શિક્ષણ જીવનનું પ્રથમ પાનું આધોઇ.
કચ્છની વાગડ ધરામાં શૈક્ષણિક સંકુલો અને સંત આશ્રમોમાં ગુંજતું એક નામ એટલે પ.પૂ.શ્રી ગોપાલાનંદજી વિદ્યામંદિર જ્યાં પ.પૂ.મુકતાનંદજી બાપુના આશીર્વાદથી સમગ્ર કચ્છમાંથી શિક્ષણ અર્થે આવતાં વિદ્યાર્થીઓને સંકુલના આચાર્યશ્રી તેમજ તજજ્ઞ શિક્ષકો દ્વારા ઉત્તમ પ્રકારનું શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.તેમજ દયાબા જાડેજા અને રસ્મિનભાઈ જેઠવા દ્વારા આશ્રમ સંચાલન અને વિદ્યાર્થીઓને રહેવા જમવાની ઉત્તમ સગવડ પુરી પાડવામાં મહત્વનું યોગદાન આપે છે.અને મને પણ આ સંસ્થાના ઉમદા કાર્યમાં સહભાગી થવાનું શ્રેય પ.પૂ.મુકતાનંદજી બાપુના આશીર્વાદ અને એ સમયના આચાર્યશ્રી પ્રેમજીભાઈ.આર.સીતાપરા સાહેબના શ્રેષ્ઠ શિક્ષકોની કોઈ પણ પ્રકારના જાતિવાદ વિના પસંદગી કરવાની એમની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે.
મને બરાબર યાદ છે તા.13.05.2005ના મારા મિત્ર અને બી.એડ કોલેજ બોરસદમા સાથે ભણતાં કિરણબેન ગોસ્વામીએ મને ભુજથી ફોન કરીને કહ્યું હતું કે જયેશ ભચાઉ તાલુકાની ગોપાલાનંદજી વિદ્યામંદિર આધોઇ ખાતે 17.05.2005ના ઉચ્ચતર માધ્યમિક શાળા માટે વૉક ઈન ઇન્ટરવ્યૂ છે તો તું આવજે.પરંતુ ત્યારે મારી પાસે આટલે દૂર જવા માટે રૂપિયા ન્હોતા જે મારા ફુઈબાએ મને એ વખતે 300 રૂપિયા આપીને ત્યાં મોકલ્યો હતો અને તા.16.5.2005ના ગીતામંદિર અમદાવાદથી રાત્રે 1.30 વાગે હું અને મારો મિત્ર સંદીપ સિંગલ લકઝરીમા બેસી સામખીયારી જવા નિકળ્યા હતા અને સવારે 7.00 વાગે સામખીયારી ઉતર્યા.ત્યાર પછી સામખીયારીથી આધોઇના નવ કિલોમીટરની છકડાની આનંદ દાયક મુસાફરી મારા હ્રદયે જીવનના છેલ્લા શ્વાસ સુધી છપાયેલી રહેશે.આધોઇ બાપુના આશ્રમે ઉતર્યા બાદ સીધા અમે સંકુલ તરફ આગળ વધ્યા અને સંકુલની લાંબીમાં એક મોટી ઉંમરના વ્યક્તિ તરફ મારી નજર પડી જેઓ ઇન્ટરવ્યૂ આપવા આવેલા ઉમેદવારોને ખૂબ જ પ્રેમ ભર્યા અવાજે વર્ગમાં બેસવા માટે કહી રહ્યાં હતાં તે હતા સંસ્થાના આચાર્યશ્રી પી.આર.સીતાપરા.સૌ ઉમેદવારોની સાથે હું પણ વર્ગમાં પહોંચી ગયો હતો અને ત્યારબાદ તમામ ઉમેદવારોને ઓફિસમાં વારાફરથી બોલાવી ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને પછી દરેકના પાઠ લેવાયા લગભગ એ વખતે 80 જેટલાં ઉમેદવારો હાજર હતાં જેઓના વર્ગના પાઠ અને ઇન્ટરવ્યૂ પુરા થઈ ગયા હતા અને દૂરથી આવતા તમામ ઉમેદવારોને રોકાવા અને જમવા માટે પણ તેઓ ખૂબ જ આગ્રહ પૂર્વક કહી રહ્યાં હતાં અને મને પણ કહ્યું હતું પરંતુ અમારે અમદાવાદ પહોંચવાનું હોય પરિણામની પુચ્છા કરી તો શ્રી.સાહેબે અમને બે ત્રણ દિવસ પછી આવશે એમ જણાવેલ અને ફોન કરવા પણ કહેલ પછી અમે ત્યાંથી ઘરે જવા રવાના થયા.
