‘ફ્રી ટાઈમ એક્સરસાઇઝ’ ના નામથી કેટલાક સમયથી વલ્લભ વિદ્યાનગર સ્થિત જાણીતા ચિત્રકાર અશોક ખાંટ ચિત્રકલા ક્ષેત્રે મહત્વનું અંગ કહી શકાય એવા રિયાઝ ચિત્રો પોસ્ટ કરી રહ્યા છે. અક્ષય કુમાર, રતન ટાટા, દીપક ચોરસિયા, રજત શર્મા, સુધીર ચૌધરી, અંજના ઓમ કશ્યપ, ભૂષણ કુમાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના બા હીરાબા… યાદી બહુ લાંબી છે. કોરોના સંકટમાં પણ પોઝિટિવ ઊર્જા મળી રહે એ હેતુથી અને કલાકારના આત્માને નિજાનંદ આપી શકતો આવો રિયાઝ ખાસ કરીને ચિત્રકલાનું મહત્વનું અંગ હોય છે. વળી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસના ચિત્રોનું પ્રમાણ પણ કોઈ યુવા કલાકારને પ્રેરણા દાયી બને એ હેતુથી તેઓ આવી પોસ્ટ પણ કરે છે. આ પ્રકારના ચિત્રો કોઈ ટ્રેસિંગ કે પ્રિન્ટ પણ નથી. પેન્સિલ કે પેન ડ્રોઈંગમા રબ્બરના ઉપયોગ વગર કલાકાર પોતાની નિરીક્ષણ શક્તિના બળે પિતાની સ્કીલની પરીક્ષા કરતા હોય છે. આ પ્રક્રિયા ખૂબ અઘરી પણ હોય છે. પેન્સિલ લાઈન કે બ્રશનો કલર સ્ટ્રોક મૂક્યો હોય એ ફાઈનલ જ માનીને આ ચિત્ર થતા હોય છે, કોઈ છેકછાક કે ઓવર લેપિંગને પણ અહી સ્થાન હોતું નથી!
લોક ડાઉનના ૨૧ દિવસ હોય કે મહિનો ! સર્જન કાર્યમા કોઈ જ વિક્ષેપ આડો આવતો નથી. મૂળ વાત સમયનો સદુપયોગ થવો જરૂરી હોય છે. અને એ પણ કોઈ છેતરામણી પધ્ધતિ રૂપે રીતે નહિ! સત્યને વળગી રહી થયેલું સર્જન આવનારી પેઢીને પણ સાચી દિશામાં અંગુલી નિર્દેશ કરવા સક્ષમ હોય છે. ‘ઘરમાં જ રહો’ એ સૂત્ર હવે દરેકના જીવનમા પણ વણાઈ ચૂક્યું છે. એટલે આ નવરાશની પળો કહેવાતી હોવા છતાં, જેમ વ્યક્તિનાં શરીરને કસરતની જરૂર પડે એમ ચિત્રકારના દિમાગ અને સ્કીલ પાવરને રિયાઝની જરૂર પડતી હોય છે. લોકડાઉનના આ સમયમા કલાકારે આ પ્રકારે જુદાજુદા માધ્યમોમાં કરેલા રિયાઝ સ્કેચિઝ એક પોઝિટિવ આનંદ આપતાં હોય છે. આવા ચિત્રો કોઈ પ્રદર્શન કે સિરીઝ માટે તૈયાર કરવાનો આશય હોતો નથી પરંતુ રિયાઝ ને ધ્યાનમા રાખી આ પોર્ટ્રેટ સ્કેચિઝ થતાં રહેતા હોય છે. વળી આવા સર્જનો કોઈની મીઠી લાગણી પંપાળવા કે સબંધો સાચવવા માટે પણ નથી હોતા. મૂળ સંદેશ એટલી છે કે કોઈપણ કલાક્ષેત્રે સતત રિયાઝ કરવો ખૂબ અગત્યનો હોય છે. આજના સમયમાં લલિતકલામા સ્કેચિંગ પ્રથા લુપ્ત થવાને આરે ઉભી છે. વૈશ્વિક દોડ, ડિજિટલ ઉપકરણો, અને સોસીયલ મીડિયામાં સતત આવતા રહેતા શિખાઉ ચિત્રકારોના ચિત્રો, પ્રદર્શનો, સેમિનારો, વિગેરેની વણથંભી વણઝાર તેમજ પ્રસિદ્ધિની ટુંકી દોડમા અનેક અધકચરા અ-ચિત્રકારો પણ સામેલ થયેલ છે, ત્યારે લલિતકલાની સાચી પદ્ધતિ બાજુ પર ધકેલાઈ રહી છે. જે ખૂબ ચિંતાજનક પણ છે.
– અશોક ખાંટ, વલ્લભ વિદ્યાનગર