોને તૃપ્ત કરવા સૌંદર્ય જોવું જરૂરી છે, તો નાકને તૃપ્ત કરવા સુવાસ માણવી જરૂરી છે. ભોજન પહેલાં તેની સુવાસ માણવા અંગે વિગતે લખાયું છે. સુવાસ માણો, તેનાથી મોં માં પાણી કે લાળ આવશે, જે ભોજન સાથે પેટમાં જશે અને પાચન સારું થશે. પાચન માટે પણ સુવાસ માણવી જરૂરી છે. કોરોના યુગ પહેલાં એટલો સમય જ ક્યાં હતો અને કોરોનાયુગમાં સમય જ સમય છે…
વાત્સાયન છોડો, વાલ્મીકિએ રામાયણમાં લખ્યું છે, સુવાસમાં જ આવેગો છે, પ્રેમની દવા રહેલી છે. અયોધ્યાના તમામ નાગરિકો સુગન્ધનો ઉપયોગ કરતાં હતાં, કદાચ સુવાસથી સર્જાતા પ્રેમ, લાગણી અને સંવેદના જ રામરાજ્યની સક્સેસ ફોર્મ્યુલા હશે.
સનાતન સાહિત્યમાં દેવો, અપ્સરાઓ અને ગંધર્વો પણ સુવાસના કાયલ હતાં, ગંધર્વ શબ્દમાં જ ગંધ ઓગળેલી છે. સુવાસનું મહત્વ ગર્ભધારણથી અંતિમ યાત્રા સુધી લખવામાં આવ્યું છે. આપણી વિધિઓમાં મૃતાત્માને સુવાસ મોકલીએ છીએ. રામાયણમાં વાલી હોય કે દશરથ, બધાના અગ્નિસંસ્કાર વખતે ચંદનનો ભરપૂર ઉપયોગ થયાનો ઉલ્લેખ છે.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સુવાસ કેવી રીતે પેદા કરવી એ પણ જણાવ્યું છે, કદાચ એ યુગમાં પણ ફોગ ચલતા હોગા…. સુવાસિત તત્વોનું માર્કેટ બધા યુગમાં રહ્યું હશે.
બાય ધ વે, વરાહમિહીર, ઓળખ્યા? ગણિતના ઓરિજિનલ સાહેબ… એમણે તો એમના ગ્રંથમા સુગંધ વિશે ગણિત ગણ્યું અને કહી દીધું કે, એક લાખ ચુંમ્મોતેર હજાર સાતસો વીસ (1,74,720) પ્રકારની અલગ અલગ ગંધ હોય છે. યાર, આધુનિક ભારત પણ જે કરી નથી શક્યું એ વરાહમિહીર લખીને ગયાં. તેમણે તો આર્ટિફિશિયલ સ્મેલ વિશે પણ સમજ પાડી હતી….વાંચે કોણ?
ભલું થજો કોરોનાનું કે સમય આપ્યો. બાકી તે યુગમાં સવારમાં દાતણ થતું તેમાં પણ મુખશુદ્ધી સાથે સુવાસિત તત્વો ઉમેરવામાં આવતાં. આજકાલ આપણે જાહેરાતોમાં મસ્ત માનુનીઓને દાંત સાથે મલકાતા જોઈએ છીએ.
સ્નાન પણ સુગંધીદાર પાણી સાથે, જલસા હશે એ યુગમાં. જાહેરાતો વાળાઓએ ગુલાબની પાંખડીઓ સાથે ઉંડા શ્વાસ લેતી અને ઉંડા શ્વાસ લેવા મજબૂર કરતી…સુવાસની કમાલ છે.
સ્નાન પછી પાછા સુગંધીદાર લેપ… સુગંધ સાથે માથામાં નાખવાનું તેલ તો ખરું જ. આ બધું પતે એટલે ભોજન… ભોજન પછી મુખ શુદ્ધ કરવા સુગંધીદાર પાન રાહ જોતું હોય. બાકી હોય તો આખા શહેરમાં સુગંધ સાથે ધૂપ થતાં. સુવાસ તે સમયે માણસના જીવન સાથે જોડાયેલી હતી. જે આપણા ભગવાનના ગોખલામાં અને કારના ડબ્બામાં રહી ગયો. એ જિંદગી જ અલગ હતી, જ્યાં જન્મથી મૃત્યુ સુધી તમામ વિધિઓ સુવાસ વિના શક્ય ન હતી.
બાકી રહી માણસની સૌથી મોટી ખ્વાહિશ, રાત્રિની પથારી. કાલીદાસે છ ઋતુ મુજબ ઋતુસંહારમાં પથારીના વિગતે ઉલ્લેખ કર્યા છે. કઇ સિઝનમાં ક્યું ફૂલ, કેવી રીતે ફૂલની પથારી થાય…પ્રેમ હોય કે વિરહ…બધું સુવાસ સાથે જોડાયેલુ હતું.
સ્વચ્છતા, તાજગી, સ્વસ્થતા, સકારાત્મકતા અને પરિણામ સ્વરૂપ લક્ષ્મી…. સુવાસ વિના શક્ય ન હતાં. જે સુવાસનું સુખ દેવો ભોગવતા હતાં એ સુખ માનવજાતને સૂર્યના માધ્યમથી મળ્યું છે, સુવાસને બધા રસોનો સરવાળો કહેવામાં આવ્યો છે, આપણે બધા મનગમતી સુવાસની મજા માણતા રહીએ, પ્રભુ કોરોનાયુગમાં સુવાસ માણવાની ક્ષમતા ટકાવી રાખે એટલે ભયો ભયો…. તો રાહ કોની જુઓ છો… આજનું લેસન…. પાંચ પચીસ સુવાસ તો માણો….

Deval Shastri🌹