મેં અઠવાડિયા બાદ ફોન કરીને સાહેબશ્રીને પુચ્છા કરી તો એમને મને ખુબ જ આનંદ સાથે શિક્ષકની પ્રથમ જોબ પર બીજા જ દિવસથી હાજર થઈ જવા કહ્યું જેથી મારા હર્ષ નો કોઈ પાર ન રહ્યો.અને બીજા જ દિવસે સવારે વહેલો મારા માતા-પિતા અને મારા ફુઈના આશીર્વાદ લઇ ને સંકુલમાં તા.23.06.2005ના હાજર થઈ ગયો.અને મને રહેવા માટે કવાર્ટર પણ આપવામાં આવ્યું જેમાં હું,હિમાંશુ જાદવ,યોયેશ મકવાણા,કૌશિક સોલંકી અને ખીલેશ મારવાડા અમે ચારેય મિત્રો એક જ કવાર્ટરમાં રહયા.હતા.મારે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ઇતિહાસ,મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર ભણાવવાના હતાં.હર્ષ સાથે પહેલાં દિવસે વિદ્યાર્થીઓનું મન જીતી લીધું પરંતુ હું મૂળ ઉત્તર ગુજરાતનો વતની હોવાથી થોડી ભાષા બાબતે તકલીફ પડતી હોય સીતાપરા સાહેબ અને તે વખતે મારા હાલના મિત્ર એવાં ડી.એન.રાવલ,સી.એચ.પટેલ,વી.એસ.શ્રીમાળી,જે.બી.પટેલ,નરેન્દ્ર ચંદ્રલા,અને ભાવિનભાઈ જોષી (જે હાલ આ સંકુલના નિયામક અને આચાર્ય છે.)ના આશ્વાસનથી બધું જ પાર પડી ગયું અને એક જ અઠવાડિયામાં ભાષાના પ્રશ્ન પણ નિરાકરણ થઈ ગયું.ત્યારબાદ ધીરે ધીરે દિવસો વીતતાં ગયા અને આચાર્યશ્રી સીતાપરા સાહેબના માર્ગદર્શનથી ક્યારેય શિક્ષણકાર્યમાં કોઈ જ મુશ્કેલી પડી ન્હોતી.
આધોઇ ગામના જ દીકરી અને જશુભા જાડેજાના બહેન એવાં દયાબા હોસ્ટેલ ભોજનાલય સાંભળતા હતા. જ્યારે અમે જમવા જતાં ત્યારે ખૂબ જ પ્રેમ પૂર્વક રોજ આવકાર આપતાં અને અમારે કોઈપણ મુશ્કેલી હોય તો તેનું નિરાકરણ લાવી દેતા હતા.દયાબા ખૂબ જ પ્રેમાળ,નિખાલસ અને પરોપકારી સ્વભાવના જે અમને હંમેશા માન આપીને સંબીધન કરતાં.રશ્મિનભાઈ જેઠવા ઉમદા વ્યક્તિત્વ અને સંકુલની તમામ વ્યવસ્થા તેઓ સાંભળતા હતા. રશ્મિનભાઈ મિલનસાર સ્વભાવના હોવાથી અમારા બધાં જરૂરી કામો પુરા થઈ જતાં.
