આપણે સૌ જાણીએ છીએ કે જીવનની તમામ પીડાઓનું મુખ્ય કારણ આપણો મોહ કે આસક્તિ છે. એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ પ્રાપ્તિ જેવી કે પદ,પૈસો,સત્તા,કીર્તિ સુખ સગવડ વગેરે વગેરે આપણે ઇચ્છીએ છીએ. આ સર્વે પ્રત્યેની આસક્તિ આપણને દોડાવે છે અને થકવી નાખે છે. વળી આ તમામ આસક્તિ આપણામાં સ્વાર્થ, અનૈતિકતા અને લાલચ પેદા કરે છે કેમકે આપણે તે કોઈ પણ ભોગે મેળવવા ઇચ્છીએ છીએ. જેના માટે કંઈ પણ અયોગ્ય કરવા આપણે તૈયાર થઈ જઈએ છીએ, અને આ તમામની પ્રાપ્તિમાં જે આપણા સહાયક બને તે આપણને સારા લાગવા માંડે છે કે પોતાના લાગે છે અને બાકીના પારકા અથવા અપ્રિય થઈ પડે છે. જેવોની આપણને કોઈ પરવા રહેતી નથી. વળી પોતાના અને પારકા જેવા પૂર્વગ્રહો જાણે કે અજાણે અન્યનું ખરાબ કરવા આપણને પ્રેરે છે. આ રીતે રાગ દ્વેષની તીવ્રતા વધતી જાય છે અને જીવનને તનાવયુક્ત બનાવે છે. આ તમામમાંથી છૂટવાનો માત્ર એક જ રસ્તો છે મોહનાશ, એટલે કે અનેક ઈચ્છાઓ અને આસક્તિમાંથી મુક્તિ મેળવવી. જેના માટે જરૂરી છે યથાર્થ જ્ઞાન એટલે કે અજ્ઞાન કે મિથ્યાજ્ઞાનથી છૂટવું. દા.ત. કોઈ અવકાશી ભવિષ્ય વાણી દ્વારા આપણને એવી જાણ થાય કે હવે આપણું જીવન માત્ર સાત દિવસ બાકી છે અને આઠમા દિવસે આપણું મૃત્યુ થશે તો આપણી દૈનિક દિનચર્યા તરત બદલાઈ જશે. આપણે તમામ પાપો, ખરાબ કર્મોથી દૂર રહેવાનો પ્રયત્ન કરીશું કારણ કે હવે જીવવું થોડું તો ખરાબ શા માટે કરવું? કોઈની પણ સાથે દુશ્મની શા માટે? એ જ રીતે આ સમગ્ર સંસાર ક્ષણભંગુર છે.ક્ષણે ક્ષણે આપણે કાળના એટલે કે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છીએ પરંતુ અજ્ઞાનતાવશ આપણે આ બધું ભૂલી સતત અયોગ્ય અને પાપયુક્ત જીવન જીવી રહ્યા છે. માત્ર અંગત મોહ અને આસક્તિને કારણે અથવા અનેક ઈચ્છાપૂર્તિ માટે, એ જ જીવનનું સૌથી મોટું અજ્ઞાન છે. આપણે સનાતન અને અવિનાશી આત્માને નાશવંત અને નાશવંત સંસારને કાયમી સમજી બેઠા છીએ, જેમાંથી બહાર આવવા માટે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ આવશ્યક છે. યથાર્થ જ્ઞાન એટલે માત્ર સામાન્ય માહિતી(G.K.) નહીં પરંતુ આત્મા અને પરમાત્માનું જ્ઞાન. જેના વગર જીવનમાંથી દુઃખમુક્તિ શક્ય જ નથી. સાચી જ્ઞાન પ્રાપ્તિ થતાં જ સમજાય છે કે હું કેટલા ખોટા રસ્તે હતો અને તરત અંદર પ્રશ્ન થાય છે કે હવે શું કરું? ત્યાંથી જ કર્મયોગની શરૂઆત થાય છે એટલે કે સ્વધર્મ શું છે? મારે શું કરવું જોઈએ અને શું ન કરાય? કેમકે કોઈ પણ કર્મ સાચી સમજણ વગર થાય તો બંધનરૂપ બને છે. અહંકાર સાથે જો કર્મ કરવામાં આવે તો પીડાઓની વણઝાર ઊભી થાય. જેથી કર્મ-અકર્મ,વિકર્મ વગેરેની સમજણ મેળવવી પડે. ઉપરાંત કર્મ કુશળતાપૂર્વક અને યથાર્થ સમજણ સાથે કરવા માટે ચિતની એકાગ્રતા અતિ આવશ્યક છે. ભટકતાં મન દ્વારા કોઈ કર્મ કુશળતાપૂર્વક થઈ શકે નહીં. આવી એકાગ્રતા આત્મસંયમ, યોગ અને ધ્યાન દ્વારા મેળવી શકાય. વળી આ તમામ ક્રિયાઓમાં પરમાત્માનું અનુસંધાન ન હોય એટલે કે ભક્તિનો સાથ ન હોય કે ઈશ્વર પર ભરોસો ન હોય તો ભટકી જવાનો ભય રહે છે. આમ પરમાત્માની ભક્તિ અનિવાર્ય છે. વળી ભક્તિમાં સાતત્ય ન હોય એટલે કે નિયમિતતા ન હોય તો અંતિમ પડાવ સુધી પહોંચવાનું અશક્ય બને છે. ભક્તિ એટલે માત્ર યાંત્રિક રીતે ભાવ વગર થતી ઈશ્વરની પૂજાઅર્ચના નહીં. ભક્તિ એટલે ઉત્તમ કર્મ જેવા કે માનવસેવા, પરોપકાર, મંગળકામના, જીવમાત્ર પર પ્રેમ અને દયાભાવ, દરેકને ઉપયોગી થવાની ભાવના વગેરે, જેના દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય અને ઈશ્વર પ્રાપ્તિ શક્ય બને. જેના માટે અવિરત જીવનભર સદગુણોની પ્રાપ્તિ, દાન, જપ, તપ, સેવા, કપટરહિત જીવન અને ત્યાગની ભાવના વિકસાવવી પડે. આમ પણ જો ખુશીથી અને અન્યને મદદના ભાવથી આપણે ત્યાગ નહીં કરીએ તો પણ અંતે તો બધું આપોઆપ છૂટી જ જવાનું છે. વાસ્તવમાં આપણું કશું આ સંસારમાં છે જ નહીં. આપણે તો માત્ર પ્રભુની માલિકીના આ સંસારમાં ભાડવાતની ભૂમિકામાં છીએ. અંતે તો બધું માલિકને સોંપીને જતા જ રહેવાનું છે. કશું જ આપણું નથી એટલે તો મૃત્યુ પછી આપણે સાથે કશું જ લઈ જઈ શકતા નથી. જે મેળવવા આખી જિંદગી રોળી નાખી તે બધું છોડીને જવાનું છે તો શા માટે ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવન દરમિયાન જે કંઈ છે તે થોડું થોડું વહેંચતા ન રહીએ? કેમકે મોક્ષનો આ એક જ માર્ગ છે. દુઃખમુક્તિ આ સિવાય શક્ય જ નથી. આધિ- વ્યાધિ અને ઉપાધિથી બચવું હોય તો સંયમ, અંતઃકરણની શુદ્ધિ અને માનવસેવા યુક્ત ઈશ્વરની ભક્તિ જ ઉપયોગી થઈ શકે છે. (આ અંગે વધુ વાંચવા માંગતા વ્યક્તિએ મારું પુસ્તક ‘મોહનાશથી મોક્ષ સુધીનું જીવનશાસ્ત્ર’ અવશ્ય વાંચવું)
Related Posts
⭕ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,389 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ *24 કલાકમાં અમદાવાદ 317,સુરત 82,વડોદરા 43, ગાંધીનગર 11,ભરૂચ 9,જામનગર 7,આણંદ 6, અરવલ્લી-પાટણ 5,ભાવનગર 4,બનાસકાંઠા-નવસારી 3,સાબરકાંઠા-પંચમહાલ-અમરેલી 2,રાજકોટ-ખેડા-બોટાદ-સુરેન્દ્રનગર-જૂનાગઢ-નર્મદા-મોરબી 1 કેસ* ●…
વિભાપર શિશુમંદિરના 603 છાત્રોએ દિલધડક કરતબ અને પર્ફોર્મન્સ રજૂ કરી લોકોને આશ્ચર્યચકિત કર્યા જીએનએ જામનગર: જામનગરની વિભાપર ખાતે આવેલ શિશુમંદિરના…
*શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી*
*શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર…