1960માં જન્મેલી રુપા તેર વર્ષે નાટક ક્ષેત્રે પ્રથમ પગલું માંડે છે, પરિમા, જોન ઓફ આર્ક અને સરદાર પટેલ નાટકના મુખ્ય કીરદાર આજે સાઈઠ વર્ષેય તેમની રગરગમાં પુરજોશમાં અવિરત વહે છે. તેમના ખળખળાટ, મુક્ત હાસ્યમાં સરદારની જિંદાદિલી, સ્વચ્છ નિર્મલ આખોની ગહેરાઇમાં ‘પરિમા’ અને દ્રઢ વાણીવિચારમાં ‘જોન ઓફ આર્ક’ સાવ તરોતાજા છે. રમેશચંદ્ર અને નિર્મલાબહેનના બંને પરિવારો વિદ્યાલક્ષી રહ્યા હોવાથી તેમની ત્રણેય દીકરીઓ સોનલ,રુપા અને આનલ જેટલુ ભણ્યા તેથી વધારે વ્યવહારુ ગણ્યા પણ ખરા, મા-બાપ બંને વૈચારિક ક્રાંતિકારી તે દીકરીઓને સામાજિક રીતરસમ કે વ્યવહારિક બંધનમાં સ્ત્રી ચોકઠે ઢાળ્યા નહી, દીકરા દીકરીના ભેદ વગર ઉછેર્યા. પૂર્ણ સ્વાતંત્રતાના દ્વાર ખોલી આપ્યા. મોસાળપક્ષે સાહિત્યનો દબદબો, તે ગિજુભાઈ બધેકા, ઝવેરચંદ જેવા દમદાર નામોના જીવનચરિત્રો, ભવાઈ, વેશભૂષા, વાર્તા વગેરે શબ્દો બાળપણથી જાણીતા બન્યા. મામા મુંબઈ, તેમનો લોકકલા, સાહિત્ય-સંગીતનો પ્રભાવ, અસરકારક રહ્યો, બાળપણથી જ શેરીનાટકો, રેડીયો સંવાદો, વાંચન, કથા, સ્ટેજ સહજ બન્યા. પપ્પા મમ્મીની પરવરીશ, વેકેશનમાં વઢવાણ અમદાવાદ આવનજાવન, મોહીનાબા સ્કુલ, એચ.કે. કોલેજની યુવાસફર દરમ્યાન ફિલોસોફી, ઈન્ડિયન ક્લચર થી કોમ્યુનિકેશન ડેવલોપમેન્ટ છેક ડોક્ટરેટ સુધી વિસ્તરી. દોલતભાઈ, કુંજબાળાબેન, ડો.ચીનુભાઈ નાયક અને પ્રભાકર કંસારા જેવા ગુરુજનો સાથે કૌટુંબિક નાતો તેમના ઉછેરમાં મહત્વનો બની રહ્યો. ઘરમાં રુપાબેન નો રોફ એવો વૈભવ ધરાવે કે સૌ ‘જમાદાર’ના હુલામણા નામે સંબોધે, તેર વર્ષની સમજણ પછી આજ સુધી જો ના બદલાયું હોય, અને સતત એકધારુ સાથે રહી પોતીકી આગવી ઓળખ બની રહ્યું હોય તો એક માત્ર ખુલ્લુ, નિખાલસ મુક્ત હાસ્ય. હા ચમકદાર આંખોમાં ‘અનુભવી-ડેપ્થ’ સતત વિસ્તરતી રહી.