સીતાપરા સાહેબ એટલે એક ઉત્તમ પ્રકારનું ઉમદા વ્યક્તિત્વ,આચાર્યશ્રી તરીકેની તેમની સંસ્થા પ્રત્યેની નિષ્ઠા અને શિક્ષકને હંમેશા પોતાના કાર્યમાં બોલાવી શીખવાડવાની તેમની ખેવના હજુય મારા દિલમાં તેમના માટે આદર ભાવ પ્રગટાવે છે કેમ કે એમને શાળા અને ઓફીસના તમામ કર્યો મને ના શીખવ્યા હોત તો સરકારી શાળામાં આટલી સરળતાથી આચાર્ય તરીકે હું કામ ના કરી શકત.શાળા સમય બાદ એક મિત્ર અને વડીલની જેમ હંમેશા મારી સાથે તેઓ વર્ત્યા છે.રોજ સાંજે જમ્યા બાદ મને અને બીજા શિક્ષકોને પોતાની પાસે બેસાડતાં અને પોતે મોટી ઉંમરના વડીલ હોવા છતાં હંમેશા એક મિત્રની જેમ જ વાર્તાવ કરતાં અને ખૂબ પ્રેમભાવ પૂર્વક અલક મલકની,માતા માદેવની વાતું કરતાં ક્યારેક સત્સંગની વાતું હોય તો ક્યારેક મારી પાસે ભજનો પણ ગવડાવતાં,તો ક્યારેક ભૂતની વાતું નીકળે તો અંધશ્રદ્ધા ન રાખવા માટે શીખ આપતાં તો ક્યારેક વિજ્ઞાન અને ટેક્નોલોજીની વાતું કરી વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે આપણે શું શું આપી શકીએ વગેરે જેવી અસંખ્ય વાતું એમની પાસેથી મને શીખવા મળી છે.મારી અંગત વાત વાચક મિત્રો સમક્ષ મૂકી રહ્યો છું એટલા માટે કે લેખક હંમેશા પોતાના જીવનની બધીજ વાતું નિખાલસતા પૂર્વક વાચકો સમક્ષ મૂકે તો જ લખાણનું સાતત્ય જળવાય.2006માં મારી સગાઈ થયેલી અને થોડીક સામાજિક સમસ્યા થતાં સગાઈ તૂટવાના આરા પાર આવીને ઉભી રહેલી એટલે મે વિના સંકોચે સીતાપરા સાહેબને એક મિત્ર અને વડીલની રૂએ વાત કરી અને એમને તરત જ કહ્યું જે.એન.ચિંતા મા કરજો હું કાલે તમારા સાસું-સસરા સાથે વાત કરીશ.(સીતાપરા સાહેબ હંમેશા મને જે.એન.ના નામથી જ બોલાવતાં.)બીજા દીવસે રિશેષમાં મને ઓફીસમાં બોલાવી મારા સાસું સાથે વાત કરી અને એમને ખૂબ જ વિશ્વાસ પૂર્વક મારા વતી ખાત્રી આપી કે તમારી દીકરી અમારા શિક્ષક સાથે ખૂબ જ સુખી થશે એ વાતનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું કદાચ જો સીતાપરા સાહેબે વાત ના કરી હોત તો મારી સગાઈ તૂટી ગઈ હોત.
