**થિરક રોજ સવારે પુછે છે, દાદુ કોરોના ગ્યું..* *મારે રમવા જવું છે…! એ કોરોના ને કાઢો ને દાદુ.* *ઈમેજમેકર : શૈલેશ રાવલ* *9825072718*

આમ તો એ હજુ હવે સાડા ત્રણ વર્ષની થશે, આજે વાત કરવી છે એ સૌ થિરકની જે હમણા હમણા જ તાલીમ વર્ગમાં એટલે કે બાલમંદિર, સોરી કેજીમાં ડગલાં માંડતી માંડતી ત્રણ ચાર વર્ષની થઈ છે… દાદાની આંગળી પકડીને મંદિર જતી કે આંગણે ડગલાં પાડતી થઈ છે, મમ્મી પપ્પા સાથે નવી આંખે બહાર ડોકિયું કરતાં શીખે છે, નવા શબ્દો બોલે તો તેનો આનંદ હાથના અવનવા થિરકતા નખરા કરી દર્શાવે છે, બધુ નવું નવું જોવા જાણવા મળે તે જીરવવું અને બીજી પળે પાછું નવું જાણવું, માણવું, એ આવા બાળકોની સહજતા હોય છે. એ પળભર બેસે નહી, સતત ગુજ્યા કરે, કાલી કાલી ભાષામાં જેવું આવડે તેવું, તે સમજાવવા મથામણ કર્યા કરે, સતત મથ્યા કરે.
આવા સૌ નાના નાના ભૂલકાઓ હાલ તો કોરોના પીંજરે ઘરમાં સ્થગિત બન્યા છે. મકાનોમાં માં બાપ સાથે તેમની દુનિયા સાંકડી બની છે. તેમના નિત્યક્રમમાં આવેલો બદલાવ કુટુંબ માટે આકરો, અકળાવનારો બન્યો છે.પળેપળ તેઓ કહે છે કે, મમ્મી, બા બા જવું છે, પપ્પા ફરવા લઈ જા, દાદા મંદિર.., દાદી ફરવા.., વગેરે સંવાદો સૌ પરિવાર સભ્યોને લાચાર બનાવે છે, આજની આ અમારી થિરક તો વોટસએપ પર જઈ, દાદુનો પ્રોફાઈલ ફોટો ખોલી,વોઇસ વિડિયો મેસેજ મૂકી કહે છે, મને તમારી પાસે આવવું છે, મમ્મી સાથે મને ગાડીમાં લેવા માટે આવો. સૌ નવી થીરકો આવી જ સ્માર્ટ છે. તેમને ધીરજથી સમજાવવી પડે છે, માંડ સૌ ભેગા મળીને સમજાવટ કરે, કે બહાર કોરોના છે, એટલે ના જવાય. તે અને તેના જેવા નાના ભૂલકાઓ પળવારમાં માની જાય, તેમનું સૌનું ધ્યાન ભટકાવી નવી તરફ વાળી લેવાય, ક્યાંક રમકડાં, ટીવી, મોબાઈલ, કે અન્ય વાતોમાં થોડો સમય નીકળી જાય, પાછી એની એ જ વાતો.. બાળક બિચારું ઘરમાં, ફ્લેટમાં, રૂમમાં કેટલું સહન કરે..
અમારી થિરકે રસ્તો શોધી કાઢ્યો છે,
બે દિવસથી રોજ સવારે ફોન કરીને એ નાનકી થિરક સાવ સહજતા થી પુછે છે દાદુ પેલું કોરોના ગ્યું, ને હું સાવ નિરુત્તર બની રહું છું, તેની આંખોમાં ડોકાતો સરળ સવાલ હવે મારાથી ટાળી શકતો નથી, કે નથી તેનો કોઈ જવાબ મારી પાસે, નિરુત્તર બની તેને આ કોરોના દર્દ તેને કેવી રીતે સમજાવું..? ચાર દીવાલો વચ્ચે પુરાયેલા આ થિરક જેવા નાના જીવો, કે જેમને હજી તેમની નવી આંખોમાં રોજ પળેપળ બધું નવું નવું ભરવુ છે, કોરી સ્લેટમાં નવા દ્ર્શ્યો છલકાવવા છે…!
આવનારા દિવસોમાં તેમના આ સવાલોનો જવાબ આપણે સૌ માબાપે ભેગા મળીને હિંમતભેર છતાં ધીરપૂર્વક શોધવો પડશે, પંક્તિ અને રોનક પણ મથામણ કરે છે. ઘરની પ્રક્રિયાઓ ને રમતમાં ઢાળીને, રસોડું, રસોઈ, મહેમાન, પંચતંત્રની વાર્તા, ઘડીક તેની સાથે સાવ બાળક બનવાની વાત તો ક્યારેક તેને મોટા પાત્રમાં પ્રવેશ કરાવી સ્વયમ્ નાના બનવાના અઘરા પાઠ ભજવવાની કળા તેમણે શીખી લીધી છે, સ્વપ્નાની રાજકુમારીનો રાજમહેલ એક રંગીન દુપટ્ટા સહારે, નાની લાઈટો સજાવી, સુંદર સ્વપ્નને હકીકત રૂપે ખીલવી, બાળસહજ પાત્રની ઉઘાડી આંખે રંગસભર દુનિયા રચી, પેલા કોરોના ને કોરાણે મૂકી, બાળકને હસતું કરી, કપરા સમયને આવો સરળ અને આનંદવર્ધક બનાવવાની કળા એ હિન્દુ સંસ્કૃતિમાં સંયુક્ત પરિવરમાંથી પ્રગટતી મહાશક્તિ છે. એકાકી કુટુંબને શું ખબર આ કળા વારસો શું ચીજ છે..? જેની સામે પેલું કોરોના તો બિચારું તુચ્છ જીવડું જ બની રહે, અને તેટલે જ એ બાળક હસતા હસતા પુછી શકે છે, દાદુ પેલું કોરોના ગ્યું, કે હજુ થોડું ઘરઘર રમી લઉં..!
હા, આ છે હિન્દુ સંસ્કૃતિમાં સંયુક્ત પરિવારની તાકાત, ભલે અત્યારે ઘડીક એકલા રહીશું, અમને ક્યારેય એકલતા નહી સતાવે…!
હા, અત્યારે તો બાળકોને કોરોના કરતા એકલતા જ વધારે કોરી ખાય છે. તેમને એકલા ના પડવા દેશો, પણ હા, હાલ તો બહાર કોરોના છે, તે ગ્યું નથી બેટા, હું તેને દૂર મૂકી આવું તેટલી થોડી રાહ જો, કાલે સવારે એ જતું રહેશે. પછી બા બા જઈશું, મદિરે, બગીચે જઈશું, કુકુ જોડે જરૂર રમવા જઈશું. જરૂર જઈશું, બેટા હજુ એ કોરોના ગ્યું નથી. અમે તેને તગેડી દઈશું. તારી આ ઊઘડી આંખોના સ્વપ્નો વિખેરાવા નહી દઉં.
સાભાર :
*ઈમેજ ટેકર : રોનક રાવલ* *(થિરકના પપ્પા)*
*દ્રશ્ય સજાવટ પંક્તિ રાવલ*