આજે કેટલાંક અખબારોએ અમદાવાદને ભારતના વુહાન તરીકે ઓળખાવ્યું એટલે કેટલાક શહેરીજનો તનાવમાં આવી ગયા. જેમનો સ્વભાવ ચિંતા કરવાનો જ છે તેઓ તો હતાશાની બોર્ડર પણ જતા રહ્યા. તેમને પરિવારજનો પકડીને પાછા મધ્યમાં લાવ્યા.
અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એ વાત હકીકત છે. 19મી એપ્રિલ, 2020ના રોજ વધુ 101 નવા કેસ સાથે શહેરમાં કોરોના પોઝિટિવનો આંકડો 1103એ પહોંચ્યો છે.
ગુજરાત રાજ્યમાં 1743 પોઝિટિવ કેસો છે તેમાં અમદાવાદના 1103 છે. રાજ્યમાં 73 વ્યક્તિનાં કોરાનાને કારણે મૃત્યુ થયાં છે તેમાંથી 32 અમદાવાદનાં છે.
કેમ આવું ? અરે ભાઈ, અમદાવાદ ગુજરાતનું મહાનગર છે. અમદાવાદ એટલે 40 ટકા ગુજરાત.
કોરોના વાયરસ બહારથી આવેલો છે. ગુજરાતીઓને વિદેશ સાથે બે રીતે જબરજસ્ત લેવાદેવા છે. એક તો દરિયાપાર વસતા બે કરોડ ભારતીયોમાં 70 લાખ તો ગુજરાતીઓ છે. તેમની સતત અવરજવર ચાલુ જ હોય છે. આજની અમદાવાદની શરદીનો ચેપ કાલે ન્યુજર્સીને લાગે એટલું સોલિડ અને ઝડપી કોમ્યુનિકેશન થતું હોય છે. સેંકડો ગુજરાતીઓ વિદેશથી ગુજરાતમાં લગભગ અપડાઉન કરતા હોય છે. નારણપુરામાં દાળનો વધાર થાય તેની સુગંધ શિકાગોમાં પહોંચતી હોય છે.
બીજી વાત.. ગુજરાત ઔદ્યોગિક રીતે અવ્વલ રાજ્ય છે. ગુજરાતીઓ વેપારીઓ છે. ચીન સહિત આખી દુનિયા સાથે ગુજરાતીઓ વેપાર કરે છે. ગાંધી રોડ પર લારી લઈને ઊભો રહેતો વેપારી પણ બે-ત્રણ વાર ચીન જઈ આવ્યો હોય છે. ગુજરાતીઓ ચીન સાથે ધરાઈને ધંધો કરે છે. અરે, બેઠકરૂમની ટિપોઈ તૂટી જાય તો વુહાન જનારા ગુજરાતીઓ તમને ચોક્ક્સ મળી આવે. ફાર્માસ્યુટિલ સહિત અનેક ધંધા-કારોબાર એવા છે જેમાં ચીન સાથે ધબકતો સંબંધ છે. ગુજરાતના અનેક વેપારીઓને ભાગીદાર કે ઈવન પત્ની જોડે નહીં બનતું હોય એટલું ચીનના વેપારીઓ જોડે બને છે.
આ વાતનો સાર એટલો જ કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ કંઈ એમને એમ નથી વધતા. ગુજરાત એનઆરઆઈ રાજ્ય છે, વેપારી રાજ્ય છે, ચીન સાથે સતત સંપર્ક રાખતું રાજ્ય છે અને આખી દુનિયા સાથે જોડાયેલું રાજ્ય છે.
આખી દુનિયામાંથી ફેબ્રુઆરીમાં ગુજરાતમાં આવેલા પ્રવાસીઓ જાણે-અજાણે કોરાના લઈને જ આવેલા.
હવે મુખ્ય વાત કરીએ.
અમદાવાદમાં કેસો વધી રહ્યા છે તેનું કારણ જાણીએ તો ચિંતા કરવાને બદલે રાહત થાય.
કોરોના વાયરસની ચેઈન તોડવા માટે જરૂરી છે કે ફટાફટ ટેસ્ટ કરીને પોઝિટિવ વાળાને જુદા પાડો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર સાથે મળીને આ કામ તો કરી રહ્યું છે.
