Good Morning…
સરેરાશ ભારતીય સાથે આત્મા સંબંધી ચર્ચા થાય તો ભગવદ્દ ગીતાના એકાદ બે શ્લોકમાં આત્મા સમજાવવા કોશિષ કરી લે. નૈનમ છિદન્તી…આત્મા મરતો નથી, છેદાતો નથી..જેવી સમજથી માંડીને જાતસ્ય હી ધ્રૂવો પર સવારી અટકી જાય છે. મરેલાનો જન્મ નિશ્ચિત અને જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત… ખતમ…
આપણા સનાતન ધર્મમાં આત્મા વિશે પુષ્કળ લખ્યું છે. સૌથી મોટી વિશેષતા તો એ છે કે આત્મા વિષે આપણા મોટાભાગના મૂળભૂત સાહિત્યમાં ખૂબ મતભેદો છે. આત્મા વિશે જેટલી સરળતાથી ભગવદ્દ ગીતાના બે ચાર શ્લોક સમજાવી દઇએ એટલી સરળ વાતો આપણે ત્યાં લખવામાં નથી આવી. દરેક ગ્રંથમાં આત્મા વિષે અલગ અલગ વાતો લખવામાં આવી છે. ખાલી અલગ જ નહીં, પણ વિરોધાભાસથી ભરપૂર….
દુનિયામાં તમામ ધર્મો અને સંસ્કૃતિઓએ આત્મા વિષે ખુબ લખ્યું છે, કારણ કે આત્માને જાણવો અંતિમ સત્ય છે. આત્માને જાણવો એટલે મૃત્યુ સમજવું. જે મૃત્યુ જાણી ગયો એને જીવનમાં તમામ સત્ય તો જાણી લીધા અને બધાંથી પર થઈ જાય.
ચાલો આપણો ધર્મ શું કહે છે, આત્મા વિષે? મૂળ હિન્દુ ધર્મમાં મુખ્ય બે પરંપરા છે. એક વૈદિક પરંપરા અને બીજી જે વેદને નથી માનતી પણ પોતાની આગવી ફિલોસોફીને માને છે. જે વૈદિક પરંપરામાં નથી તેમને વૈદિક પરંપરાવાળા નાસ્તિક પણ માને છે. વૈદિક પરંપરા ન્યાય, સાંખ્ય, વૈશેષિક, યોગ, મિમાંસા અને વેદાંત મહત્વપૂર્ણ દર્શનશાસ્ત્ર છે. વૈદિક પરંપરાના આ દર્શન શાસ્ત્રોમાં પણ આત્મા વિષે વિરોધાભાસી અથવા અલગ છેડા પરની વાતો કહેવામાં આવી છે. ન્યાય અને વૈશેષિક દર્શન શાસ્ત્ર મુજબ, આત્મા અમર છે, એનો જન્મ અને મૃત્યુ થતું નથી. ઈશ્વર અને આત્માનો ઉદભવ સાથે જ થયો છે.
વૈશેષિય દર્શન મુજબ આત્મા વજનદાર અસ્તિત્વ છે, તો ન્યાય દર્શન મુજબ આત્મા સુક્ષ્મ સ્વરૂપ ધરાવે છે. સાંખ્ય દર્શન મુજબ, સ્ત્રી અને પુરુષનો આત્મા અલગ છે. આત્મા પુરુષ છે, પ્રકૃતિથી અલગ છે.
યોગ દર્શન વિજ્ઞાન આધારિત છે, જેમાં આત્મા પર જ સંશય કરવામાં આવ્યો છે. ન્યાય, મીમાંસા વગેરેમાં આત્મા એકસરખો જ રહે છે, એવું કહી શકાય કે આત્માને જ્ઞાનની જરૂર નથી. જ્યારે સાંખ્ય દર્શન તો માને છે કે આત્મા સતત વિકાસ પામે છે.
મીમાંસા દર્શન શાસ્ત્ર વેદવિચાર વ્યક્ત કરે છે અને ધાર્મિક અનુષ્ઠાન પર ભાર મૂકે છે. અનુષ્ઠાન કરવાથી જ્ઞાન વધે છે, જે બ્રહ્માંડ સમજવા મદદરૂપ થાય છે.
અરે થાક્યા નથીને? જેટલું સાહિત્ય એટલી વાતો…દરેક આત્માની ઓળખ અલગ અલગ રીતે આપે છે. ચાર મુખ્ય વેદોથી મુખ્ય સોળ ઉપનિષદ સુધી થતી યાત્રા વાયા વિવિધ સંહિતા તથા આરણ્યક સુધી આત્માની ઓળખ અલગ છે.