દિવસો વીતતાં જાય છે બાપુના સંકુલમાં ખૂબ જ ખુશી ખુશીથી મારે ત્રણ વર્ષ પુરા થઈ ગયા હતા અને જુલાઈ 2008માં સરકારી શિક્ષકની નોકરી માટે રોજગાર કચેરીમાંથી કોલલેટર છૂટયા હતાં, મારે સરકારી શિક્ષક માટે પૂરતું મેરીટ હોવા છતાં પત્ર મળ્યો ન હતો એટલે મેં સીતાપરા સાહેબશ્રીને વાત કરી એમણે તરત જ એમનાં મિત્ર એવા જિલ્લા રોજગાર અધિકારી સાહેબને મારી સામે જ ફોન કરીને બધી વાત કરી અને મને બીજા દિવસે તેમને ઓફિસમાં રૂબરૂ મળવા માટે મોકલ્યો ત્યાં જઈ ને સાહેબની ઓળખાણ આપી બધી વાત કરી તો રોજગાર અધિકારી સાહેબશ્રી એ તરતજ તેમનાં ક્લાર્કને બોલાવી મારી વાત કરી અને મને પત્ર ભૂલથી અથવા શરતચૂકથી મોકલવાનો રહી ગયેલ હોય એવી વાત કરી બે દિવસમાં કોલલેટર મળી જશે એવું આશ્વાસન આપી જવા કહ્યું હવે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીની કચેરીમાં પ્રમાણપત્રો બતાવવા માટે ઉપસ્થિત થવામાં બે દિવસની વાર હતી પરંતુ કોલલેટર મળ્યો ના હોવાથી મારો જીવ તાળવે હતો એવાં સંજોગોમાં સીતાપરા સાહેબશ્રી એ હંમેશા એક મિત્ર અને વડીલ અને સ્નેહીજનની જેમ સાંત્વના આપી કે જે.એન.કોલલેટર આવી જશે અને નહીં આવે તો પણ આગળ કાર્યવાહી કરીશું.પરંતુ ઇન્ટરવ્યૂના આગલા દિવસે જ કોલ લેટર મળી ગયો અને હું ઇન્ટરવ્યૂ આપવા ભુજ ડી.એ.ઓ.કચેરીએ ગયો ત્યાં મેરિટમાં બીજો નંબર હોતાં સપ્ટેમ્બર માસની 11 તારીખને ગુરુવારના રોજ ભરતભાઈ પોસ્ટમેન મારો નિમણુંક હુકમ આપી જતાં મારી અને મારા પત્નીની આંખો ખુશીથી છલકાઇ ગઈ હતી,અને હું તારીખ 13.09.2008ને શનિવારના રોજ સરકારી માધ્યમિક શાળા સુવઈ ખાતે મારી ફરજ પર હાજર થઈ ગયો.એ બધું જ માત્રને માત્ર પ.પૂ.શ્રી.મુકતાનંદજી બાપુની મારા પર અસીમ કૃપા અને સીતાપરા સાહેબની બીજાને મદદ કરવાની નિખાલસ ભાવનાને જ આભારી છે.સાથે સાથે સંકુલનો તમામ વહીવટ સાંભળતા દયાબા અને રસ્મિન ભાઈનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળેલ જે હંમેશા યાદ રહેશે.
છેલ્લે બસ,પ.પૂ.મુકતાનંદજી બાપુના અસીમ આશીર્વાદથી દયાબા,રશ્મિનભાઈ અને સંકુલમાં ખુબજ નજીકના મિત્રો,અને સીતાપરા સાહેબની ઉમદા,નિખાલસ,પરોપકારી ભાવના,શ્રેષ્ઠ કર્મ નિષ્ઠ વ્યક્તિ,એક ઉત્તમ આચાર્ય,મિત્ર અને વડીલ અને એક સ્નેહીજન તરીકે જો ન મળ્યા હોત તો એક શિક્ષક તરેકની મારી કલ્પના કરવી મુશ્કેલ હોત.
હરિ ઓમ,જયશ્રી મુકતાનંદજી બાપુ કે જેમનાં આશ્રમમાંથી (પ.પૂ.શ્રી.મુકતાનંદજી બાપુ અમને કે’તા “વૃક્ષો તો બધા ઉગાડશે પણ જે માનવ ઉગાડવાનું કાર્ય કરે એજ સાચા સંત,ગુરુ અને શિક્ષક”.) બીજાને કાંઈક શિક્ષક તરીકે આપવાની ઉત્તમ પ્રેરણા મળી જેનો હું સદા આભારી રહીશ.
લેખક:- શ્રી જયેશ શ્રીમાળી પલિયડ.
મ.શિ. મોડેલ સ્કૂલ સાણંદ.