અમદાવાદમાં રહેતા લોકોએ બીજું કશું ના વાંચવું, ટીવી ચેનલો તો ના જ જોવી… માત્ર તમે નિયમિત રીતે શહેરના કમિશનર વિજય નહેરાને સાંભળો. તેઓ શહેરને કોરોનામાંથી બહાર કાઢવા સખત પ્રયાસો કરી રહ્યા છે. તેમની સ્ટેટજી નાનું છોકરું સમજી શકે તેવી સરળ છે.
શક્ય તેટલા વધુ ટેસ્ટ કરો અને પોઝિટિવ શોધી કાઢો.
19મી એપ્રિલ, રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદમાં દિલ્હી કરતા વસતિ મુજબ અઢી ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે મોટી સંખ્યામાં સામેથી કેસો પકડી પાડ્યા છે. જેમાં મોટાભાગના કેસો લક્ષણો વિનાના છે. આ કોરોનાના બોમ્બને સમય રહેતા ડિફ્યુઝ કર્યાં છે. કુલ 1101 કેસમાંથી પેસિવ સર્વેલન્સમાં માત્ર 203 કેસ છે જ્યારે એક્ટિવ સર્વેલન્સના ફિલ્ડમાં સામે ચાલીને 775 જેટલા કેસ પકડ્યા છે. આમ 400નો સરેરાશ ઈન્ફેક્શન રેટ ગણીએ તો અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવી લીધા છે. હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે ત્રીજી મેના રોજ જ્યારે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે દરેક શહેર, જિલ્લા અને રાજ્યમાં કેટલા એક્ટિવ ચેપગ્રસ્ત કેસો સામાન્ય જનતામાં ફરી રહ્યા છે તેના પરથી ફરી ઈન્ફેક્શન રેટ વધશે. ત્રીજી મે, 2020 સુધીમાં સામેથી એક એક કેસ શોધીને સામાન્ય જનતામાંથી દૂર કરવાના છે. જેથી લોકાડાઉન બાદ વધનારા કેસોમાં પણ ઘટાડો કરી શકાશે. હાલના તબક્કે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ વધુ કેસો આવી રહ્યા છે પણ હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે કારણ કે હોટસ્પોટ વિસ્તારમાંથી 90 ટકા શંકાસ્પદોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. હવે આ વિસ્તારોમાં કેસોમાં ઘટાડો જોવા મળશે.
સમજ્યાને મિત્રો…
કેસોનો વધારો એ ચિંતાનો નહીં, રાહતનો વિષય બનવાનો છે.
અને બીજી વાત, અમદાવાદના કોટ વિસ્તારમાં લોકો એકદમ નજીક નજીક રહે છે. ગીચતા ખૂબ છે. ઘરની બાંધણી અને પોળોની રચના જ એવી છે. લોકો એટલાં જોડે જોડે રહેતાં હોય કે એક મીટર તો શું એક ફૂટ દૂર રહેવું પણ શક્ય ના થાય.
આપણે હેરિટેઝ સિટીનો દરજ્જો મેળવીને પોરસાઈએ અને એ જ હેરિટેઝ સિટી કોરાના જેવા વારરસના મુદે આપણા માટે
મૃત્યુનો દરવાજો બની જાય. એક હાથે લઈને બીજા હાથે આપવાનું થાય છે.
હું અમદાવાદમાં રહેતા તમામ મિત્રોને વિનંતી કરું છું કે ધરપત રાખીએ. ઘરમાં જ રહીએ. તંત્રએ બરાબર દિશા પકડી છે. આજે અમદાવાદનું સાંભળતાં જે લોકો અરરરરર કરે છે તેઓ થોડા દિવસ પછી કહેશે કે અમદાવાદે તો કમાલ કરી. કોરોનાની કમર જ તોડી નાખી.
ઘરમાં રહીએ, સલામત રહીએ, તન અને મનથી સ્વસ્થ રહીએ. તંત્રને સાથ આપીએ.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475, અમદાવાદ)