હજી તો દ્વૈત અને અદ્વૈત બાકી…અદ્વૈત મુજબ સમગ્ર સૃષ્ટિમાં બ્રહ્મ જ સત્ય છે, આત્માથી તમામ કણકણ બ્રહ્મનો જ ભાગ છે. તો એક જ ઇશ્વર માનતા વર્ગ માટે ઇશ્વર સર્વોચ્ચ છે, પણ આત્મા અલગ અસ્તિત્વ ધરાવે છે. ઈશ્વર અને આત્મા અલગ હોવા છતાં બંને વચ્ચે સંબંધ છે. જે છે તે ઇશ્વરની માયા છે.
જૈન અને બુદ્ધ જેવી શ્રમણ પરંપરા આત્મા વિશે અલગ જ વિચાર ધરાવે છે. જૈન પરંપરામાં આત્મા અમર હોય અને અનિત્ય પણ હોય… બૌદ્ધ તો સ્પષ્ટ માને છે સમગ્ર બ્રહ્માંડ અસ્થાયી છે. આત્મા પણ અજર અમર નથી. બૌદ્ધ પરંપરા તો માને છે કે, પ્રતિક્ષણ વિશ્વ પરિવર્તનશીલ છે. બૌદ્ધ વિચારોમાં શૂન્યનો સ્વીકાર કરતાં આત્મા પણ અંતે શૂન્ય તરફ જ ગતિ છે.
ભારતીય પરંપરા મુજબ અંતિમ સત્ય તો બ્રહ્મ અથવા પરબ્રહ્મને ઓળખવાની વાત છે. મનુષ્ય જીવનમાં આવતા દુઃખમાંથી મુક્તિ મેળવવાનો સરળ માર્ગ આત્માને ઓળખવો અથવા સ્વની અનુભૂતિ કરવી. આ અંતિમ સત્ય શોધવા માટે અનેક માર્ગો દર્શાવ્યા છે.
વિશ્વના તમામ ચિંતનોમાં આત્માના સ્વરુપો માટે મતભેદો છે, એટલા જ આત્માના અસ્તિત્વ માટે પણ છે. પશ્ચિમ કરતાં પૂર્વ સંસ્કૃતિમાં આત્મા પર વધુ ઉંડાઇ જોવા મળે છે, પણ ઉપનિષદ તો આત્માની સાવ નજીક હોય એવું લાગે છે. છેક યમનો ઇન્ટરવ્યૂ પણ ઉપનિષદ લઈ લે છે….
યમને પણ નચિકેતા જેવા પાત્ર દ્વારા જવાબ આપવા મજબૂર કરવામાં આવ્યો છે….ચલો આજ સે થોડા થોડા આત્મા કે બારે મેં સોચે….મળી જાય તો માનવજાતનું કલ્યાણ…બાકી જેટલા સાધુ, યોગી હોય કે ભોગી…બધા પાસે આત્મા ઓળખવાના શોર્ટકટ છે. કોઈ ધ્યાન ધરીને, કોઈ ક્રિયાકાંડ દ્વારા તો કોઈ નોનસ્ટોપ સમાધિમાં જ લઈ જાય છે.
મૂળ વાત એટલી કે આંતરિક શાંતિથી વિશેષ કશું નથી. બે મિનીટ વિચાર વગર બેસવું પણ આપણા માટે અશક્ય છે, પણ તો ય અંતિમ સત્ય તો પરમ શાંતિની શોધ જ છે. ચાલો, આપણે આપણો માર્ગ શોધીએ…
આધુનિક તત્વચિંતક પણ આત્મા વિશે શું માને છે?
“આપણે ભાગ્યે જ એકલા હોઇએ છીએ. આપણે સદાય કોઈ પ્રશ્ન, કોઈ મૂંઝવણ, કોઈ પુસ્તક કે કોઈ વ્યક્તિ સાથે હોઇએ છીએ. જ્યારે કોઈ પાસે નથી હોતું ત્યારે મંતવ્યો, વ્યક્તિઓ કે પુસ્તકોના વિચારોનો ભાર લઇને ફરીએ છીએ. શા માટે મનને ભારે રાખીએ છીએ?… હવે મન પણ આરામ માંગે છે…. મન ખાલી હશે તો આત્મદર્શન થશે…”
– જે કૃષ્ણમૂર્તિ
Deval Shastri🌹