હું એવું માનું છું કે માતા-પિતા, શિક્ષકો, વડીલો દરેકની બાળકોને શીખવાડવાની એક રીત હોય છે અને દરેક રીતમાં મૂળભૂત તફાવત રહેલો છે, એમાં સામ્યતા હોય પણ ન શકે. એવી જ રીતે પ્રકૃતિ કે પરમાત્માની પણ તેના બાળકોને (સમાજને) શીખવાડવાની રીત હોય છે. કદાચ કુદરતી આફતો, વાયરસ, રોગોની ઉત્પત્તિ વગેરે એ અંતર્ગત જ આવતા હશે. આજે કળીયુગના લોકોમાં સંયમ, સ્વચ્છતા વગેરે દૂર-દૂર સુધી દેખાતા નથી. જે સ્વસ્થ અને શાંતિમય જીવનની આધારશિલા છે. સંભોગમાં અસંયમ અને મર્યાદાભંગને કારણે એઈડ્સ જેવી બીમારી સર્જાઈ, કહો કે પ્રકૃતિ કે પરમાત્માએ આવી બીમારીના સર્જન દ્વારા જનસમુદાયને નોટિસ આપીને જાણ કરી કે શારીરિક સંબંધોમાં મર્યાદા અને સંયમ કેટલું આવશ્યક છે. એ જ રીતે ખાન-પાન, આહાર-વિહારમાં અસંયમ અને ભોગવૃત્તિએ અનેક રોગોનું સર્જન કર્યું છે. જે પણ કદાચ ઈશ્વરની લોકોને સમજાવવાની એક રીત હોય શકે. એ જ રીતે કોરોના વાયરસ દ્વારા પણ પ્રકૃતિ (પરમાત્મા) દેશ અને દુનિયાને શીખવવા માગે છે કે સ્પર્શમાં મર્યાદા રાખો, સ્વચ્છતા જાળવો, પ્રકૃતિના તમામ અંગો કે જીવસૃષ્ટિની દિનચર્યામાં હસ્તક્ષેપ ન કરો, જીવો અને જીવવા દો. વળી ગામ,રાજ્ય કે દેશની હદમાં રહો. વર્ષો પહેલા ધર્મના વિભિન્ન આદેશો અન્વયે ખૂબ મહત્વની આજ્ઞા હતી કે વિહારની એક ચોક્કસ મર્યાદા નક્કી હોવી જોઈએ. એટલે કે નદી ના ઓળંગાય, ગામથી દૂર ન જવાય, દેશ છોડવાની તો કલ્પના પણ ન થાય. પરંતુ આ બધી બાબતો આજકાલના ભણેલા લોકોને પછાત લાગવા માંડી છે. કેમ કે તેની પાછળનું વિજ્ઞાન અને ઊંડી સમજણ આપણે જાણી શક્યા નહીં. કદાચ એટલે જ ઉપરવાળો ફરી આપણને વિજ્ઞાનના સંદર્ભમાં એ જ પૌરાણિક બાબતો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, હા તેની શિક્ષણ પદ્ધતિ કદાચ થોડી આપણા માટે સમજવી અઘરી હોય શકે. આપણા દેશમાં થૂંકવાનું ચલણ, પાન-મસાલાની ગંદકી, કચરો ગમે ત્યાં ફેંકવાની આદત, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલ આડો ન રાખવાની ટેવ, બહારનું ગમે તેવું ખાવાનો શોખ વગેરે જાણે ફેશન બની ગઈ છે અને લોકો ગર્વથી ના કરવાના કાર્યો કરે છે. હવે કોરોનાના કહેરથી એટલે કે પરમાત્માના શિક્ષણથી લોકો સતત હાથ ધોતા થઈ ગયા, સેનીટાઈઝર વાપરતા થઈ ગયા, દરેક દેશોએ વિઝા આપવાના મોકૂફ કરી દીધા. આમ ધર્મ અનુસારની વિહાર મર્યાદા અપ્રત્યક્ષ રીતે નક્કી થઈ ગઈ. બિનજરૂરી સ્પર્શથી લોકો દૂર રહેવાનું શીખવા માંડ્યા, અભણ લોકો પણ છીંક ખાતી વખતે હાથ કે રૂમાલનો ઉપયોગ કરવા તરફ વળી રહ્યા છે. નાક કે મોં પર વધુ હાથ ન અડે તેનું ધ્યાન રાખતા થઈ ગયા. આપણા ધર્મશાસ્ત્રોમાં વર્ષોથી બે હાથ જોડી નમસ્તે કરવાનો રિવાજ હતો, ઘરનું શુદ્ધ ખાવાની પ્રથા હતી, સ્વચ્છતાને ધર્મ માનવામાં આવતો, ગામ કે દેશની બોર્ડર ક્રોસ ન કરવાની સમજણ હતી, પ્રકૃતિના તમામ તત્વો અને સમગ્ર જીવસૃષ્ટિ (પશુ-પંખી કીડા-મકોડા, વનસ્પતિ વગેરે) સાથે પ્રેમભાવ અને જીવદયાના નિયમો હતા. જેથી માંસાહારનો તો સવાલ જ ઉભો થતો નહોતો. વિચારો, પરમાત્માના નિયમો મનુષ્યજાત માટે કેટલા લાભદાયી હતા? આજે કોરોના કેહરના માહોલમાં આપણે મજબૂરીમાં નિષ્ણાંતોની સલાહ અન્વયે આ જ બધું કરી રહ્યા છીએ. જેમ કે
૧) સ્વચ્છતાને સ્વીકારી રહ્યા છીએ. (છેલ્લા ડેટા અનુસાર ગુજરાતમાં 1889 લોકો પાસે થૂંકવાનો દંડ લેવામાં આવ્યો છે)
૨) લોકો વારંવાર હાથ ધોઈ રહ્યા છે. (સેનીટાઈઝરની અછત અને ઊંચા ભાવ)
૩) બે હાથ જોડી નમસ્તે કરવાનું શીખી રહ્યા છીએ. (નમસ્તેની વિદેશી સ્ટાઈલને તિલાંજલિ આપી દીધી
૪) વિઝાની ગેરહાજરીમાં પોતાના જ પ્રદેશમાં રહેવાનું પસંદ કરી રહ્યા છીએ.
૫) સંબંધો કે સ્પર્શમાં મર્યાદાને માન આપી રહ્યા છીએ.
૬) જીવસૃષ્ટિને માંસાહારના રૂપે આરોગવાની ચીનની પ્રવૃત્તિને વખોડતા વિડીયો વોટ્સએપ પર ફોરવર્ડ કરી રહ્યા છીએ અને કર્મના સિદ્ધાંતમાં ભરોસો વધારી રહ્યા છે.
આમ જાણે કે અજાણે ઈશ્વરના કાયદાનું જ સમજણથી કે મજબૂરીમાં પાલન કરી રહ્યા છીએ. મને લાગે છે ઈશ્વર માત્ર આટલું જ ઈચ્છે છે. જેથી વધુ પેનિક થવાને બદલે, તેના ઇશારાને સમજી, કોરોના કહેર દ્વારા ઈશ્વર જે સમજાવવા માગે છે તેને પ્રભુની આજ્ઞા સમજી શિરોધાર્ય કાયમ માટે કરીએ તો કદાચ આવી અનેક આફતો કે સમસ્યાઓથી બચી શકીએ. માત્ર સાચા દિલથી એકવાર આપણે સૌ ઈશ્વરની માફી માગી, પ્રાયશ્ચિત કરી લઈએ અને પ્રભુના આદેશ અનુસાર બાકીનું જીવન જીવવાની પ્રતિજ્ઞા લઈએ તો મને લાગે છે ક્ષણવારમાં પ્રભુકૃપાથી કોરોના કહેરથી મુક્ત થઈ શકાય પરંતુ આ કામ એકલ-દોકલ વ્યક્તિ દ્વારા નહીં સમગ્ર દેશ કે દુનિયા દ્વારા થવું જોઈએ, બાકી તો આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી આવા અનેક વાયરસ સામે આપણે ઝઝૂમી રહ્યા છીએ. જેમ કે 2001માં એન્થેક્સ વાયરસ, 2002માં વેસ્ટ નાઈલ, 2003માં સાર્સ, 2005માં બર્ડફ્લુ, 2006માં ઈકોલી, 2009માં સ્વાઇન્ફ્લું, 2014માં ઈબોલા વાયરસ, 2016 ઝીકા વાયરસ, 2018માં નીપાહ વાઇરસ અને 2020માં કોરોના.