*ગાંધીનગરમાં ભારતીય વાયુ સેનાની ૯૧ મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી*
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય વાયુ સેનાની ૯૧ મી વર્ષગાંઠ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વાયુ યોદ્ધાઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે, શૌર્ય અને વીરત્વ વ્યક્તિની ગરિમા અને ગૌરવ વધારે છે. વીરત્વના ભાવ સાથે રાષ્ટ્રની સેવામાં સમર્પિત ભારતીય વાયુ સેનાએ ભારત અને ભારતીયોનું ગૌરવ વધાર્યું છે.
તા. ૮ મી ઑક્ટોબર, ૧૯૩૨ માં ચાર હવાઈ જહાજ, છ અધિકારીઓ અને ૧૯ સૈનિકોના બલ સાથે ભારતીય વાયુ સેનાની સ્થાપના થઈ હતી. આજે ૯૧ મા વર્ષે ભારતીય વાયુ સેના વિશ્વની ત્રીજી શક્તિશાળી વાયુ સેના ગણાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર નજીક દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના હેડ ક્વાર્ટરમાં ભારતીય વાયુ સેનાના સ્થાપના દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત સમારોહમાં અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને સંબોધતાં કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાએ દેશને સુરક્ષાની વાતે નિશ્ચિંત કર્યો છે, એટલું જ નહીં કોવિડ કાળમાં ઓક્સિજન પહોંચાડવામાં, વિદેશોમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવામાં કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ લાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી છે. એટલું જ નહીં, તાજેતરમાં ગુજરાતમાં આવેલા બિપોરજોય વાવાઝોડામાં બચાવ અને રાહત અભિયાનમાં પણ ભારતીય વાયુસેનાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જાજ્વલ્યમાન અને ગૌરવશાળી ભારતીય વાયુ સેનાએ ભારતીયોને હંમેશા નિશ્ચિંત રાખ્યા છે.
દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના વડા એર ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ દ્વારા આ અવસરે કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાની આજે વિશ્વની શક્તિશાળી વાયુ સેનામાં ગણતરી થાય છે, આ ગૌરવ માટે અતિતના અને વર્તમાનના વાયુઓ યોદ્ધાઓ અને નેતૃત્વને હું નમન કરું છું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રની જવાબદારી સંભાળતી દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન મુખ્ય ઓપરેશનલ વાયુ કમાન છે, જેની ઉપલબ્ધિઓ પર પણ હું ગર્વ અનુભવવું છું. વાયુ સેના પરિવાર કલ્યાણ સંઘના માધ્યમથી થતા કલ્યાણકાર્યોની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે ભારતની સુરક્ષા, સમૃદ્ધિ અને સંપ્રભુતા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર, શ્રીમતી શર્મિલ રાજકુમાર, શ્રીમતી રીચા નર્મદેશ્વર તિવારી, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, ભૂતપૂર્વ વાયુ યોદ્ધાઓ, ત્રણેય સેનાઓ અને સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રુપ કેપ્ટન અને વીંગ કમાન્ડર દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે વાયુ સેનાની ઝલક દર્શાવતી બે ફિલ્મો પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
—————