*ગુજરાતમાં કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે, માર્ચ-એપ્રિલ-મે માસની ફી નવેમ્બર સુધી માસિક હપ્તે ભરી શકાશે*
*શાળાઓ 1 જૂન પહેલાં નહીં જ ખૂલે: 16 એપ્રિલથી સત્ર શરૂ કરવું સંભવ જ નથી: મુખ્યમંત્રી રૂપાણીએ ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા*
*કૉલેજ-યુનિવર્સિટીમાં 15 મે સુધી વેકેશન: વાલીઓની અનેક ચિંતાઓ દૂર કરતી રાજ્ય સરકારની જાહેરાત*
કોરોનાને કારણે સર્જાયેલા સંકટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. નિર્ણય મુજબ ગુજરાતની કોઈ જ સ્કૂલ આ વર્ષે ફી વધારી નહીં શકે. આ નિર્ણય ગુજરાતની તમામ ખાનગી સ્કૂલોને પણ લાગુ પડશે, પછી એ ગુજરાત બોર્ડની હોય કે અન્ય બોર્ડની. આ ઉપરાંત એવો નિર્ણય પણ લેવાયો છે કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી ઠેઠ નવેમ્બર સુધી જમા કરાવી શકશે. કોઈ વાલી આ ફી માસિક હપ્તે ભરવા માંગતા હોય તો એ સવલત પણ મળશે.
મુખ્યમંત્રી રૂપાણીએ લીધેલાં નિર્ણય મુજબ રાજ્યની કોઈપણ સ્કૂલ 1 જૂન પહેલા નહીં જ ખુલે. જ્યારે કૉલેજ અને યુનિવર્સિટીમાં 15 મે સુધી વેકેશન રહેશે. ધોરણ 10 અને 12ની પરિક્ષાઓના પેપર ચેકિંગનું કામ 16 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિમાં વાલીઓને આર્થિક સંકડામણ ન થાય એ માટે આ બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.