પપ્પા-મમ્મીની ત્રણેય બહેનો અને રુપાને પારણે એકનીએક દીકરી, મહાશ્વેતા. પુરુષપ્રધાન સમાજમાં તમેને ભાઈ નહી હોવાનો કે તમારે પણ એક માત્ર દીકરી જ….! આ વાત અધવચ્ચે કાપતા એ મૃદુ હાસ્ય સાથે કહે છે કે, “મારા માતાપિતાએ અમને ક્યારેય એ ફીલ નથી થવા દીધું કે અમે દીકરીઓ છીએ, મારે પણ દીકરા-દીકરીનો ભેદ શું કામ રાખવો.! હા,, મેં મહાશ્વેતાને દીકરી-દીકરા તરીકે નહી, એક બાળક તરીકે જ લાલનપાલન કર્યું છે. અને તે દીકરી મારુ ગૌરવ છે. પંખીઓ બચ્ચાંને માળામાં ત્યાં સુધી જ સાચવે છે, જ્યાં સુધી તેમની આંખો-પાંખો ના ખુલે. અરે, બાજ તો બચ્ચાને ઉડતા શીખવવા ઉંચા માળાથી હડસેલી દે છે. મારા પપ્પાને મમ્મીના બધા જ કામ આવડતા હતા, અમે તેમને ઘરકામમાં મમ્મીને મદદ કરતા જોયા છે. મારા મિત્ર અને જીવનસાથી મનિષી જાની (હા, મનિષી પુરુષવાચક નામ છે. તેનો અર્થ મનન કરનાર મહર્ષિઓ થાય) સાથે દીકરી ઉછેર માટે કેટલાક કામોની વહેંચણી આજે પણ અકબંદ છે. મારી બદલી થતી પોસ્ટ, અને તે ઉપરાંત ઘરે આવવામાં થતો વિલંબ અમે બાળક ઉછેરમાં વચ્ચે આવવા દીધો નથી. ભણતર અને લગ્ન માટે અમને ત્રણેય બહેનોને સ્વાતંત્રતા મળી હતી, મેં પણ દીકરીને આપી છે. રુપાબહેન કહે છે કે મેં સતત ભણવાનું ચાલુ જ રાખ્યું, સાથે અનેક મનગમતી પ્રવૃત્તિ, નાટક, ફિલ્મો, સ્ક્રિપ રાઇટિંગ, કરતી રહી જો કે પસંદગી યુક્ત નોકરી મેળવવા સમય લાગ્યો. ઈસરોમાં અને ત્યાર પછી દૂરદર્શનમાં જૉબ મળી તે દિવસથી આજ સુધી અનુભવ્યું છે કે સમાજમાં હજુ સ્ત્રી પરત્વે વિચાર અને વ્યવહાર બાબતે ખાસ્સા બદલાવની જરુર છે. જેમાં સ્ત્રી પોતે જ સક્રિય થાય તેનુ પરિણામ વધારે સકારાત્મક આવે છે. મારા કાર્યકાળ દરમ્યાન મારી જગ્યાએ થી સમાજના અનેક ક્ષેત્રોમાં જોયું છે કે કાર્યક્ષમતા અને કુશળતા હોવા છતાં પુરુષો સ્ત્રીને બૉસ તરીકે સહજતા થી સ્વિકાર કરી શકતા નથી, મને પણ અનેક વખત આ અહેસાસ થયો છે. પણ મેં હંમેશા મારુ નેતૃત્વ પુરવાર કર્યુ છે. જયપુર, દિલ્હી અને અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં વિવિધ વિભાગો સંભાળ્યા છે, 1999, 2003, 2008 અને 2012ના વર્ષ દરમ્યાન ગુજરાતી મહિલા તરીકે દુનિયાના જુદા જુદા દેશોમાં ભારતીય પ્રતિનિધિત્વ કર્યું છે. રુપાબહેન એક ગુજરાતી સ્ત્રી તરીકે ભારત સરકારના દૂરદર્શનક્ષેત્રે પ્રતિનિધિત્વ કરી છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ દૂરદર્શનમાં આસી. ડાયરેક્ટર પ્રોગ્રામ હેડ તરીકે સફળ કામગીરી કરી રહ્યા છે, આ સમય દરમ્યાન વિશ્વના જાણીતા મુખ્ય પ્રધાનો અમદાવાદ મુલાકાતે આવે ત્યારે જુદાજુદા વિભાગો સાથે સમગ્ર ટીમનો તાલમેલ રાખી જીવંત પ્રસારણ કાર્ય કરવું અને તે પણ તેમની ઓળખ બનેલા નિશ્ચિંત મુક્ત હાસ્ય સાથે..! બિહાઇન્ડ ધ કેમેરા. તેમણે સફળ કર્યુ. આ ઉપરાંત સાવ ઘરડ બની રહેલા, શુષ્ક કાર્યક્રમો ને ડીડી. ગિરનાર ગુજરાતી ચેનલમાં બદલાવ લાવવો એ તો યુગ બદલા જેટલુ મુશ્કેલ કાર્ય હોવા છતાં વિમેન્સ શીડયુલ માં મોટુ પરિવર્તન લાવવામાં સફળ થયા. અથાણાં-મુરબ્બા માંથી બહાર આવી પ્રગતિશીલ મહિલાઓ, વકીલાત કે અન્ય ક્ષેત્રે કાર્યરત બહેનો, સ્વરોજગાર કાર્યક્રમોમાં સફળ મહિલાઓ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરી સતત નવતર પ્રયોગો કર્યા. કુંજડી પ્લેટફોર્મ રચી મહિલા લોક કલાકારો માટે તકો ઉભી કરી, એક નવું પ્લેટફોર્મ બનાવ્યું. સબ્જેક્ટ એક્સપર્ટ, પ્રોફેશનલ સક્સેસ વુમન માટે ‘સંગાથ’ નુ માધ્યમ ઉપસાવ્યું. ગરબા માત્ર દૂરદર્શન સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થતા હતા તેને બદલે તેમને જે તે સ્થળ પરઃ થી લાઈલ પ્રસારણ કર્યું, આવા અનેક નવતર સફળ રસ્તા ખુલ્લા કર્યા. સતત સંઘર્ષ, સખત પરિશ્રમ, અકલ્પ્ય આત્મવિશ્વાસ અને ભ્રસ્ટાચાર વિરોધી તીખો સ્વભાવ એ તેમના વિશેષ અલંકારો બની રહ્યા.
2012ના વર્ષમાં ઓલમ્પિક્સ અંતર્ગત વિદેશ હતા ત્યારે તે જાપાન દૂરદર્શનથી વધારે પ્રભાવિત થયા હતા. સહયોગી જાપાનીઝ મિત્રો કેવી આગોતરી તૈયારી કરતા તે વાત મમળાવતા રુપા મહેતા કહે છે કે, મૅરીકૉમ ફાઇનલમાં પહોંચી ત્યારે જો મૅરીકૉમ જીતે તો તરત જ તેના ગામ, ઘર, મિત્રો વગેરેની આગોતરી તૈયારી કરી ડોક્યુમેન્ટરી બનાવી દીધી હતી. ઓછા સ્ટાફ દ્વારા કેવું ઉત્તમ કામ આયોજનબદ્ધ રીતે કરી શકાય તે વાતથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. કોઈપણ કાર્ય પહેલા ગૃહકાર્ય અને તે પણ ચીવટ સાથે કરવાથી તમે સહજતાથી સફળતા સુધી પહોંચવાનો માર્ગ સ્થાપિત કરી શકો છો એ વાત હું ટીમમાં સમજાવી શકું છું, પણ પુરુષોને બૉસ તરીકે સ્ત્રી હોઈ શકે તે વાત સમજાવી શકી નથી. તેનો મને હંમેશા અફસોસ રહ્યો છે. તેઓ કહે છે કે કર્મ એ જ ભગવાન છે. જો બીજો જન્મ મનુષ્ય તરીકે મળે તો હું સ્ત્રી બનવાનું જ પસંદ કરી નવા જન્મેલા બધા બાળકો પુખ્ત બને ત્યાં સુધી સ્ત્રી-પુરુષ ભેદભાવ વગર ઉછેરવાનું બીડું ઝડપી નવો બદલાવ લાવવા સતત પ્રયાસ કરતી રહું. સમાજના દરેક પ્લેટફોર્મ પર સ્ત્રીશક્તિ જ ભારતની સાચી શક્તિ છે.