▪સરકારી કર્મચારીઓ ઉપરના હુમલાની અલગ-અલગ છ ઘટનામાં 22 લોકો સામે ”પાસા” અંતર્ગત થઇ સખ્ત કાર્યવાહી
▪તબ્લીગી જમાતના વધુ ચાર કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવતા રાજ્ય પોલીસ વડા શ્રી ઝા
*******
કોરોના વિરુદ્ધ લડાઈ લડીને લોકોનો જીવ બચાવવાની કામગીરીમાં વ્યસ્ત ”કોરોના યોદ્ધાઓ” – ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ કે અન્ય સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કે ગેરવર્તણુંક જરા પણ સાંખી નહિ લેવાય અને તેમની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તેવું રાજ્ય પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા બેબાકપણે જણાવ્યું હતું.
આ તત્વો સામે ”પાસા” સહિતની કડકમાં કડક કાર્યવાહી કરતા પોલીસ જરા પણ અચકાશે નહિ, તેવું તેમણે ઉમેર્યું હતું.
આ મામલે થયેલી કામગીરીના પ્રમાણ આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાના ત્રણ જુદા-જુદા ગુનામાં અમે આરોપીઓને પકડીને ”પાસા” અંતર્ગત કાર્યવાહી કરી છે.
આ પૈકી રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પોલીસમથકની હદમાં તા. 17 એપ્રિલના રોજ હુમલો કરનારી એક વ્યક્તિને ગતરોજ ”પાસા” હેઠળ પકડી તેને સુરત જેલને હવાલે કરી દેવામાં આવી છે. અન્ય એક કિસ્સામાં સાબરકાંઠાના બાલીસણા ગામે આરોગ્ય કર્મચારી ઉપર હુમલો કરનારી ત્રણ વ્યક્તિઓ પર પ્રાંતિજ પોલીસે કાર્યવાહી કરી તેમને રાજકોટ, સુરત અને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જયારે અરવલ્લી જિલ્લાના બાયડમાં તા. 11 એપ્રિલે પોલીસ ઉપર હુમલો કરનારા 11 લોકો સામે કાર્યવાહી કરીને સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં આ પ્રકારના કુલ છ ગુનાઓમાં 22 આરોપી વિરુદ્ધ ”પાસા” હેઠળ કાર્યવાહી કરીને રાજ્યની વિવિધ જેલોમાં અંદર કરી દેવામાં આવ્યા છે. આ પૈકી ચાર કિસ્સાઓ પોલીસ કર્મચારી,એક કિસ્સો આરોગ્ય કર્મચારી તથા એક કિસ્સો મહેસૂલના કર્મચારી ઉપર કરવામાં આવેલા હુમલાનો છે.
શ્રી ઝાએ લોકડાઉન દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સીગ રાખવાની પુનરુક્તિ કરતા જણાવ્યું હતું કે, અમે ડ્રોન, સીસીટીવી અને પ્રહરી જેવા માધ્યમોથી સોશ્યિલ ડિસ્ટન્સીગનું પાલન થાય અને તેનો ભંગ થતો જણાય તો સતત જરૂરી પગલાં લઈએ છીએ. આ ઉપરાંત, લોકો પાસેથી 100 નંબર ઉપર આવેલી ફરિયાદોને ધ્યાને લઈને પણ અમે અત્યાર સુધીમાં 31 ગુનાઓ નોંધીને જરૂરી કાર્યવાહી કરી છે.
શ્રી ઝાએ તબ્લીગી જમાત વિરુદ્ધ વધુ ચાર ગુનાઓ આજે નોંધ્યા હોવાનું જણાવ્યું હતું. સુરત ગયેલા ભરૂચના 4 તબ્લીગીઓ એમ્બ્યુલન્સમાં પરત ફરતા તેમની અને તેમની મદદગારી કરનારા 2 લોકો વિરુદ્ધ એમ મળીને કુલ 6 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય કિસ્સામાં ભરૂચથી મધ્યપ્રદેશના જાબુઆ ગયેલા અને ભરૂચ પરત આવેલા 4 સામે, ત્રીજી ઘટનામાં ગાંધીનગરથી મહારાષ્ટ્રના ભુસાવળ ગયેલા એક સામે ગઈકાલે અને વધુ એક સામે આજરોજ ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તબ્લીગી ઉપરાંત સુરા જમાતના 19 લોકો સામે પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 164, 147 અને 107 ગુનાઓ નોંધીને ક્રમવાર 197, 167 અને 119 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત 189 ગુનાઓ નોંધીને આજદિન સુધીમાં 335 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
શ્રી ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 317 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7,850 ગુના દાખલ કરીને 16,064 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 83 ગુના નોંધીને 104 લોકોની અટકાયત કરાઈ છે.
આ જ રીતે,સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગતરોજના 19 ગુના સહિત અત્યાર સુધીમાં 421 ગુના દાખલ કરીને 795 આરોપીની અટકાયત કરી છે તેમજ 17 સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ગતરોજ બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) તથા વિડીઓગ્રાફી મારફત અનુક્રમે 60 અને 119 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ANPR દ્વારા આજદિન સુધીમાં 386 અને વીડિયોગ્રાફી દ્વારા 578 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 34 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જયારે આજદિન સુધીમાં 232 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, તા.22/04/2020 થી આજ સુધીના કુલ 2271 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 853 તથા 425 અન્ય ગુનાઓ(રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4,331 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 3,177 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
********